- મામલતદાર કચેરીમાં ફોર્મ ભરવા બાબતે અને પાછુ ખેંચી લેવાના મામલે બઘડાટી
ભાવનગર
અમદાવાદ જિલ્લાના ધોલેરા ગ્રામ પંચાયતમાં ચૂંટણીના મામલે રમખાણ મચવા પામ્યુ હતું. બે પક્ષો વચ્ચે ફોર્મ ભરવાની બાબતે અને સરપંચની ઉમેદવારી માટે ભરેલ ફોર્મ પાછુ ખેંચી લેવાના મામલે સામ સામે મારામારી સર્જાઇ હતી. બાદ મામલો પોલીસ મથક પહોંચતા બન્ને પક્ષે ૧૧ શખ્સ સામે ગુનો નોંધાવા પામ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ધોલેરામાં રહેતા હરદેવસિંહ પ્રવિણસિંહ ચુડાસમાએ ધોલેરા પોલીસ મથકમાં વાસુદેવસિંહ રઘુભા ચુડાસમા, મયુરસિંહ રઘુભા ચુડાસમા, ઘનશ્યામસિંહ હરદેવસિંહ ચુડાસમા, જયરાજસિંહ મહેન્દ્રસિંહ ચુડાસમા, રઘુભા પરબતસિંહ ચુડાસમા, રવિરાજસિંહ સહદેવસિંહ ચુડાસમા, શિવુભા મહેન્દ્રસિંહ ચુડાસમા, કાના સરવૈયા, લાલભા કનકસિંહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગઇકાલે શનિવારે ધોલેરા ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય અને સરપંચની ચૂંટણીમાં સભ્યપદ તરીકે ફોર્મ ભરવાનું હોય જેને લઇ તમામ સભ્યો અને ટેકેદારો મામલતદાર કચેરી ફોર્મ ભરવા માટે જતા ઉક્ત તમામે ધસી આવી પેનલ સભ્ય હસુભાઇ જાદવજીભાઇના પત્નીનું ફોર્મ ભરવાનું હોય જેથી હસુભાઇને તું કેમ અમારી સામે ચૂંટણીમાં ફોર્મ ભરવા જાય છે, તારે ગામમાં રેહવાનું છે તેમ કહી તેને તેમજ હસુભાઇને ગડદાપાટુ વડે માર મારી ચૂંટણીમાં ફોર્મ ભરવાની ના પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે પોલીસે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૯, ૧૭૧(એફ) મુજબ ગુનો દાખલ કર્યો હતો.
જ્યારે સામાપક્ષે ધોલેરામાં રહેતા વાસુદેવસિંહ રઘુવિરસિંહ ચુડાસમાએ ધોલેરા પો.સ્ટે.માં હરદેવસિંહ પ્રવિણસિંહ ચુડાસમા અને અનુરૂદ્ધસિંહ ઉર્ફે રાજભા પ્રવિણસિંહ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગઇકાલે બપોરે ૨.૩૦ના સુમારે ધોલેરા મામલતદાર કચેરીમાં વોર્ડ નં.૮ના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નિતાબા રઘુવિરસિંહ ચુડાસમાના ઉમેદવારી પત્ર ભરવા માટે સમર્થન માટે ગયેલ તે વેળાએ ઉક્ત બન્નેએ મામલતદાર કચેરી આવી તેઓને તારા મમ્મી કૈલાસબાનું ઉમેદવારી ફોર્મ વોર્ડ નં.૨માં ભરેલ છે તે પાછુ ખેંચાવી લે નહીતર ચૂંટણી ચૂંટણીના ઠેકાણે રહેશે, તમારો વંશ વારસો નહીં રહેવા દઇએ તેમ કહી તેઓ સાથે ઝપાઝપી અને ગાલ ઉપર તમાચા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદ અનુસંધાને પોલીસે આઇપીસી ૩૨૩, ૫૦૬(૨), ૧૭૧(એફ), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Ds3rWM
via IFTTT
Comments
Post a Comment