અમદાવાદ,તા.28 નવેમ્બર 2021,રવિવાર
ઓઢવ રિંગ રોડથી ઇન્દોર જવાના રાષ્ટ્રીય ધોરી માર્ગ અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર જ સળંગ બે કિ.મી.સુધીના પટ્ટામાં સ્ટ્રીટલાઇટો છેલ્લા છ માસથી બંધ પડી છે. અમદાવાદ શહેરના રહેણાંક વિસ્તારથી ભરચક, ભારે ટ્રાફિકવાળા આ રોડ પર લાઇટો જ બંધ હોવાથી વાહન અકસ્માતના કિસ્સા બની રહ્યા છે. સ્થાનિકોની રજૂઆતો છતાંય સ્ટ્રીટલાઇટનો આ પ્રશ્ન મ્યુનિ.તંત્ર કે ઔડા કોઇપણ ઉકેલી શક્યું નથી કે ઉકેલવામાં રસ દાખવી રહ્યું ન હોવાનું રહીશોનું માનવું છે.
ઓઢવ રિંગ રોડ પર ઓવરબ્રિજની આગળ ભાગ્યોદય હોટલથી લઇને છેક વડવાળી ચાલી સુધીના બે કિ.મી.ના પટ્ટામાં સ્ટ્રીટલાઇટો બંધ છે. ઇન્દોર જતા તમામ વાહનો આ માર્ગેથી જાય છે. ભારે વાહનોની અવર-જવર અને ઓવર સ્પીડના લીધે આ રોડ પર સાંજ બાદ અકસ્માતો બનવાની શક્યાત વધી જાય છે. અંધારામાં કંઇ દેખાતું ન હોય, સામેથી આવતા વાહનોની હેડ લાઇટના ફોક્સના લીધે વાહનચાલક અંજાઇ જતો હોય છે.
જેના કારણે અકસ્માત થઇ રહ્યા છે. થોડા દિવસો પહેલા સાંજે રોડ ક્રોસ કરતા સ્થાનિક રાહદારી યુવકને પેસેન્જર ઇકો કારે ટક્કાર મારતા તે યુવાનનું મોત નિપજ્યું હતું. સ્થાનિક આગેવાન સુરેશભાઇ હિરાલાલ ટાંકના જણાવ્યા મુજબ આવા અનેક કેસમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે. લોકોના જીવન-મરણનો પ્રશ્ન હોવા છતાંય, જનસલામતીનો પ્રશ્ન હોવા છતાંય તંત્ર મૂકપ્રેક્ષક બની ગયું છે. માનવતા ભૂલ્યું છે, અકસ્માતના આવા દર્દીનાક કેસો છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી. આ રોડ પર વાહન અકસ્માતમાં અનેક પ્રાણીઓએ પણ જીવ ગુમાવ્યા છે.
તંત્રની નજીવી ભૂલના કારણે લોકોના જીવ જઇ રહ્યા છે. આ માટે જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ. લોકો વેરા ભેર છે હવે તો આ વિસ્તાર મ્યુનિ.હદમાં છે. સિંગરવાનો વિસ્તાર ઔડાની હદમાં છે. ત્યારે સ્થાનિક તંત્ર ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરીટીએ પણ આ મામલે ગ્રાઉન્ડ રિયાલીટી ચકાસીને તાત્કાલિક ધોરણે પગલા લેવા જોઇએ તેવી માંગણી ઉઠી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nYTTOz
via IFTTT
Comments
Post a Comment