વડોદરાઃ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં છાશવારે સ્કૂલોને અને તેના વિદ્યાર્થીને સામેલ કરવામાં આવતા હોય છે.હવે આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવણી રહી છે અને તેના ભાગરુપે ૭૫ લાખ પોસ્ટકાર્ડ લખવાનુ કેમ્પેન શરુ કરવામાં આવ્યુ છે.
આ કેમ્પેનના ભાગરુપે વડોદરા ડીઈઓ કચેરી દ્વારા વડોદરા શહેર-જિલ્લાની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓને પણ પોસ્ટ કાર્ડ લખવાનો આદેશ આપવામાં આવ્યો છે.ડીઈઓ કચેરી દ્વારા આ માટે તમામ સ્કૂલોને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.
જેમાં કહેવામાં આવ્યુ છે કે, આ કેમ્પેન હેઠળ સ્વાતંત્ર્ય સંગ્રામના અજ્ઞાાત શૂરવીરો તેમજ ૧૯૪૭માં મારા સ્વપ્નનુ ભારત એમ બે વિષયમાંથી એક પર પોસ્ટકાર્ડમાં લખાણ લખવાનુ છે.જેમાં ધો.૪ થી ૧૨ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
સ્કૂલોને સૂચના આપવામાં આવી છે કે, આ માટે દરેક સ્કૂલે વડાપ્રધાનના સરનામાવાળુ પોસ્ટ કાર્ડ પોસ્ટ ઓફિસમાંથી લેવાનુ રહેશે અને સ્કૂલોએ દરેક પોસ્ટ કાર્ડ માટે ૫૦ પૈસા ચુકવવાના રહેશે.એ પછી સ્કૂલોના વિદ્યાર્થીઓ પાસે ઉપરોક્ત બે વિષયમાંથી એક વિષય પર પોસ્ટકાર્ડ લખાવવાના રહેશે.આ પૈકીના ૧૦ પોસ્ટ કાર્ડને પસંદ કરીને કેન્દ્ર સરકારના ઈનોવેટિવ ઈન્ડિયા નામના પોર્ટલ પર સ્કેન કરવાના રહેશે અને અપલોડ કરવાના રહેશે.
દરેક સ્કૂલે પંસદ કરેલા ૧૦ પોસ્ટ કાર્ડ અંગે પોતાના શાળા વિકાસ સંકુલના ઈન્ચાર્જ એજ્યુકેશન ઈન્સ્પેક્ટરને પણ જાણકારી આપવાની રહેશે.સ્કૂલોને આ માટે ૨૦ ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31y4PKF
via IFTTT
Comments
Post a Comment