વડોદરાઃ શહેરના છેવાડાના વિસ્તારોમાં ખુલ્લા કાંસ લોકો માટે પરેશાનીનુ કારણ બની ચુકયા છે.તાજેતરમાં ભાયલીમાં પણ તેને લઈને ઉહાપોહ થયો હતો.હવે વડોદરાને અડીને આવેલા ઉંડેરા ગામના તળાવથી ગોત્રી જવાના રસ્તા પરના ખુલ્લા કાંસામં આજે એક ટુ વ્હીલર ચાલક ખાબકતા ભારે દોડધામ મચી ગઈ હતી.સ્થાનિક લોકોએ તેને મહામુસીબતે બહાર કાઢ્યો હતો.સદનસીબે તેનો જીવ બચી ગયો હતો.
આ વિસ્તારના કોંગ્રેસના મહિલા આગેવાનનુ કહેવુ છે કે, ઉંડેરા તળાવથી ગોત્રી તરફ જવાનો રસ્તો પહેલેથી સાંકડો છે અને રસ્તાને સમાંતર પસાર થતો કાંસ ખુલ્લો હોવાથી ભૂતકાળમાં પણ વાહન ચાલકો તેમાં ખાબકયા હોવાની ઘટનાઓ બની છે.આ કાંસને બંધ કરવા અથવા તેના પર રેલિંગ કરવા માટે અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે.જોકે તંત્ર દ્વારા તેના પર ધ્યાન અપાયુ નથી.ઉંંડેરાનો સમાવેશ હવે કોર્પોરેશનની હદમાં કરવામાં આવ્યો છે.જોકે કોર્પોરેશનના સત્તાધીશો પણ આ બાબત પર ધ્યાન આપી રહ્યા નથી.ઉલટાનુ લોકોને હવે એક ઓફિસથી બીજી ઓફિસના ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે.સત્તાધીશોની બેદરકારીના કારણે આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો.
ઉપરાંત ખુલ્લા કાંસમાં વર્ષના બારે મહિના ઉકરડા અને ગંદા પાણીનુ સામ્રાજય રહેતુ હોવાથી મચ્છરોના ઉપદ્રવે પણ માઝા મુકી છે.જેના પગલે ઉંંડેરા ગામમાં રોગચાળાની દહેશત રહે છે.કાંસ ખુલ્લો હોવાથી બારે મહિના દુર્ગંધ આવતી રહે છે તે અલગ.ગામના લોકો તેના કારણે ભારે પરેશાન છે અને જો હવે કોર્પોરેશનના સત્તાધીશો કાંસને ઢાંકવા માટેની કામગીરી નહીં કરે તો ગામના લોકોને નાછુટકે આંદોલન કરવાની ફરજ પડશે.શહેરના છેવાડાના વિસ્તારોને કોર્પોરેશનમાં સમાવવામાં તો આવી રહ્યા છે પણ એ પછી કોર્પોરેશનના શાસકો ગટર-પાણી અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ આપવામાં પણ અખાડા કરી રહ્યા છે અને તેનાથી હજારો લોકોની સમસ્યાઓ ઉલટાનુ વધી ગઈ છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ooER4T
via IFTTT
Comments
Post a Comment