ચીન વિશ્વ માટે તેના દ્વાર ખુલ્લા મૂકી દે તો કોરોનાનો પ્રચંડ વિસ્ફોટ થઇ શકે છે


ઓમિક્રોન વેરિયન્ટ મેડિકલ સિસ્ટમ માટે પડકાર ઉભા કરી શકે છે

આકરા પ્રતિબંધો અને ઝીરો  કોવિડ પોલીસી દૂર થાય તો ચીનમાં દરરોજ કોવિડ-19ના 6.30 લાખ કેસ નોંધાય: પેકિંગ યુનિ.ના સર્વેની ચેતવણી

બેઇઝિંગ :  ઝીરો કોવિડ પોલીસી માટે સમગ્ર વિશ્વમાં ચીનની આકરી આલોચના થઇ રહી છે અને હજુ પણ તેની ટીકા થવાનું ચાલું જ રહેશે કેમ કે તેણે વિશ્વના તમામ દેશોના નાગરિકો માટે પોતાના દ્વાર બંધ કરી દીધા છે. જો કે તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેમાં સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી કે ચીન જો વિશ્વના દેશો માટે તેના દરવાજા ખુલ્લા મૂકી દે તો ત્યાં કોરોના વાઇરસનો પ્રચંડ વિસ્ફોટ થઇ શકે છે અને દરરોજ કોવિડના 6.30 લાખ જેટલા કેસ નોંધાઇ શકે છે.

પેકિંગ યુનિવર્સિટિના ગણિતજ્ઞાો દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે જો ચીન તેની ઝીરો કોવિડની નીતિને છોડી દે અને પ્રતિબંધો ઉઠાવી લઇ અન્ય દેશોનું અનુકરણ કરે તો દેશમાં દરરોજ 6.30 લાખ કોવિડના કેસ નોંધાઇ શકે છે. સંભવિત રોગચાળા અંગે જે અંદાજ મૂકવામાં આવ્યો છે તે પ્રચંડ રોગચાળાની વાસ્તવિકતા રજૂ કરે છે જે દેશની મેડિકલ સિસ્ટમ ઉપર ખુબ મોટો બોજ બની શકે છે એમ સર્વેમાં કહેવામાં આવ્યું હતું. 

શનિવારે ચીનમાં કોવિડના 23 નવા કેસ નોંધાયા હતા જેમાં 20 કેસ વિદેશથી આવેલા નાગરિકોના હતા. ચીનમાં કોવિડના કેસમાં જે રીતે ઘટાડો થઇ રહ્યો છે તે જોતા જણાય છે કે સત્તાવાળાઓએ કોરોનાનું સંક્રમણ રોકવા બેઇઝિગ સહિતના ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં ખુબ જ અસરકારક પગલાં લીધા હશે. ચીનના નેશનલ હેલ્થ કમિશને દેશમાં કોવિડ દર્દીઓની આંકડાકીય માહિતી રજૂ કરતાં કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધી કોવિડના 98631 કેસ નોંધાયા હતા અને 4636 લોકોના મોત થયા હતા, જ્યારે 785 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.

ચીનના શ્વસનતંત્રના ટોચના નિષ્ણાત ગણાતા ઝોંગ નેનશેને ચેતવણી આપી હતી કે કોરોના વાઇરસનો નવો અને અત્યંત ચેપી ગણાતો ઓમિક્રોન વેરિયન્ટ મહામારીને રોકવાના અને અટકાવવાના વધુ મોટા પડકાર ઉભા કરી શકે છે કેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણચેતવણી આપી હતી કે આ નવો વેરિયન્ટ ખુબ જ ઝડપથી અને વિવિધ પ્રકારે પોતાના સ્વરૂપ બદલે છે. ચીનની 76.8 ટકા વસ્તીને કોવિડની રસીના બંને ડોઝ અપાઇ ચૂક્યા છે જે 80 ટકા વસ્તીને રસીના બંને ડોઝ આપવાના લક્ષ્ય માટે એક મજબૂત આધાર ઉભો કરે છે એમ તેમણે કહ્યું હતું.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lj0gdQ
via IFTTT

Comments