મ્યાનમારનાં પાટનગર સ્થિત કોર્ટે પદભ્રષ્ટ નેતા આંગ સાન સૂ ક્ીને ૪ વર્ષની સજા ફટકારી છે. તેઓને જન સામાન્યમાં ઉશ્કેરણી ફેલાવવાના તથા કોરોના અંગેનાં નિયમોનો ભંગ કરવાના આક્ષેપો માટે આ સજા ફરમાવવામાં આવી છે.
૭૬ વર્ષના આ નોબેલ પ્રાઈઝ વિજેતા નેતાના હાથમાંથી લશ્કરે બળવો કરીને ગત ૧લી ફેબુ્રઆરીના દિવસે સત્તા હાથમાં લીધી હતી. પછી તેમની સામે શ્રેણીબદ્ધ કેસો દાખલ કરવામાં આવ્યા હતા. તેના કારણે તેમના પક્ષ 'નેશનલ લીગ ફોર ડેમોક્રેસી'ને આગામી પાંચ વર્ષ સુધી સત્તામાં આવતા રોકી શકાશે એવી સૈન્યના વડાની દાનત છે.
વાસ્તવમાં આ ઉશ્કેરણી ફેલાવવાનો કેસ તો તેમના પક્ષે 'ફેસબુક' ઉપર રજૂ કરેલા ઉશ્કેરણીજનક નિવેદનો અંગેનો છે. પરંતુ ખરી વાત તો તે છે કે, તે સમયે સૂ કીને લશ્કરે અટકાયતમાં લઈ જ લીધા હતા. જ્યારે કોરોના વાયરસ સંબંધે દાખલ કરાયેલા કેસમાં ગત વર્ષે નવેમ્બર માસમાં તેઓ એક પ્રચાર સભામાં ઉપસ્થિત રહ્યા હતા તે સંબંધે છે.
સૂ કી ઉપરની કોર્ટ-કાર્યવાહી તદ્દન બંધ બારણે કરવામાં આવી હતી. મ્યાનમારનું સંવિધાન જેને જેલની સજા થઈ હોય, તેને સરકારમાં ઉચ્ચ પદ ધારણ કરતાં કે સાંસદ બનતાં રોકે છે એટલે તેમને સજા કરીને આગામી વર્ષોમાં સત્તાથી દૂર રાખવાનું ષડયંત્ર ગણાવાઈ રહ્યું છે.
બીજી તરફ યંગૂનમાં શાંતિપૂર્ણ રીતે દેખાવો કરી રહેલાં પ્રદર્શનકારીઓના ટોળા ઉપર સેનાનો ટ્રક ઘૂસી ગયો હતો. જેમાં ત્રણ લોકોના કચડાઈ જવાથી મોત થયા હતા. બેરહેમીપૂર્વ સેનાના ટ્રકને ઘૂસાડીને સૈન્ય અધિકારીઓએ અસંખ્ય લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં દેખાઈ રહ્યું છે કે સેનાનો એક ટ્રક પ્રદર્શનકારીઓને વેર-વિખેર કરવા ટોળામાં ધસમસતો ઘૂસી જાય છે. એમાં ભાગદોડ મચી જાય છે અને ત્રણ લોકોનાં તો કચડાઈ જવાથી ઘટના સ્થળે જ મોત થયા હતા. એ સિવાયના ઘણાં લોકોને ટ્રકની ટક્કર વાગી હતી, જેમાં તેમને ઈજા થઈ હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ov2QQe
via IFTTT
Comments
Post a Comment