- આ ઘટના અંગે SIT રચાઈ છે તે એક માસમાં રિપોર્ટ આપશે : આ મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ સિવાય તમામ વિપક્ષોએ વૉક-આઉટ કર્યો
નવી દિલ્હી : નાગાલેન્ડમાં ૧૪ નાગરિકો અને એક જવાન માર્યા ગયાની ઘટના અંગે અમીત શાહે લોકસભામાં પોતાની વેદના ઠાલવતા કહ્યું હતું કે, તે ઘટનાને લીધે હું અત્યંત વ્યથિત છું અને તે માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) રચવામાં આવી છે જે એક માસમાં જ તેનો અહેવાલ રજૂ કરશે.
જો કે, ગૃહમંત્રીના આ વિધાનોથી વિપક્ષોને જરા પણ સંતોષ થયો ન હતો અને તૃણમૂલ કોંગ્રેસ સિવાય અન્ય તમામ વિપક્ષોએ લોકસભામાંથી ગૃહ-ત્યાગ (વૉકઆઉટ) કર્યો હતો.
ગૃહમંત્રીએ લોકસભામાં તે સ્વીકાર્યું હતું કે, તે ઘટના ઓળખની ભૂલના કારણે બની હતી. તેમણે જણાવ્યું હતું કે, તા. ૪થી ડિસેમ્બરની રાત્રિએ સેના આતંકીઓ સામે લડી રહી હતી ત્યારેએક વાહન નજીક જવાનો પહોંચ્યા ત્યારે તે વાહનચાલક ઝડપભેર વાહન ચલાવી નાસવા લાગ્યો તેથી જવાનોને શંકા ગઈ કે તેઓ વિપ્લવવાદીઓ હશે તેથી ગોળીબાર શરૂ કર્યા પરિણામે તે ટ્રકમાં રહેલી ૮ વ્યક્તિઓ પૈકી છનાં તો સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતા જે બે નાસવા લાગ્યા તેમને પછીથી પકડી આર્મીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આ સાથે શ્રી. શાહે કહ્યુ કે, હવે તમામ સલામતી સંસ્થાઓને તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે જોવું. આ પછી ગામના સ્થાનિક લોકો આવ્યા અને લશ્કરનાં વાહનને આગ ચાંપી હતી. જેમાં એક જવાનનું મૃત્યુ થયું હતું. જ્યારે બીજા કેટલાકને ઇજા થઈ હતી પરિણામે સેનાએ વળતો હુમલો કરવા નિર્ણય કર્યો. પરિણામે વધુ ૭ ગ્રામજનો માર્યા ગયા.
શ્રી શાહે ફરીથી કહ્યું કે, સરકારને પણ આ ઘટનાથી ઘણું દુ:ખ થયું છે. તેણે મૃતકોના સગાઓને સાંત્વન પાઠવ્યું છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વ ભારતનો હવાલો સંભાળતા ગૃહ વિભાગના એક અધિક સચિવ આજે કોહીમા પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા છે. તથા રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે વ્યવસ્થા ગોઠવવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે.
આ પૂર્વે વિપક્ષી સાંસદો મનીષ તીવારી અને ગૌરવ ગોગાઈએ આ ઘટના અંગે ન્યાયિક તપાસ કરવાની માંગણી કરી હતી. તથા મૃતકોના નજીકના સગાને પૂરતું વળતર આપવા માંગણી કરી હતી. રાજ્ય સભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખર્ગે વિપક્ષ તરફથી વિરોધ નોંધાવ્યો હતો.
તૃણમૂલે પણ મૃતકોના પરિવારોને પૂરતું રક્ષણ આપવા માંગણી કરી હતી. જો કે, તૃણમૂલે વોકઆઉટ કર્યો ન હતો. જ્યારે કોંગ્રેસ, એનસીપી અને અન્ય વિપક્ષો ગૃહ છોડી ગયા હતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Eboeg
via IFTTT
Comments
Post a Comment