વડોદરા નજીકના ઉંડેરાના તળાવમાં હજારો માછલીઓના મોતથી ચકચાર

વડોદરાઃ વડોદરા શહેર નજીક ઉંડેરા ગામના તળાવમાં આજે અચાનક જ હજારો માછલીઓના મોત થતા ચકચાર મચી ગઈ છે.

બીજી તરફ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, કંપનીો દ્વારા દુષિત પાણી છોડવામાં આવે છે અને આ પાણી તળાવના પાણી સાથે ભળ્યુ હોવાથી પાણીમાં અચાનક ઓક્સિજન ઓછો થઈ ગયો હશે અને તેના કારણે આ માછલીઓના મોત થયા છે.લોકોનુ કહેવુ છે કે, ઉંડેરાની આસપાસ આવેલી કેમિકલ કંપનીઓએ તાજેતરમાં ભારે વરસાદનો લાભ લઈને કેમિકલ યુક્ત પાણી છોડી દીધુ હતુ અને તેના કારણે હવે આ સ્થિતિ સર્જાઈ છે.

આજે સવારે તળાવના કિનારે સેંકડોની સંખ્યામાં મરેલી માછલીઓ જોઈને લોકો ચોંકી ઉઠયા હતા.અહીંયા માછલીઓનો ઉછેર કરવામાં આવે છે પણ આજે હજારો માછલીઓના મૃતદેહ તળાવના કિનારે પડેલા મળ્યા હતા.તેની દુર્ગંધના આસપાસના વિસ્તારોમાં ફેલાતા લોકો પણ હેરાન થઈ ઉઠયા હતા.

ઉંડેરા તળાવમાં માછલીઓ મરી જવાની આ પહેલી ઘટના નથી.બે વર્ષ પહેલા પણ  કંપનીઓએ કેમિકલ યુક્ત પાણી તળાવમાં છોડયુ હતુ અને તે વખતે પણ હજારોની સંખ્યામાં માછલીઓના મોત થયા હતા.

વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલા સિંધુસાગર તળાવમાં પણ લગભગ ૧૦ મહિના પહેલા જ માછલીઓના રહસ્યમય સંજોગોમાં મોત થયા હતા અને તે વખતે પણ કેમિકલ યુક્ત પાણી ભળ્યુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.વડોદરામાં એમ પણ મોટાભાગના તળાવોની હાલત દયાજનક છે.જે તળાવોનુ બ્યુટિફિકેશન કરાયુ છે તેની પણ હવે જાળવણી રાખવામાં આવતી નથી અને આ તળાવોમાં પણ ફરી ગંદકી જમા થઈ રહી છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3BzpTfT
via IFTTT

Comments