મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધિકારીઓ દુબઇની બે દિવસીય મુલાકાતે


વાઇબ્રન્ટ સમિટ પહેલાં આજે દુબઈમાં ગુજરાતનો રોડ-શો

ઉદ્યોગ સાહસિકો સમક્ષ પ્રેઝન્ટેશન અને વન-ટુ-વન બેઠક 

ગાંધીનગર : ગુજરાતમાં જાન્યુઆરી 2022માં યોજાનારી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ સંદર્ભમાં દુબઈમાં આવતીકાલે આઠ ડિસેમ્બરે બુધવારે રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ આ હેતુસર દુબઇ મુલાકાતે જવા રવાના થશે.

આ દુબઇ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી અને પ્રતિનિધિ મંડળ દુબઇમાં ઉદ્યોગ સાહસિકો સાથે વન-ટુ-વન મુલાકાત બેઠક કરવાના છે તેમજ  હાલ દુબઈમાં  ચાલી રહેલા એક્સપોમાં ઇન્ડીયા પેવેલિયનની મુલાકાત પણ લેવાના છે.

દુબઈમાં ટીમ ગુજરાત ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠકો યોજીને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા અંગે વાતચીત કરશે. એટલું જ નહિ, ઉદ્યોગકારો સમક્ષ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે ઉપલબ્ધ રોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે.

ગુજરાતનું પ્રતિનિધિ મંડળ દુબઈમાં ઊર્જા, એન્જિનિયરિંગ, હોસ્પિટાલિટી, આરોગ્ય, લોજિસ્ટિક્સ, ફિનટેક(ફાયનાન્સિયલ ટેકનોલોજી) તથા સેવાઓના ક્ષેત્રોમાં ગુજરાતમાં ઉપલબ્ધ મૂડીરોકાણની સંભાવનાઓ અંગે બિઝનેસ અગ્રણીઓ સાથે વાતચીત કરશે.

રોડ-શોમાં મુખ્યમંત્રી સાથે જઇ રહેલા ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળમાં મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથન, એડિશનલ ચીફ સેક્રેટરી (ઉદ્યોગો) ડૉ. રાજીવકુમાર ગુપ્તા, બિઝનેસ અગ્રણીઓ તથા રાજ્યસરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.

10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટ 10 થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન ગાંધીનગરમાં યોજાઈ રહી છે. આ ઉપરાંત એ જ ગાળામાં 9 થી 13 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન થયેલું છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DAPt5b
via IFTTT

Comments