ઓઢવમાં ગટર ઉભરાવાનો પ્રશ્ન કાયમી બન્યો, રહીશો ત્રાહિમામ

અમદાવાદ,તા.28 નવેમ્બર 2021,રવિવાર

ઓઢવ વલ્લભનગર સ્કૂલ, તેની સામે આવેલી બીએસએનએલની કચેરી તેમજ એસબીઆઇ બેંક તરફનો આરો રોડ ગટરોના ઉભરાતા પાણીથી ખદબદી રહ્યો છે. વર્ષો જુની આ સમસ્યાના ઉકેલમાં મ્યુનિ.તંત્ર સદંતર નિષપળ રહ્યું છે. રાહદારીઓ હેરાન થઇ રહ્યા છે. વાહનોની અવર-જવરથી ગંદુ પાણી ઉડતા લોકોના કપડા ગંદા થઇ રહ્યા છે. છેલ્લા પંદરેક દિવસથી સતત ગટર ઉભરાઇ રહી છે.

ઓઢવ ફાયર સ્ટેશન અને તેની આજુબાજુનો ભાગ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી વરસાદી પાણી ભરાવું, ગટરો બેક મારવી આ સમસ્યા સામાન્ય બની ગઇ છે. મ્યુનિ.તંત્ર કાયમી ઉકેલ લાવી શક્યું નથી. ફાયરબ્રિગેડની બાજુમાં આરસીસી રોડ બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ સારી કામગીરી છે પરંતુ ગટરનો પ્રશ્ન પણ ઉકેલવામાં આવે તેવું રહીશો જણાવી રહ્યા છે. જોકે ગટર લાઇનનો પ્રશ્ન ઉકેલવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ તેના પરિણામ દેખાઇ રહ્યા નથી.

વલ્લભનગર સ્કૂલના ગેટ પર જ ગટરના પાણી ફરી વળ્યા છે. સ્કૂલો ચાલુ થઇ ગઇ છે. બાળકો સ્કૂલે આવતા થઇ ગયા છે. ત્યારે આ ગંદકીના કારણે માખી-મચ્છરના લીધે બાળકોને ડેન્ગ્યૂ, મલેરિયા સહિતના રોગ થવાની પુરેપુરી શક્યતા છે. નવાઇની વાત એ છેકે ગટરના ગંદા પાણી આખો દિવસ રોડ પર રેલાયેલા રહે છે છતાંય મ્યુનિ.તંત્ર દ્વારા દવા છંટકાવ જેવી પ્રાથમિક કામગીરી પણ કરવામાં આવી રહી નથી.

એક બાજુ ગટર ઉભરાય છે બીજી બાજુ બીઆરટીએસ રૂટ અને ત્રીજી બાજુ પેટ્રોલપંપના કારણે આ રોડ પર ટ્રાફિકજામ આખો દિવસ રહે છે. પેટ્રોલપંપમાં પેટ્રોલ પુરાવા માટે વાહનચાલકો રોંગ સાઇડમાં આવતા હોવાથી સામેથી આવતા વાહનો નીકળી શકતા નથી. જેના કારણે વાહનોની લાંબી લાઇન લાગી જાય છે. અકસ્માત થઇ રહ્યા છે. ટ્રાફિકજામ થઇ રહ્યો છે. રોંગસાઇડ જતા વાહનોને રોકવામાં આવે અને જાહેર તેમજ સાંકળા રોડ પર ટ્રાફિકજામ-અકસ્માતની સમસ્યા નિવારવા માટે કડક પગલા લેવામાં આવે તેવી માગ ઉઠી છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xwcswM
via IFTTT

Comments