- અમદાવાદ લગ્ન પ્રસંગમાં ગયેલ વધુ ર વ્યકિતને કોરોના પોઝિટિવ
- શહેરમાં કોરોનાના ર૪ અને જિલ્લામાં ૩ મળી કુલ ર૭ દર્દી સારવાર હેઠળ
કોરોનાના કેસમાં ફરી ચિંતાજનક વધારો થઈ રહ્યો છે તેથી ભાવનગર શહેરના લોકોમાં ગભરાટ ફેલાયો છે. આજે રવિવારે ભાવનગર શહેરમાં કોરોનાના વધુ ૪ કેસ નોંધાયા હતા તેથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ લગ્ન પ્રસંગમાં ગયેલા વધુ ર વ્યકિતનો આજે કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવેલ છે. રીપોર્ટ પોઝિટિવ આવતા કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી છે.
ભાવનગર શહેરમાં આજે રવિવારે કોરોનાના વધુ ૪ કેસ નોંધાયા હતા, જેમાં ૩ પુરૂષ અને ૧ સ્ત્રીનો સમાવેશ થાય છે. શહેરના ફુલવાડી વિસ્તારમાં ર, સુભાષનગરમાં ૧ અને મેઘાણી સર્કલ વિસ્તારમાં કોરોનાનો ૧ કેસ નોંધાયો છે. અમદાવાદ લગ્ન પ્રસંગમાં ગયેલ વધુ ર વ્યકિતનો આજે કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદ એક સ્થળે લગ્ન પ્રસંગમાં ગયેલ ૧૦ વ્યકિતના કોરોનાના રીપોર્ટ ગઈકાલે શનિવારે પોઝિટિવ આવ્યા હતા અને આજે ર વ્યકિતનો ઉમેરો થતા કુલ ૧ર વ્યકિત પોઝિટિવ થયા છે. ગત તા. રપ થી ર૯ નવેમ્બર દરમિયાન લગ્ન પ્રસંગ ગયા હતા અને સિંધુભવન રોડ પર આવેલ હોટલ મેરીયેટમાં પ્રસંગ હતો તેમ દર્દીઓએ તબીબોને જણાવેલ છે. શહેરના ર દર્દીની કોઈ હિસ્ટ્રી જાણવા મળેલ નથી. રીપોર્ટ પોઝિટિવ આવતા તેઓની કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી છે.
શહેરમાં હાલ કોરોનાના ર૪ દર્દી સારવાર હેઠળ છે. આજે પણ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી તેથી રાહત છે. જિલ્લામાં કોરોનાના ૩ દર્દી સારવાર હેઠળ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ ર૭ દર્દી સારવાર હેઠળ છે. છેલ્લા બે દિવસમાં ભાવનગર શહેરમાં કોરોનાના ૧પ કેસ નોંધાયા છે, જે ચિંતાની બાબત છે. ગામડાની સરખામણીએ હાલ શહેરમાં કોરોનાના કેસ વધ્યા છે ત્યારે લોકોએ જાગૃત થવાની જરૂર છે. લગ્ન પ્રસંગમાં માસ્ક, સામાજીક અંતર સહિતના કોરોનાના નિયમનુ પાલન થતુ નથી તેથી કેસ વધવાની શકયતા છે. કોરોનાથી બચવા લોકોએ નિયમનુ પાલન કરવુ ખુબ જ જરૂરી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3GbiFkS
via IFTTT
Comments
Post a Comment