શહેરમાં મનપાની માસ્ક ડ્રાઈવમાં 11 લોકો પાસેથી દંડ વસુલાયો


- કોરોનાના કેસ વધતા મહાપાલિકાએ કાર્યવાહી હાથ ધરી 

- ઘોઘાગેટ, ખારગેટ, મામાકોઠા વિસ્તારની દુકાનોમાં મનપાએ ચેકીંગ કર્યુ : માસ્ક ના પહેર્યુ હોય તેવા લોકોને રૂ. 1-1 હજારનો દંડ ફટકાર્યો 

ભાવનગર : કોરોનાના કેસ વધતા આજે સોમવારથી ભાવનગર મહાનગરપાલિકાની ટીમે ફરી માસ્ક ડ્રાઈવની કામગીરી હાથ ધરી છે. આજે શહેરના જુદા જુદા વિસ્તારની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. કેટલાક વેપારી-વ્યકિત માસ્ક વગરના મળી આવતા દંડ ફટકારવામાં આવ્યો હતો. કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સાવચેતી માટે માસ્ક જરૂરી છે પરંતુ તેમ છતા ઘણા લોકો માસ્ક પહેરતા નથી. 

શહેરના ઘોઘાગેટ, ખારગેટ, મામાકોઠા વગેરે વિસ્તારમાં આજે સોમવારે મહાપાલિકાની ટીમે માસ્ક ડ્રાઈવ હાથ ધરી હતી. માસ્ક વગરના ૧૧ વેપારી-ગ્રાહક પાસેથી રૂ. ૧-૧ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો તેથી લોકોમાં કચવાટ ફેલાયો હતો. માસ્ક નહી પહેરનાર વ્યકિતઓ પાસેથી કુલ ૧૧ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.  કોરોનાના કેસ વધતા મહાપાલિકાએ માસ્ક, સામાજીક અંતર વગેેરે નિયમનુ પાલન થાય તે માટે ટીમ બનાવી છે. કોરોનાના કેસ ન વધે તે માટે નિયમનુ પાલન કરાવવામાં આવતુ હોય છે, જે સારી બાબત છે પરંતુ રાજકીય કાર્યક્રમોમાં અગાઉ નિયમનુ પાલન થતુ ના હોવા છતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા ત્યારે આવુ ના બને તે જોવુ જરૂરી છે.

નિયમ તમામ લોકો માટે સરખો હોવો જોઈએ પરંતુ ભાવનગરમાં આવુ જોવા મળતુ નથી, રાજકીય કાર્યક્રમમાં કોરોનાના નિયમનુ પાલન ના થાય તો પણ તંત્ર દ્વારા પગલા લેવામાં આવતા નથી. ભાવનગર શહેરમાં હાલ કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે ત્યારે વેપારી સહિતના લોકોેએ જાગૃત થવાની જરૂર છે અને માસ્ક પહેરવુ, સામાજીક અંતર રાખવુ વગેરે નિયમનુ પાલન કરવુ ખાસ જરૂરી છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DsXDg0
via IFTTT

Comments