23.94 લાખના દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપાયો


- ભાવનગર-અમદાવાદ માર્ગ પરના પીપળી નજીક પોલીસે ટ્રકને આંતર્યો

- રાજસ્થાનના ટ્રક ચાલક, ક્લીનર દારૂનો જથ્થો ભાવનગરનાં નાગદાન ગઢવીને આપવા આવી રહ્યાં હતા : દારૂની ૬૧૫૮ બોટલ, ટ્રક, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે લેવાયો 

ભાવનગર : ભાવનગર-અમદાવાદ માર્ગ પર આવેલ પીપળી ગામ નજીકથી ગત રાત્રીના અરસા દરમિયાન રાજસ્થાનથી મસમોટો દારૂનો જથ્થો ટ્રકમાં ભરી ભાવનગર ડીલીવરી આપવા જઈ રહેલા રાજસ્થાનનાં ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઈ ટ્રકની તલાસી લેતા રૂપિયા ૨૩.૯૪ લાખના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કબ્જે લઈ પુછપરછ કરતા રાજસ્થાન હરિયાણાના ૭ શખ્સોના નામ ખુલવા પામ્યા હતા જ્યારે દારૂનો જથ્થો ભાવનગરના દાન ગઢવીને આપવાનો હોવાની વિગતો ખુલવા પામી હતી. જેને લઈ પોલીસે ૬૧૫૮ દારૂની બોટલ, ટ્રક, મોબાઈલ મળી લાખોનો મુદ્દામાલ કબજે લઈ દસ શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે. 

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી રાહે હકીકત મળી હતી કે, વટામણ તરફથી ટ્રક નં. જી.જે.૦૮વાય. ૩૪૨૩માં વિદેશી દારૂ છુપાવી ભાવનગર તરફ લઈ જવાઈ રહ્યો છે. જે હકીકત આધારે પીપળી નજીક હોટલ એન્કરની સામેના ભાગે રોડ પર વોચ ગોઠવી ઉભા હતા તે વેળાએ ઉક્ત શખ્સ પસાર થતાં તેને આતરી ટ્રકની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડ મેકડોવલ નં.૧, ઓલ સીઝન ગોલ્ડન કલેકશન વ્હીસ્કી, રોયલ ગ્રીન ક્લાસીક બ્લેન્ડેડ વ્હીસ્કીની કુલ ૬૧૮૦ બોટલ (૫૧૫ પેટી કિંમત રૂપિયા ૨૩,૯૨,૫૦૦)નો દારૂ મળી આવતા ટ્રક સાથે રહેલ ચાલક કાનારામ વિષ્ણારામ ચૌધરી (ઉ.વ.૨૭ રે. માંડપુરા, તા. બાસેતુ, જિ. બાડમેર, રાજસ્થાન) અને ક્લીનર કાનારામ વભુતારામ ચૌધરી (ઉ.વ.૨૧ રે. સરેશા, તા. સિંધઈ, જિ. બાડમેર, રાજસ્થાન)ની અટકાયત કરી તેના કબજામાંથી વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ મળી લાખોનો મુદ્દામાલ કબ્જે લઈ પુછપરછ કરતા અનીલ પાંડેએ તેના માણસો વિકાસ (રે. સાંચોર), રવિ હરિયાણા, ભુપેન્દ્ર ઝાટ (રે. સોનીપત હરિયાણા), ધર્મેન્દ્ર પ્રધાન (સોનીપત હરિયાણા), મુકેશ, સંજારસિંહ (રાજસ્થાન ઠેકાવાળો), નરેશ સાંચોરનાઓ મારફતે વિદેશી દારૂ ભરેલ ટ્રક હરિયાણા રાજસ્થાન બોર્ડર લોહારુ ખાતેથી ટ્રક આપ્યો હતો અને વિકાસે ગુજરાતના ભાવનગર પહોંચી ફોન કરવાનું કહ્યુ ંહતું. જેથી નાગદાન ગઢવી નામનો શખ્સ દારૂ ભરેલ ટ્રક લઈ જશે સહિતની વીગતો ખુલવા પામી હતી. જેને લઈ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચે ઉક્ત તમામ શખ્સો વિરૂધ્ધ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે પ્રોહિબીશન એક્ટની જુદી જુદી કલમ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xC6ACd
via IFTTT

Comments