શહેરની બહુમાળી ભવનની જાળવણી અને સુરક્ષા અંગે તંત્રની ઉદાસીનતા


- પી.ડબલ્યુ.ડી. ભાડુ વસુલે છે પણ સવલત આપવામાં વામણુ

- દાદરના કઠોડા દયનિય : એનેક્ષી બિલ્ડીંગમાં ગાબડુ પડયું : રાત્રિના અને જાહેર રજામાં આવારા તત્વોના અડીંગા,દારૂની બોટલો મળી આવી

ભાવનગર : શહેરની બહુમાળી ભવન સ્થિત બન્ને બિલ્ડીંગની હાલત દાડે દિવસે બદતર થતી જાય છે અને ક્યાંક તો દાદરના કઠોડા પણ હિંચકા લઇ રહ્યા છે . તો વધુમાં સાંજ પડતા કે જાહે૨ રજાના દિવસોમાં લુખ્ખા તત્વો આ પરિસરમાં રીતસરના અડ્ડા જમાવતા હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે સિક્યુરીટી તેમજ સીસી કેમેરાની વ્યવસ્થા પણ જરૂરી બને છે. આજે એનેક્ષી બિલ્ડીંગમાં વધુ એક ગાબડું પડયું હતું. 

મળતી વિગતો મુજબ પીડબલ્યુડીના નેજા હેઠળ આકાર લીધેલ બહુમાળી ભવનમાં ઘણી સરકારી કચેરીઓ કાર્યરત છે. બે બિલ્ડીંગમાં સીટી સર્વે, ફૂડ એન્ડ ડ્રગ, એસ.જી.એસ.ટી. સિંચાઇ, હેલ્થ વગેરે વિભાગો આવેલ છે. તો બીજી અનેક્સી બિલ્ડીંગમાં પણ વિકસતી જાતી, રોજગાર, વન વિભાગ, શિક્ષણ ક્ષાર અંકુશ, રમત ગમત જેવી કચેરીઓ કાર્યરત છે. વિવિધ કચેરીઓના અરજદારો મોટી સંખ્યામાં આવન જાવન શરૂ છે. તમામ ડિપાર્ટમેન્ટ પાસેથી ભાડુ વસુલાતુ હોવા છતા સુવિધા આપવામાં જાણે અજાણે ઓરમાયુ વર્તન થતુ હોય તેવું કર્મચારીઓને લાગી રહ્યું છે . બિલ્ડીંગના પાર્કીંગમાંથી વાહનો ચોરાયાના કે અન્ય નુકસાનીના ઘણા બનાવો છાશવારે બનતા રહે છે. આમ ચાલુ ઓફીસે બનાવ બને તો બંધ કચેરીએ શું ન થઈ શકે ? પરિસરમાં જ તિજોરી કચેરી પણ આવી ચુકી છે ત્યારે જરૂરી સિક્યુરીટી ગાર્ડની સુચારૂ વ્યવસ્થા કરવી જરૂરી બની છે. વધુમાં જાહેર રજાના દિવસોમાં કે મોડી સાંજના અરસામાં કચેરીઓ બંધ થયા બાદ કેટલાક આવારા તત્વોએ પણ આ બિલ્ડીંગનો આશરો લેવા લાગ્યા છે. અને દારૂની મહેફીલો જામતી હોય બોટલો રજળતી જોવા મળી હતી આ ઉપરાંતે કચેરીમાં પડેલ મહત્વના ડોક્યુમેન્ટ કાગળો, ફાઇલો વગેરેનું શું ? જેથી સંપૂર્ણ પરીસરમાં સીસીટીવી કેમેરા ફીટ કરાય અને જરૂરી સિક્યુરીટી ગાર્ડની વ્યવસ્થા પણ જરૂરી બની છે જેની ચોક્કસ માંગ કર્મચારીઓમાંથી ઉઠવા પામી છે. જ્યારે આજે એનેક્ષી બિલ્ડીંગમાં આવેલ લોબી ઉપરનું ગાબડું પડયું હતું. જોકે જાનહાની થઇ ન હતી. આમ તંત્રની નબળી કામગીરી છતી થવા પામી હતી.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3IAVKBq
via IFTTT

Comments