- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- ટીમમાં ક્યારેય ફાઈનલ ઈલેવનમાં સ્થાન ના પામેલા યુવાન ફાઈનલમાં રમ્યો અને એણે ચમત્કાર સર્જ્યો. આત્મપ્રેરણાની આ તાકાતને ઓળખો અને તમારા ભીતરમાં આંતરિક પ્રેરણાને જગાવો
મા નવ જીવન સુખદુઃખ, ચડતી-પડતી, આનંદ-ઉદાસી તથા સફળતા-નિષ્ફળતાથી ભરેલું છે. વિવિધ સમસ્યાઓથી પીડાતા અને તેમાંથી બહાર નીકળવા માર્ગદર્શન માંગતા તથા સફળતાના શિખરે પહોંચવા માંગતા સેંકડો લોકોને હું મળતો રહું છું. આમાંથી મોટાભાગના લોકો અંગત સૂઝ અને સમઝદારી ધરાવે છે. ગમે તેવી મુશ્કેલીમાંથી માર્ગ કાઢી જીવનમાં સફળતા કેમ મેળવી શકાય તે તેઓ સારી રીતે જાણે છે. મોટા ભાગના લોકો એ પણ જાણે છે કે પોતે સફળ કેમ થઈ શકતા નથી કે ખુશ કેમ રહી શકતા નથી. હકીકતમાં સફળ થવાના રસ્તાની તેમને ખબર છે. તો પછી એ રસ્તે ચાલી સફળ થતાં તમને કોણ રોકે છે ?
જવાબ છે 'તેઓ પોતે જ.'
હંમેશાં ખુશ કેવી રીતે રહેવું ચિંતા મુક્ત કેમ જીવવું ? મનથી સદાય સ્વસ્થ અને સદાય યુવાન કઈ રીતે રહી શકાય એ અંગેનું સાહિત્ય પણ બધાં વાંચે છે.
રોજ સવારે કસરત કરવી, મિત્રો સાથે અંતરંગ વાતો કરવામાં સમય કાઢવો, જૂની વાતોને ઘૂંટયા ન કરવી એ પણ બધા જાણે છે. પરંતુ તમે એમને એમ પૂછો કે તમે આ બધી વાતોને અનુસરો છો ? તો જવાબ મળશે. 'ના.' મારા સંજોગો જરા વધારે વ્યસ્ત હતા. કાલથી જ હું મારી બધી વાતોને અમલમાં મૂકીશ.'
કારણ આ કાલ ક્યારેય આવતી નથી. કારણ Knowing is knowing, knowing can never be doing પ્રત્યેક જાણકાર વ્યક્તિ કામ કરવા લાગતો નથી કારણ એને માટે જરૂર છે. એક ચીનગારીની, પ્રેરણાની, જાતને પ્રેરિત કરતા રહેવાની. પરંતુ મોટા ભાગના લોકો જાતને પ્રેરિત કરતા નથી અને એક ને એક ઘરેડ પ્રમાણે જીવન જીવે છે. ભૂલો કરે છે. નિષ્ફળતા મળતાં હતાશ થાય છે. અને હતાશામાં ફીલોસોફર બની જાય છે.
આ ફીલોસોફી એટલે શું ?
'રાંડયા પછી નું હડાપણ કે મોડેથી આવેલું ડહાપણ એટલે ફીલોસોફી.'
બીજાઓને શીખામણ આપવા માટેે ડહાપણનો વિપુલ જથ્થો આપણે સહુ કોઈએ ભેગો કર્યો છે પરંતુ આપણા અનુભવથી આપણે શીખી શકત નથી. એટલે કે વેદનામાં કણસતા રહીએ છીએ. હવે પછી ફીલોસોફસમાંથી સામાન્ય માણસ બની જાતને પ્રેરિત કરવાનો સંકલ્પ કરીએ. પ્રેરણા એટલે શું એ પહેલાં સમજીએ.
પ્રેરણા કે મોટીવ એટલે આપણને એકશન તરફ મૂવ કરે.. કામ કરવા માટે તૈયાર કરે એનું નામ પ્રેરણા.
પ્રેરણા એક આંતરિક ફોર્સ છે જે તમારી જરૂરિયાત મુજબનું વર્તન કરવા તમને પ્રેરે છે.
પ્રેરણા એક એવી તાકત છે જે આપણી લાગણી ઓ અને કાર્યને પ્રોત્સાહિત કરે છે. તેમાં જાન ન્યોછાવર કરવાની ઈચ્છા જગાવે છે. અને તમારા વિચારની ગાડીને આગળ ધપાવે છે. પ્રેરણા એક એવી આંતરિક તાકાત છે જે તમારું જીવન બદલી શકે છે.
પ્રેરણા વગર જીવનની ગાડી પંકચર પડેલા ટાયરની જેમ ઝટકા ખાવા લાગે છે જેને કારણે વિવિધ માનસિક સમસ્યાઓ સરજાય છે.
પ્રેરણાના મુખ્ય બે પ્રકાર છે. અંતઃ પ્રેરણા અને બાહ્ય પ્રેરણા.
બહારી પ્રેરણા કે એકસટર્નલ પ્રેરણામાં ભયથી પેદા થતી પ્રેરણા અને પ્રોત્સાહનથી પેદા થતી પ્રેરણા સમાવેશ થાય છે.
ભયથી પેદા થતી પ્રેરણાનું એક સરસ ઉદાહરણ નીચે મુજબ છે.
એક વિદ્યાર્થી સ્કુલમાં હોમવર્ક નિયમિત લાવતો ન હતો. જુદા જેુદા વિષયના શિક્ષકો તેને ઘણું સમજાવતા. નાની મોટી શિક્ષા પણ કરતા. માતા-પિતા પણ તેને સમજાવતા પરંતુ તે વિદ્યાર્થી પર ઝાઝી અસર થતી ન હતી.
પ્રિન્સિપાલે તેને પોતાની ચેમ્બરમાં એક જ વખત બોલાવી કહ્યું ઃ 'આવતીકાલથી નિયમિત હોમવર્ક લઈને આવજે નહીં તો તારે ઘેર સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ મોકલી આપીશ. એ લેવા માટે પણ તારે સ્કૂલે ધક્કો ખાવાની જરૂરી નહીં પડે.'
બીજે દિવસથી એ ચૂપચાપ નિયમિત હોમવર્ક કરવા લાગ્યો બધા તેને પૂછવા લાગ્યા, પ્રિન્સિપાલ સાહેબે તને એવું શુું કહ્યું જેથી તારામાં આટલો બધો ફેરફાર પડી ગયો ?
તેણે જવાબ આપ્યો 'હોમવર્ક કરવું કેટલું મહત્વનું છે એ પ્રિન્સિપાલ સાહેબ જેટલું ટૂંકમાં અને સ્પષ્ટ પહેલાં મને કોઈએ સમજાવ્યું નહોતું.'
ભયથી પેદા થતી પ્રેરણામાં કામ ઝડપથી પૂરૂં થાય છે અને ટૂંકાગાળા માટે વ્યક્તિની કાર્યક્ષમતા વધે છે. પરંતુ લાંબાગાળે તેનાથી માનસિક તનાવ વધે છે. અથવા તો વ્યક્તિ ડંડા વગર કામ કરતો જ નથી. તેની સર્જનાત્મકતા પણ ખતમ થતી જાય છે.
પ્રોત્સાહનથી આવતી પ્રેરણા એટલે જો પરીક્ષામા પ્રથમ નંબર લાવીશ તો બાઈક મળશે. ભાઈભાંડુઓમાં તારો વટ પડશે.
સર્ટીફીકેટ, મેડલ, સ્કોલરશીપ બધું મળશે. કર્મચારીઓને ઈન્સેન્ટીવ રૂપે પગાર વધારો મળે છે. એવી રીતે ઉત્પાદકતા વધારવા માટે આ પ્રકારે પ્રેરણા જગવવાના સફળ પ્રયોગો થયા છે.
પરંતુ આ પ્રકારની બહારી પ્રેરણાની મર્યાદા હોય છે. જ્યાં સુધી ઈન્સેન્ટીવ અસરકારક હશે ત્યાં સુધી જ વ્યક્તિ પ્રેેરિત રહેશે.
વજન ખેંચતા એક ગધેડાની કલ્પના કરો જેની સામે ગાજર લટકતું હોય. તેનો ઉત્સાહ વધારનારી પ્રેરણા ત્યાં સુધી જ અસરકારક રહેશે જ્યાં સુધી ગધેડો ભૂખ્યો હશે, ગાજર મીઠું હશે અને ઠેલામાં વજન ઓછું હશે.
આમ બહારી પ્રેરણાની મર્યાદિતઅસર રહે છે.
જ્યારે અંતઃપ્રેરણાથી વ્યક્તિના વિચારમાં બદલાવ આવે છે અને પોતાની સમગ્ર તાકાત નથી ધ્યેયસિદ્ધિ માટે ત્યાં સુધી કાર્યરત રહે છે જ્યાં સુધી તેને પૂરેપૂરી સફળતા હાંસિલ ન થાય.
આંતરિક પ્રેરણા વ્યક્તિની ભમ્રમાં પેદા થાય છે. તે વ્યક્તિમાં વિશ્વાસ જગાવી જવાબદારીપૂર્વક કામ કરવા તરફ પ્રેરે છે. આ પ્રકારની પ્રેરણાથી ધ્યેય સિદ્ધિ કરી વ્યક્તિને કંઈક મેળવ્યાની અનુભૂતિ થાય છે. તેનુ આત્મગૌરવ વધે છે. એક સુંદર ઉદાહરણ આપુું છું.
એક સ્કૂલની ફૂટબોલની ટીમમાં એક છોકરો નિયમિત રીતે ફૂટબોલ રમવા માટે આવતો હતો. પરંતુ તે હંમેશાં રીઝર્વમાં જ રહેતો. ગમે તેટલી પ્રેક્ટિસ છતાં પણ તેનું પરફોર્મન્સ ક્યારેય અગિયાર ખેલાડીની ટીમમાં સામેલ થવા જેટલું સારૂં ન હતું. એ જ્યારે જ્યારે પ્રેક્ટિસમાં આવતો ત્યારે એના પિતા પણ સાથે આવતા અને દૂર બેસી તેની રાહ જોતા.
આંતર સ્કૂલ ફૂટબોલ મેચ શરૂ થઈ એના પહેલા દિવસથી એ છોકરો ગાયબ થઈ ગયો. ચાર-પાંચ દિવસ વીતી ગયા. ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલ જેવી મેચમાં પણ તે ફરક્યો નહીં. જો કે તેની સ્કૂલની ટીમ આ બધી મેચ જીતી ફાઈનલમાં પ્રવેશી હતી.
અચાનક ફાઈનલ મેચના દિવસે એ કોચ પાસે આવ્યો અને વિનંતિપૂર્વક કહેવા લાગ્યો 'તમે મને હંમેશાં રીઝર્વમાં રાખ્યો છે, ક્યારેય ટીમમાં રમવાનો મોકો નથી આપ્યો, પણ મારા પર કૃપા કરી આજે મને ફાઈનલ મેચ રમવા દો.'
કોચ બોલ્યા, 'બેટા મને અફસોસ છે કે હું આજે તને નહીં રમાડી શકું. કારણ ટીમમાં તારાથી પણ વધારે સારા પ્લેયર્સ છે. અને આજે ફાઈનલ મેચ હોઈ સ્કૂલની આબરૂનો સવાલ છે. તેથી હું કોઈ જોખમ લેવા માંગવો નથી.'
છોકરો, આગ્રહ ભરી વિનંતી કરતાં બોલ્યો, 'સર હું વાયદો કરું છું કે હું તમારા વિશ્વાસને તોડીશ નહીં, આજે હું કંઈક એવું કરીને બતાડીશ કે તમારી ટીમ અને શાળાની આબરૂ પર ચાર ચાંદ લાગી જશે.' એટલું કરી બે હાથ જોડીએ કાકલૂદી ભરી વિનંતિ કરવા લાગ્યો.
કોચે આ છોકરાને આ પહેલાં આટલા વિશ્વાસ અને આગ્રહપૂર્વક વિનંતિ કરતાં જોયો ન હતો. એણે કહ્યું, 'સારૂં બેટા... જા.. મેચ... રમ... પણ યાદ રાખજે આ એક મોટું જોખમ હું લઈ રહ્યો છું. મારો વિશ્વાસ તોડીશ નહીં, સ્કૂલની આબરૂ તારા હાથમાં છે.'
રમત શરૂ થઈ અને છોકરાને જાનની બાજી લગાવી દીધી એને જ્યારે પણ બોલ મળતો ત્યારે એ ગોલ કરતો હતો. એ મેચનો હીરો બની ગયો. એની ટીમને મોટા માર્જિનથી વિજય મળ્યો.
મેચ પૂરી થઈ એટલે કોચ એ છોકરા પાસે ગયા અને બોલ્યા, 'મને ખબર નથી પડતી કે તારી ક્ષમતા પારખવામાં હું આટલી મોટી થાપ કેવી રીતે ખાઈ ગયો ? મેં આ પહેલાં ક્યારેય તને આટલું સરસ રમતાં જોયો નથી. આ બન્યું કેવી રીતે ? તું આટલું સરસ કેવી રીતે રમી શક્યો ?'
છોકરાએ જવાબ આપ્યો 'સર આજે મારા પિતાજી મને રમતો જોઈ રહ્યા છે.'
કોચે એ જગ્યા પર જોયું જ્યાં એના પિતા પ્રેક્ટિસ દરમિયાન બેસતા હતા. પરંતુ ત્યાં આજે કોઈ ન હતું. નવાઈ પામીને કોચ બોલ્યા.
'બેટા તું જ્યારે પ્રેક્ટિસ માટે આવતો ત્યારે તારા પિતાજી સામે પેલી જગ્યા પર બેસતા પરંતુ આજે તો ત્યાં કોઈ નથી.'
છોકરો બોલ્યો, 'સર એક વાત મેં ક્યારેય તમને કહ્યું નથી. કે મારા પિતા અંધ હતા. અને ચાર દિવસ પહેલાં જ તેમનું મૃત્યું થયું છે. આજે પહેલી વાર એ મને સ્વર્ગમાંથી ફૂટબોલ રમતો જોઈ રહ્યા છે.'
આંતરિક પ્રેરણા માત્ર સફળતા અને જીત માટે જ નહીં પણ આત્મસંતોષ અને આંતરિક પરિપૂર્ણતા માટે હોય છે. જે કંઈક કરી બતાવવાના દૃઢ નિર્ધારથી આવે છે. આંતરિક પ્રેરણા કાયમ રહે છે. કારણ એ સ્વયંભૂ છે અને તેથી જ તે આત્મપ્રેરણાનું સ્વરૂપ ધારણ કરે છે.
ન્યુરોગ્રાફ :
પ્રેેરણા માટે જરૂરી છે વિશ્વાસ અને આત્મશ્રદ્ધા કોઈપણ કામ પૂરા આત્મવિશ્વાસ અને જવાબદારી સાથે કરવામાં આવે તો તેના પ્રત્યેનું વ્યક્તિનું સમગ્ર વલણ બદલાઈ જાય છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pgTAy1
via IFTTT
Comments
Post a Comment