કોમર્સ ફેકલ્ટીનો બીકોમ વોકેશનલ કોર્સ શરુ થતા પહેલા જ બંધ

વડોદરાઃ કેન્દ્ર સરકારની નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે કોમર્સ ફેકલ્ટીએ આ વર્ષથી શરુ કરેલા બીકોમ વોકેશન કોર્સનુ બાળમરણ થઈ ગયુ છે.વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવે હવે આ વર્ષે આ કોર્સ ચલાવવામાં નહીં આવે.

આ માટે પણ કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોની વિલંબ નીતિ જવાબદાર છે.બીકોમ વોકેશનલ ના કોર્સ માટે સત્તાધીશોએ પ્રવેશ કાર્યવાહીમાં એટલો વિલંબ કર્યો હતો કે, આખરે કોર્સ શરુ કરી શકાય તેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માટે આવ્યા નહોતા.

બીકોમ વોકેશનલ કોર્સ માટે કોમર્સ ફેકલ્ટીના વડોદરા કેમ્પસ તેમજ પાદરા કોલેજ ખાતે એમ કુલ મળીને ૪૦૦ બેઠકો રાખવાની જાહેરાત કરી હતી.જોકે પ્રવેશ કાર્યવાહી કરવામાં થયેલા વિલંબના પગલે વિદ્યાર્થીઓએ રાહ જોવાની જગ્યાએ અન્ય કોર્સમાં પ્રવેશ લઈ લીધો હતો.

આમ છતા ૧૨૨ વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા હતા.જોકે સત્તાધીશોએ પ્રવેશ આપવાની કાર્યવાહીના ભાગરુપે ગઈકાલે એટલે કે ૨૯ નવેમ્બરે વિદ્યાર્થીઓને સ્પોટ એડમિશન લેવા માટે બોલાવ્યા હતા.અડધુ શૈક્ષણિક વર્ષ પુરુ થઈ ગયા બાદ સ્વાભાવિક છે કે, વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા ના હોય.જેના પગલે માત્ર ૧૮ વિદ્યાર્થીઓએ ગઈકાલે પ્રવેશ લીધો હતો.

૧૮ વિદ્યાર્થીઓ સાથે ડિગ્રી કોર્સ ભણાવવો શક્ય નથી તેવુ કારણ આપીને સત્તાધીશોએ આ કોર્સ આ વર્ષે શરુ નહીં કરાય અને જેમણે આ કોર્સમાં પ્રવેશ લીધો છે તેમને રેગ્યુલર બીકોમ કોર્સમાં પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્ણય લીધો છે.ઉલ્લેખનીય છે કે, બીકોમ વોકેશનલ કોર્સમાં મુખ્યત્વે પ્રેક્ટિકલ શિક્ષણ પર ભાર મુકવાની જાહેરાત કરાઈ હતી.રેગ્યુલર બીકોમ  કોર્સમાં ના હોય તેવા ઘણા પાસાનો આ કોર્સમાં સમાવેશ કરાયો હતો.જોકે સત્તાધીશોની ઢીલી નીતના કારણે વિદ્યાર્થીઓએ આ કોર્સમાં અભ્યાસનો મોકો ગુમાવ્યો છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o8MmNu
via IFTTT

Comments