વડોદરા,વહેલી સવારે પાંચ વાગ્યે ઉંડેરા તળાવ પાસે રોડ પર તોફાને ચડેલી ગાયના કારણે કાર પલટી ગઇ હતી.કારમાં બેસેલા ચાર વ્યકિતઓને ઇજા પહોંચી હતી.જે પૈકી એક યુવકને માથામાં તથા કમરના ભાગે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.જવાહરનગર પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ગોરવા સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતો અજય જીવરામભાઇ પરમાર અને તેના મામા અને પિતા સાથે કારમાં અમરેલી થી વડોદરા પરત આવતા હતા.તે દરમિયાન ,ઉંડેરા તળાવ પાસે ત્રણ ગાયો અંદરોઅંદર લડતી જાહેરરોડ પર આવી ગઇ હતી.લડતી ગાયો કાર સાથે અથડાતા કાર પલટી ગઇ હતી.કારમાં બેસેલા અજય અને તેના મામા ,પિતા તથા ડ્રાયવરને ઇજા થઇ હતી.વહેલી સવારે જાહેર રોડ પર જોરદાર ધડાકા સાથે અકસ્માત થતા ગ્રામજનો દોડી આવ્યા હતા.અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.ચાર ઇજાગ્રસ્તો પૈકી અજયને માથા અને કમરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવવામાં આવ્યો હતો. દર્દી હાલ ભાનમાં છે.જવાહરનગર પોલીસે આ અંગે વિસ્તારમાં તપાસ કરીને પશુપાલકોની શોધખોળ હાથ ધરી છે.આજે આખો દિવસ પોલીસની ટીમ સતત દોડતી રહી હતી.
ઉલ્લેખનીય છે કે,ત્રણ દિવસ પહેલા જ રખડતા ઢોરે ગોત્રી વિસ્તારમાં ભાજપની મહિલા હોદ્દેદારને શિંગડે ભેરવીને રોડ પર પછાડતા તેઓને માથાના ભાગે ઇજા પહોંચી હતી.આ બનાવમાં ગોત્રી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ઢોર રખડતા મુકશો તો પાસા કરવામાં આવશે
પોલીસે પશુપાલકો સાથે મીટિંગ કરી
વડોદરા,શહેરમાં રખડતા ઢોરના વધતા જતા ત્રાસના કારણે નિર્દોષ નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે.ત્રણ દિવસ પહેલા ગોત્રી વિસ્તારમાં ભાજપના મહિલા હોદ્દેદારને ગાયે શિંગડે ભેરવીને પછાડતા ગંભીર ઇજા પહોંચાડી હતી.જે અંગે ગુનો પણ દાખલ થયો છે.આજે શહેર પોલીસે પોતાના વિસ્તારના પશુપાલકોની મીટિંગ બોલાવી હતી.અને ઢોર રખડતા મુકશો તો ગુનો દાખલ કરી પાસા કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે.પરંતુ,પશુપાલકોની રજૂઆત છે કે,તેઓને શહેરની બહાર ઢોર ચરાવવા માટે જગ્યા ફાળવવામાં આવે.તેઓની આ માંગણી પર સરકારી તંત્ર કોઇ ધ્યાન આપતું નથી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lGYPpN
via IFTTT
Comments
Post a Comment