સેન્સેક્સ 3500 પોઈન્ટની ઉથલપાથલ મચાવી અંતે 195 પોઈન્ટ ગબડીને 57065


ઓમિક્રોનના વધતાં સંક્રમણે ફરી લોકડાઉન તરફ ધકેલાતું વિશ્વ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ : વિશ્વ ફરી લોકડાઉન તરફ ધકેલાઈ રહ્યાના સંકેત વચ્ચે આજે વૈશ્વિક  બજારોમાં ફફડાટમાં મંદી મંદીની બૂમરાળ મચવા લાગી હતી. વિશ્વને હચમચાવી મૂકનાર કોરોના મહામારીમાંથી માંડ માંડ બહાર આવીને વૈશ્વિક અર્થતંત્ર  ફરી પટરી  પર  આવવા લાગ્યું હતું, ત્યાં દક્ષિણ આફ્રિકામાં કોરોનોનો નવો વેરીયન્ટ ઓમીક્રોન મળી આવતાં અને આ  વેરીયન્ટ ડેલ્ટા કરતાં  પણ ઝડપી ફેલાઈ રહ્યો હોવાના અને વેક્સિનના બન્ને ડોઝ લેનારાઓને પણ સંક્રમિત કરી રહ્યાના અહેવાલ સાથે ડબલ્યુએચઓ દ્વારા વિશ્વને ચેતવ્યા સામે યુરોપના ૧૦ દેશોમાં આ નવો વાઈરસ ફેલાઈ ગયો હોવાના અહેવાલે વિશ્વ ફરી લોકડાઉન તરફ ધકેલાઈ રહ્યાના સ્પષ્ટ સંકેતો વચ્ચે આજે વૈશ્વિક શેર બજારોમાં ફફડાટમાં મંદીનું માતમ છવાઈ ગયું હતું. વિશ્વની અગ્રણી વેક્સિન સર્જક મોડર્નાએ પણ ઓમિક્રોન વાઈરસ મામલે ચિંતા વ્યકત કરીને આ વાઈરસ પર વર્તમાન વેક્સિન અસરકારક નહીં  હોવાનું સ્પષ્ટ જણાવી દેતાં તમામ વેક્સિન લીધેલાઓ માટે પણ આ વાઈરસ ઘાતક હોવાના ફફડાટે બજારોમાં મોટી ઉથલપાથલ મચી ગઈ હતી. યુરોપના બજારોની સાથે એશીયાના શેર બજારોમાં આજે ગાબડાં પડયા હતા. જ્યારે ભારતીય શેર બજારોમાં આરંભિક તોફાની તેજી છેતરામણી નીવડીને ફંડો, મંદીવાળાઓએ તેજીના ખેલાડીઓ-ટ્રેડરો-આંખલાઓને મોટી ુપછડાટ આપી હતી. સેન્સેક્સ આજે ૩૫૦૦ પોઈન્ટની ઉથલપાથલ મચાવી અંતે ૧૯૫.૭૧  પોઈન્ટ ઘટીને ૫૭૦૬૪.૮૭ અને નિફટી સ્પોટ ૧૧૦૦ પોઈન્ટની અફડાતફડીના અંતે ૧૭૦.૭૫ પોઈન્ટ ઘટીને ૧૬૯૮૩.૨૦ બંધ રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર ૬ પૈસા વધીને રૂ.૭૫.૧૬ બંધ રહ્યો હતો. અમેરિકી શેર બજારોમાં ફયુચર્સમાં ડાઉ જોન્સમાં ૪૦૦ પોઈન્ટ અને નાસ્દાકમાં ૯૫ પોઈન્ટનો ઘટાડો બતાવાતો હતો.

સેન્સેક્સ૩૫૦૦ પોઈન્ટની ઉથલપાથલમાં ૫૮૧૮૪ થી ૫૬૮૬૭ની રેન્જમાં ફંગોળાઈ ૧૯૬ ઘટીને ૫૭૦૬૫

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૫૭૨૬૦.૫૮ સામે ૫૭૨૭૨.૦૮ મથાળે ખુલીને આરંભમાં ફંડોની ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક સહિતમાં તેજી સાથે આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા સહિતમાં તેજી અને નેસ્લે ઈન્ડિયા, ટાઈટન કંપની, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી સહિતમાં આકર્ષણે એક સમયે ૯૨૩.૧૯ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૫૮૧૮૩.૭૮ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પછડાટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઓફલોડિંગ સાથે મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ પાછળ હેમરીંગ થતાં અને ઓટોમોબાઈલ શેરોમાં બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતી સુઝુકી સહિતમાં વેચવલી અને કોટક મહિન્દ્રા બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લિમિટેડ સહિતમાં વેચવાલી અને ભારતી એરટેલ, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, લાર્સન સહિતમાં વેચવાલીએ વધ્યામથાળેથી નીચામાં ૫૭૧૦૦ નજીક આવી ફરી વધીને ૫૭૭૦૦ સુધી જઈ પાછો ફરીને ૫૬૮૬૭.૫૧ સુધી ગબડી અંતે ૧૯૫.૭૧ પોઈન્ટ તૂટીને ૫૭૦૬૪.૮૭ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ૧૧૦૦ પોઈન્ટની અફડાતફડીમાં ૧૭૩૨૪ થી ૧૬૯૩૧ વચ્ચે ફંગોળાઈ ૭૧ પોઈન્ટ ઘટીને ૧૬૯૮૩

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૭૦૫૩.૯૫ સામે ૧૭૦૫૧.૧૫ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં આઈટી શેરોમાં ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસીસ સહિત વધી આવતાં અને ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એક્સિસ બેંક સાથે એફએમસીજી શેરોમાં નેસ્લે ઈન્ડિયા, બ્રિટાનીયા તેમ જ કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ટાઈટન કંપની, ટાટા કન્ઝયુમર ડયુરેબલ્સ સાથે શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતમાં તેજીએ વધીને ૧૭૩૨૪.૬૫ સુધી પહોંચી પાછો ફરીને વૈશ્વિક ઔદ્યોગિક મેટલની માંગમાં ઘટાડો થવાના અંદાજો વચ્ચે ઈન્ડસ્ટ્રીયલ મેટલના ભાવો તૂટતાં મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા, હિન્દાલ્કો સહિતમાં વેચવાલીએ અને ઓટો શેરો સાથે અન્ય બેંકિંગ શેરોમાં વેચવાલીએ એક સમયે તૂટીને નીચામાં ૧૬૯૩૧.૪૦ સુધી ખાબકી અંતે ૭૦.૭૫ પોઈન્ટ ઘટીને ૧૬૯૮૩.૨૦ બંધ રહ્યો હતો.

બન્ને તરફી ખેલંદાઓ ખુવાર : નિફટી ડિસેમ્બર ફયુચર ૧૭૦૯૪ થી વધીને ૧૭૩૪૭ થઈ તૂટીને ૧૭૦૦૦ સ્પર્શયો

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે મોટી ઉથલપાથલમાં બન્ને તરફી ખેલંદાઓ ખુવાર થયા હતા. નિફટી ડિસેમ્બર ફયુચર ૧૭૦૯૪.૯૦ સામે ૧૭૦૮૯.૭૫ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં  ઉપરમાં ૧૭૩૪૭ થઈ તૂટીને નીચામાં ૧૭૦૦૦ સુધી આવી અફડાતફડીના અંતે ૧૭૦૩૬.૯૫ રહ્યો હતો. બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૩૬૧૦૦.૪૫ સામે ૩૬૧૪૪.૭૫ મથાળે ખુલીને  ઉપરમાં ૩૬૮૪૯ થઈ તૂટીને નીચામાં ૩૫૬૪૫.૭૦ સુધી આવી અંતે ૩૫૭૧૧ રહ્યો હતો. 

ઈન્ડસ્ટ્રીયલ મેટલના ભાવો તૂટતાં મેટલ શેરોમાં ટાટા સ્ટીલ રૂ.૪૩ ઘટયો : જેએસડબલ્યુ, સેઈલ, જિન્દાલ ઘટયા

ઓમિક્રોન નવો વાઈરસ વિશ્વભરમાં ફેલાવા લાગતાં અને  વિશ્વ ફરી લોકડાઉન તરફ ધકેલાઈ રહ્યું  હોઈ ઈન્ડસ્ટ્રીયલ મેટલની માંગ ઘટવાના અંદાજો વચ્ચે આજે મેટલ-માઈનીંગ શેરોમાં મોટાપાયે વેચવાલી થઈ હતી. ટાટા સ્ટીલ રૂ.૪૩.૧૫ ઘટીને રૂ.૧૦૭૧.૬૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૭.૫૫ ઘટીને રૂ.૬૦૮.૪૦, સેઈલ રૂ.૨.૬૦ ઘટીને રૂ.૧૦૦.૦૫,  જિન્દાલ સ્ટીલ રૂ.૮.૪૫ ઘટીને રૂ.૩૪૪.૭૦, વેદાન્તા રૂ.૭.૭૫ ઘટીને રૂ.૩૩૯, હિન્દાલ્કો રૂ.૭.૯૫ ઘટીને રૂ.૪૧૨.૧૫, કોલ ઈન્ડિયા રૂ.૨.૩૫ ઘટીને રૂ.૧૫૧.૯૫, એનએમડીસી રૂ.૧.૬૫ ઘટીને રૂ.૧૩૩.૨૫ રહ્યા હતા. જ્યારે એપીએલ અપોલો રૂ.૨૫.૪૫ વધીને રૂ.૯૨૪.૩૫,  હિન્દુસ્તાન ઝિંક રૂ.૩.૨૫ વધીને રૂ.૩૩૩ રહ્યા હતા.

કન્ઝ. ડયુરેબલ્સની ૯૫૨ પોઈન્ટની છલાંગ :  ઓરિએન્ટ રૂ.૪૨, બજાજ ઈલે. રૂ.૪૮, ટાઈટન રૂ.૫૧ ઉછળ્યા

ખરાબ બજારે આજે કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ વ્યાપક તેજી કરતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૯૫૨.૯૯ પોઈન્ટની છલાંગે ૪૩૧૦૦.૫૧ બંધ રહ્યો હતો. ઓરિએન્ટ ઈલેક્ટ્રિક રૂ.૪૧.૫૫ વધીને રૂ.૩૯૨.૩૦, રાજેશ એક્ષપોર્ટસ રૂ.૫૮.૫૫ વધીને રૂ.૭૬૬.૯૫, બજાજ ઈલેક્ટ્રિક રૂ.૪૭.૫૫ વધીને રૂ.૧૦૭૪.૧૫, વોલ્ટાસ રૂ.૨૬.૮૫ વધીને રૂ.૧૨૦૩.૯૫, ટાઈટન કંપની રૂ.૫૦.૬૫ વધીને રૂ.૨૩૭૪.૯૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૯૪.૮૦ વધીને રૂ.૫૦૯૬.૫૫, સીજી કન્ઝયુમર રૂ.૮.૧૦ વધીને રૂ.૪૫૨.૮૫ રહ્યા હતા.

લોકડાઉનના ભણકારાં : આઈટી શેરોમાં તેજી : સોનાટા રૂ.૧૨૧, કેપીઆઈટી રૂ.૫૩, માસ્ટેક રૂ.૧૫૫ ઉછળ્યા

વિશ્વમાં ફરી લોકડાઉનના ભણકારાં વચ્ચે આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી બિઝનેસમાં તેજી વધવાના અંદાજોએ આઈટી શેરોમાં આજે વ્યાપક તેજી રહી હતી. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૨૨.૪૮ પોઈન્ટ વધીને ૩૪૩૮૨.૧૫ બંધ રહ્યો હતો. સોનાટા રૂ.૧૨૧.૧૫ વધીને રૂ.૯૦૮.૯૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૫૩.૧૫ વધીને રૂ.૪૯૪.૪૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૨૯.૩૦ વધીને રૂ.૪૪૫.૮૦, માસ્ટેક રૂ.૧૫૫ વધીને રૂ.૨૬૬૯.૯૦, તાન્લા પ્લેટફોર્મ રૂ.૭૧.૩૦ વધીને રૂ.૧૪૯૭.૭૫, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૧૭૯.૨૦ વધીને રૂ.૪૧૮૯.૮૫, ફર્સ્ટશોર્સ સોલ્યુશન રૂ.૫.૯૦ વધીને રૂ.૧૬૯.૪૦, રામકો સિસ્ટમ રૂ.૯.૭૫ વધીને રૂ.૩૮૦.૯૦, કોફોર્જ રૂ.૮૮ વધીને રૂ.૫૩૮૧.૭૫, ટાટા એલેક્સી રૂ.૧૧૩.૯૫ વધીને રૂ.૫૭૯૦.૮૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧.૧૫ વધીને રૂ.૧૦૫.૩૦, વિપ્રો રૂ.૬.૬૦ વધીને રૂ.૬૩૭, ઈન્ફોસીસ રૂ.૧૭.૬૦ વધીને રૂ.૧૭૧૪.૪૫, એલ એન્ડ ટી ઈન્ફોટેક રૂ.૬૯.૬૫ વધીને રૂ.૬૮૧૨.૬૦, એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૪૮ વધીને રૂ.૫૨૫૦, ટીસીએસ રૂ.૩૧.૩૦ વધીને રૂ.૩૫૩૨ રહ્યા હતા.

ઓટો ઉદ્યોગ માટે મંદીના એંધાણ : મધરસન સુમી, આઈશર મોટર્સ, મહિન્દ્રા, બજાજ, હીરો મોટો, મારૂતી ઘટયા

દક્ષિણ આફ્રિકામાં નવો ઓમિક્રોન વાઈરસે દહેશત ફેલાવતાં લોકડાઉનના પડઘમ વચ્ચે ઓટોમોબાઈલ કંપનીઓની નિકાસ માંગને ફટકો પડવાના અંદાજોએ ઓટો શેરોમાં આજે વેચવાલી રહી હતી. મધરસન સુમી રૂ.૪.૨૫ ઘટીને રૂ.૨૦૯.૭૦, આઈશર મોટર્સ રૂ.૪૧.૪૫ ઘટીને રૂ.૨૩૭૧.૩૦, બજાજ ઓટો રૂ.૫૬.૭૦ ઘટીને રૂ.૩૨૪૩.૧૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૩.૭૫ ઘટીને રૂ.૮૩૫.૭૫, હીરો મોટોકોર્પ રૂ.૩૯.૫૫ ઘટીને રૂ.૨૪૪૬.૭૫, અશોક લેલેન્ડ રૂ.૧.૪૦ ઘટીને રૂ.૧૧૯.૭૫, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૯.૫૦ ઘટીને રૂ.૧૫૭૫, બોશ રૂ.૯૦.૬૫ ઘટીને રૂ.૧૬,૧૬૪.૬૦, ટાટા મોટર્સ રૂ.૨.૪૫ ઘટીને રૂ.૪૫૮.૮૦ રહ્યા હતા. જ્યારે એમઆરએફ રૂ.૬૦૬.૦૫ વધીને રૂ.૭૪૪૦૮.૪૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૮૫ વધીને રૂ.૨૧૭૬ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે આકર્ષણે માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ : ૨૬૨ શેરોમાં તેજીની સર્કિટ

સેન્સેક્સ, નિફટીમાં આજે મોટી અફડાતફડીના અંતે ઘટાડો જોવાયા છતાં સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં પણ ફંડો, હાઈ નેટવર્થ ઈનવેસ્ટરોએ ઘટાડે શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૦૨  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા  ૧૭૬૮   અને ઘટનારની સંખ્યા  ૧૪૭૪  રહી હતી. ૨૫૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૬૨  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

રોકાણકારોની સંપતિ  એક દિવસમાં રૂ.૧.૨૩ લાખ કરોડ વધીને રૂ.૨૫૭.૧૭ લાખ કરોડ 

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટીમાં મોટી ઉથલપાથલના અંતે ઘટાડા છતાં સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે અનેક શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૨૩  લાખ  કરોડ ધોવાઈ જઈને રૂ.૨૫૭.૧૭  લાખ કરોડ પહોંચી ગયું હતું. 




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3E4Sko1
via IFTTT

Comments