ઓમિક્રોનનો ઉપદ્રવ વધતાં તથા યુએસમાં જોબગ્રોથમાં ઝડપી પીછેહટ
અમેરિકામાં બોન્ડ બાઈંગમાં ઘટાડો તથા તોળાતી વ્યાજ વૃદ્ધિના પગલે ક્રિપ્ટો બજારમાં એક અબજ ડોલરની વેચવાલી નીકળી
મુંબઈ : ક્રિપ્ટો કરન્સી બજારમાં આજે મંદીનો મોટો કડાકો બોલાતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. લાર્જકેપ બિટકોઈન તથા મિડકેપ ઈથેર ઉપરાંત વિવિધ સ્મોલ કેપ ક્રિપ્ટો કરન્સીઓમાં આજે વ્યાપક વેચવાલી નિકળતાં આશરે એક અબજ ડોલરની વેચવાલી જોવા મળી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકામાં નવેમ્બરના જોબગ્રોથના આંકડા નિરાશાજનક આવતાં વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ તથા સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યાના નિર્દેશો હતા અને તેની અસર ક્રિપ્ટો કરન્સી બજાર પર આજે જોવા મળી હતી.
નાતાલ પૂર્વે ક્રિપ્ટો બજારમાં નિકળેલી વેચવાલી ક્રિપ્ટો કરન્સી વિશે આગળ ઉપર આવી રહેલા કડક નિયમો માટે સૂચક મનાઈ રહી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. બિટકોઈનના ભાવ આજે 56800થી 56900 ડોલરવાળા ગબડી નીચામાં ભાવ 42 હજાર ડોલર સુધી ઉતરી 47500થી 47600 ડોલર રહ્યા હતા.
એકંદરે આજે ભાવ 16થી 17 ટકા ગબડયા હતા. મિડકેપ ઈથેરના ભાવમાં પણ મોટા ગાબડા પડયા હતા. ઈથેરના ભાવ 4580થી 4590 ડોલરવાળા આજે નીચામાં 3510થી 3520 ડોલર સુધી ઉતરી ગયા પછી ભાવ 3960થી 3970 ડોલર રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે વિવિધ દેશોમાં નવા ઓમીક્રોન વાયરસનો ઉપદ્રવ વધી રહ્યાના સંકેતોની પણ ક્રિપ્ટો બજાર પર આજે પ્રતિકૂળ અસર દેખાઈ હતી. અમેરિકામાં બોન્ડ બાઈંગમાં ઘટાડો થઈ રહ્યો છે તથા ત્યાં આગળ ઉપર વ્યાજના દર વધશે એવા વહેતા થયેલા સંકેતોની પણ બજાર પર અસર જોવા મળી હતી.
અમેરિકાના શેરબજારો પણ ઓવરનાઈટ નરમ રહ્યા હતા. સ્મોલ કેપ ક્રિપ્ટોમાં આજે કારડનો, સોલાના, પોલીગોન, શિબાઈનુ વિ.ના ભાવ 13થી 20 ટકા જેટલા તૂટયા હતા. અમેરિકામાં જોબગ્રોથ 5.50 લાખ આવવાની અપેક્ષા હતી તેના બદલે નવેમ્બરનો જોબગ્રોથ માત્ર 2.10 લાખ આવ્યાના સમાચાર મળ્યા હતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lAdbbM
via IFTTT
Comments
Post a Comment