નવી દિલ્હી, તા.૪
કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચી લેવા છતાં ખેડૂતો તેમની અન્ય માગણીઓના મુદ્દે આંદોલન ચાલુ રાખવા મક્કમ છે. સંયુક્ત કિસાન મોરચાની શનિવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોરચાએ એમએસપી, ખેડૂતો સામેના કેસો પાછા ખેંચવા જેવા મુદ્દાઓ પર સરકાર સાથે વાટાઘાટો કરવા માટે પાંચ સભ્યોની સમિતિ બનાવી છે. ખેડૂતોની આગામી બેઠક હવે ૭મી ડિસેમ્બરે યોજાશે. બીજીબાજુ ખેડૂતો સામેના કેસો પાછા ખેંચવા મુદ્દે સરકારે કોઈ નક્કર જવાબ નહીં આપતા મડાગાંઠ સર્જાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુનાનક જયંતિના દિવસે વિવાદાસ્પદ ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરીને ખેડૂતોને આંદોલન સમેટી ઘરે પાછા ફરવા વિનંતી કરી હતી. જોકે, ખેડૂતોએ કૃષિ કાયદા સંસદમાં રદ ન થાય ત્યાં સુધી આંદોલન ખતમ નહીં કરવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ટેકાના ભાવ (એમએસપી)ની ખાતરી, ખેડૂતો સામેના કેસો પાછા ખેંચવા, આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવા સહિતની માગણીઓ મુદ્દે આંદોલન ચાલુ રાખવા મક્કમતા દર્શાવી હતી.
સંયુક્ત કિસાન મોરચાની શનિવારની બેઠકમાં પાંચ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી છે, જે હવે સરકાર સાથે વાટાઘાટો કરશે. આ સમિતિમાં યુદ્ધવીર સિંહ, શિવકુમાર કક્કા, બલબીર રાજેવાલ, અશોક ધવાલે, ગુરનામસિંહ ચઢૂનીનો સમાવેશ કરાયો છે.
આ સંદર્ભમાં રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, સંયુક્ત કિસાન મોરચાની આ મુખ્ય સમિતિ હશે, જે બધા જ મહત્વપૂર્ણ નિર્ણયો કરશે. અત્યાર સુધીમાં સરકારે સત્તાવાર રીતે અમને વાટાઘાટો માટે બોલાવ્યા નથી. સરકાર બોલાવશે તો આ જ પાંચ લોકો વાતચીત માટે જશે. રાકેશ ટિકૈતે ફરી એક વખત કહ્યું કે ખેડૂતોનું આંદોલન હજુ પૂરું થયું નથી.
યોગેન્દ્ર યાદવે કહ્યું, સંયુક્ત કિસાન મોરચાએ બનાવેલી પાંચ સભ્યોની સમિતિનો આશય સરકાર સાથે માત્ર પોતાની માગો અંગે વાતચીત કરવાનો છે. કેન્દ્ર સરકાર તરફથી એમએસપી મુદ્દે વાટાઘાટો માટે જે પાંચ સભ્યોની સમિતિ બનાવવા જણાવાયું છે તેને આ સમિતિ સાથે કોઈ લેવાદેવા નથી. ખેડૂતો પરના કેસ પાછા ન ખેંચાય, તેમને વળતર ના અપાય ત્યાં સુધી આંદોલન બંધ નહીં થાય.
સંયુક્ત કિસાન મોરચાની સિંઘુ બોર્ડર પર શનિવારે યોજાયેલી બેઠક દરમિયાન કિસાન મોરચા તરફથી આંદોલનમાં શહીદ થયેલા ૭૦૨ ખેડૂતોની યાદી કૃષિ સચિવને સોંપવામાં આવી હતી. બેઠકમાં એમએસપી અને ખેડૂતો પર નોંધાયેલા કેસ પાછા લેવા અંગે વાતચીત થઈ હતી. સાથે જ એ વાતનો પણ નિર્ણય લેવાયો હતો કે આંદોલન ચાલુ જ રહેશે. હકીકતમાં કેટલાક ખેડૂત સંગઠનો કૃષિ કાયદા પાછા ખેંચાયા પછી ઘરે પાછા જવાનું સમર્થન કરી રહ્યા છે જ્યારે રાકેશ ટિકૈતે સ્પષ્ટ કરી દીધું છે કે એમએસપી અને ખેડૂતો પર નોંધાયેલા કેસ પાછા ન લેવાય, શહીદ ખેડૂતોના પરિવારોને વળતર ના મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3IjD2OO
via IFTTT
Comments
Post a Comment