ગુલામનબીએ અલગ પક્ષ સ્થાપવાની અટકળો ફગાવી
આજના કોંગ્રેસ હાઇકમાન્ડે તો અમારો બોલવાનો અધિકાર પણ ઝૂંટવી લીધો છે
શ્રીનગર : કોંગ્રેસના અસંતુષ્ઠ જી-23 નેતાઓમાં જેમનો સમાવેશ થયેલો છે તે ગુલામનબી આઝાદે આજે કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપર પરોક્ષ શબ્દોમાં પ્રહારો કરતાં કહ્યું હતું કે આજે કોંગ્રેસ હાઇ કમાન્ડે બોલવાનો અમારો અધિકાર જ છીનવી લીધો છે અને અમને વાંધો-વિરોધ કરવાની કોઇ સ્વતંત્રતા નથી.
ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયની કોંગ્રેસની પ્રશંસા કરતાં આઝાદે કહ્યું હતું કે આ બંને વરિષ્ઠ નેતાઓએ પક્ષમાં લોકોને વાંધો-વિરોધ રજૂ કરવાની અને પ્રશ્ન પૂછવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપેલી હતી. તેઓ ટીકાનો પણ ખેલદીલીપૂર્વક સ્વિકાર કરતાં હતા પરંતુ આજનું કોંગ્રેસ હાઇકમાન્ડ ટીકાને ખરાબ ગણે છે.
કોંગ્રેસ હાઇ કમાન્ડ સામે શીંગડા ભેરવનાર ગુલાનબી આઝાદે કહ્યું હતું કે અલગ પક્ષ સ્થાપવાનો તેમનો કોઇ આશય કે ઇરાદો નથી, તેમ છતાં રાજકારણમાં ક્યારે શું બને તે અંગે કોઇ કંઇ કહી શકે નહીં. શું તમે જમ્મુ-કાશ્મીરમાં અલગ પક્ષની સ્થાપના કરશો એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ના એવું કંઇ નથી. છેલ્લા બે વર્ષ દરમ્યાન કોંગ્રેસ અને જમ્મુ-કાશ્મીરના લોકો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો.
તે સાથે તેમણે કોંગ્રેસના હાલના નેતૃત્વ સામે પ્રશ્ન કરતાં કહ્યું હતું કે ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયમાં અમને વાંધો કે વિરોધ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી ક્યાંક ખોટું થતું હોય તો અમને સવાલ કરવાની છૂટ હતી. તેઓ ટીકા કે આલોચનાને ક્યારે ખોટી ગણતા નહોતા, પરંતુ આજે કોંગ્રેસ હાઇકમાન્ડ ટીકે કે આલોચનાને ખરાબ ગણે છે.
જે લોકો કોંગ્રેસ છોડીને ગયા છે ત તમામ મારા નેતૃત્વ હેઠળ કામ કરવા માંગે છે પરંતુ આ ઉંમરે હું જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ તરીકે કામ કરવા ઇચ્છતો નથી. વાસ્તવમાં મેં રાજકારણ છોડી દેવા વિચાર્યું હતું પરંતુ મારા પોતાના લોકોના લીધે જ હજુ હું રાજકારણમાં સક્રિય છું એમ આઝાદે કહ્યું હતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rEy8pO
via IFTTT
Comments
Post a Comment