મોટાભાગની સ્કૂલોમાં પરીક્ષા માટે વિદ્યાર્થીઓની ૧૦૦ ટકા હાજરી

વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લામાં આજથી સ્કૂલોમાં ધો.૯ થી ૧૨ની પહેલી કસોટીનો પ્રારંભ થયો હતો.મોટાભાગની સ્કૂલોમાં આજે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ ઉમટી પડયા હતા અને લગભગ ૧૦૦ ટકા હાજરી જોવા મળી હતી.કોરોના કાળમાં પહેલી વખત સ્કૂલોમાં સામાન્ય દિવસો જેવી વિદ્યાર્થીઓની ચહલ પહલ જોવા મળી હતી.

વડોદરા શહેર અને જિલ્લાની ૩૦૦ જેટલી સ્કૂલોએ બોર્ડ દ્વારા સેટ કરાયેલા પેપર અનુસાર પરીક્ષા લેવાનુ નક્કી કર્યુ છે.આ તમામ સ્કૂલોમાં આજથી જ પરીક્ષાનો પ્રારંભ થયો હતો.શૈક્ષણિક સૂત્રોના કહેવા પ્રમાણે પહેલા દિવસના પેપર સ્કૂલોને આગલા દિવસે પહોંચાડી દેવાયા હતા.જોકે હજીધો.૯ થી ૧૨માં કેટલાક પેપર સ્કૂલોને આપવાના બાકી છે.જે આવતીકાલ સુધીમાં સ્કૂલોને પહોંચાડી દેવામાં આવશે.

મહત્વની વાત એ રહી હતી કે, પરીક્ષા માટે ઓનલાઈનનો વિકલ્પ નહીં અપાયો હોવાથી મોટાભાગની સ્કૂલોમાં પરીક્ષા માટે ૧૦૦ ટકા હાજરી નોંધાઈ હતી.બીમારી જેવા અનિવાર્ય કારણોસર જ થોડા ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાનુ ટાળ્યુ હતુ.

સ્કૂલોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે બે પાળીમાં પરીક્ષા લેવાનુ નક્કી કર્યુ છે.ઉપરાંત દરેક રુમમાં સામાન્ય સંજોગો કરતા ઓછા વિદ્યાર્થીઓ બેસાડીને પરીક્ષા લેવામાં આવી રહી છે.

જે સ્કૂલોએ પોતાની રીતે પેપર સેટ કરીને પરીક્ષા લેવાનુ નક્કી કર્યુ છે તે પૈકીની ઘણી સ્કૂલોએ પોતાની પરીક્ષાનુ ટાઈમ ટેબલ પણ અલગથી બનાવ્યુ છે.એટલે આ સ્કૂલોમાં અલગ અલગ તારીખે પરીક્ષા લેવામાં આવશે.એક આચાર્યે કહ્યુ હતુ કે, બોર્ડના પેપર થકી પરીક્ષા લેવાના કારણે વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા આપતા પહેલા જ તેનો અનુભવ મળી રહ્યો છે તે એક સારી વાત છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DX4BKR
via IFTTT

Comments