- હળવદના રાયધ્રા ગામે જાહેરમાં ડબલ બેરલ બંદૂકથી ભડાકા કરાયાનો વીડિયો વાઇરલ થયો
- ખુશીના ઉન્માદમાં ભાન ભૂલેલા યુવાનોને પકડવા માટે પોલીસ તંત્ર દોડતું થયું : ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ હથિયારબંધી જાહેર હોવા છતાં ફાયરિંગના બનાવથી ચકચાર મચી
હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામે તાજેતરમાં એક લગ્ન પ્રસંગમાં જાહેરમાં ડબલ બેરલ બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જાહેરમાં ફાયરિંગની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જિલ્લામાં હથિયારબંધી લાગૂ કરવામાં આવી છે. તેવા સમયે ગ્રામ્ય વિસ્તારમાં જાહેરમાં ફાયરિંગની ઘટનાના વીડિયોથી સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચ્યો હતો. પોલીસે બનાવ અંગે જાણકારી મેળવવાની સાથે સમગ્ર બનાવની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને જાહેરમાનુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે હેઠળ જિલ્લામાં ચૂંટણી પૂર્ણ ના થાય ત્યાં સુધી હથિયારબંધી પણ જાહેર કરવામાં આવી છે. પરવાનાવાળા હથિયાર ધરાવનારા મોટાભાગના લોકોએ પોતાના બંદૂક સહિતના હથિયાર પોલીસમાં જમા કરાવ્યા છે. ત્યારે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફાયરિંગની જાહેરમાં બનેલી એક ઘટનાથી ભારે ચકચાર મચી છે.
હળવદ તાલુકાના રાયધ્રા ગામે તાજેતરમાં એક લગ્નપ્રસંગ યોજાયો હતો. આ લગ્ન પ્રસંગનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે કેટલાક શખ્સો લગ્ન પ્રસંગે જાહેરમાં ડબલ બેરલ બંદૂકથી ફાયરિંગ કરી રહ્યાં છે. હળવદ તાલુકાના રાયધ્રા ગામમાં લગ્ન પ્રસંગમા ફાયરીંગનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાયધ્રા ગામે એક દીકરીના લગ્ન પ્રસંગે આ પ્રકારે જાહેરમાં જોટાળી બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. લગ્ન પ્રસંગે રાત્રિના સમયે અને વરઘોડા સમયે કેટલાક યુવાનો દ્વારા આનંદના ઉન્માદમાં આવીને જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
લગ્ન પ્રસંગે દરમિયાન કોઇકે ફાયરિંગની આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ વીડિયો સમગ્ર જિલ્લામાં ફરતો થતાં પોલીસ સુધી પહોંચ્યો હતો. જેને લઇને સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. જાણવા મળતી માહિતી અનુસાર પોલીસે વીડિયોમાં ફાયરિંગ કરતા જોવા મળનારા શખ્સોની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું પણ જાણવા મળે છે. આ વીડિયોે હળવદ તાલુકાના રાયધ્રા ગામોનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.હળવદના ઇન્ચાર્જ પી.આઈ. એ.એ.જાડેજા દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
લગ્નમાં દિવસે અને રાત્રે વરઘોડામાં દેશી બંદૂકથી ભડાકો કરાયો
હળવદ તાલુકાના રાયધ્રા ગામે તાજેતરમાં એક પરિવારમાં દીકરીના લગ્ન યોજાયા હતા. આ લગ્ન પ્રસંગે દિવસના સમયે અને રાત્રે વરઘોડા સમયે જોટાળી બંદૂકથી કેટલાક શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. લગ્ન પ્રસંગે જાહેરમાં દેશી બંદૂકથી ભડાકો કરવાની આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લઇને પોલીસે સમગ્ર મામલા અંગે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. વીડિયોમાં લગ્ન પ્રસંગે આવેલા મહેમાનોના ટોળાં વચ્ચે ઉભેલો શખ્સ ડબલ બેરલ બંદૂકથી ફાયરિંગ કરતો નજરે પડી રહ્યો છે.
હથિયારબંધી છતાં જાહેરમાં ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ હથિયારબંધી જાહેર કરવામાં આવી છે. પરવાનાવાળા હથિયાર ધરાવતા લોકોએ બંદૂક, પિસ્તોલ સહિતના પોતાના હથિયાર પોલીસમાં જમા કરાવી દીધા છે. ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે હળવદના રાયધ્રા ગામે એક લગ્ન પ્રસંગે ડબલ બેરલ બંદૂકથી જાહેરમાં ખુશીના ઉન્માદમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બનાવનો વીડિયો વાયરલ થતા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xxNA80
via IFTTT
Comments
Post a Comment