શટલ રિક્ષાચાલકો પાસેથી પોલીસનું બોનસનું ઉઘરાણું
ગત દિવાળી કરતા આ વર્ષે શટલ રિક્ષા ચાલકોને ધંધો નીકળતા ટ્રાફિક પોલીસે મોં ખોલ્યું : રિક્ષા દીઠ રૂ.1,500 થી રૂ.2,500ની માંગણી
અમદાવાદ : શહેરમાં પુરતા પ્રમાણમાં સમયસર પબ્લીક ટ્રાન્સપોર્ટ સેવા ન મળતા આજે પણ મોટાભાગના વિસ્તારોમાં શટલ રિક્ષાચાલકો પર પ્રતિ દિન હજારો મુસાફરો આધાર રાખે છે.
ત્યારે સામાન્ય પ્રજાને ટ્રાફિકને લગતા નિયમો બતાવીને આડેધડ દંડ વસુલતી અમદાવાદ પોલીસ શટલ રિક્ષાઓને કોઇપણ દંડ ન કરીને મોકળુ મેદાન આપે છે. તેમાં પણ હવે પ્રતિમાસ લાખોનું ભરણુ આપતા શટલ રિક્ષા ચાલકો પાસેથી દિવાળી બોનસ ઉઘરાવવાની શરૂઆત કરી છે અને દિવાળી બોનસ નહી આપનારની રીક્ષા પણ જપ્ત કરવાની ધમકી આપવામાં આવી રહી છે.
અમદાવાદમાં સામાન્ય માણસ સ્કુટર હેલ્મેટ વિના કે ત્રણ લોકોને બેસાડીને જતો હોય તો પોલીસ તેને રોકશે, જો કોઇએ સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો ટ્રાફિક જંકશન પાસેના કેમેરામાંથી ફોટો ક્લીક કરીને તેને મેમો મોકલવામાં આવશે.
સ્વાભાવિક છે કે આ બાબત ટ્રાફિકના નિમયોનો ભંગ છે. જેથી કાર્યવાહી થાય. પણ, શહેરમાં લગભગ તમામ વિસ્તારોમાં ફરતી શટલ રિક્ષા ચાલકોે સતત નિયમોનો ભંગ કરતા હોય છે. તેમ છંતાય, પોલીસ એક રિક્ષામાં સાત થી નવ પેસેન્જર ભરતા શટલ રિક્ષાના ચાલકો સામે કાર્યવાહી નથી કરતી.
કારણ તે રૂટ પરથી નિયમિત રીતે ફેરા કરવા માટે પ્રતિમાસ રૂ.1000 થી રૂ.1500નો હપતો વસુલવામાં આવે છે. શહેરમાં 750 થી વધારે શટલ રિક્ષાઓ વિવિધ વિસ્તારોમાં ચાલે છે. જેમાં કોઇ ગતિ મર્યાદા નથી નડતી કે ટ્રાફિકના નિયમો પણ લાગુ નથી પડતા. ત્યારે હવે કોવિડના કારણે બે વર્ષ બાદ દિવાળીની ઉજવણીનો માહોલ હોવાથી માર્કેટ ખુલ્યું છે.
ત્યારે આ દિવાળીમાં ટ્રાફિક પોલીસે રિક્ષાચાલકો પાસેથી આ મહિને માસિક હપતાની સાથે દિવાળી બોનસની પણ માંગણી કરી છે. જેમાં વિસ્તાર અને રૂટ પ્રમાણે રૂ.1500 થી રૂ.2500ની માંગણી કરવામાં આવી છે. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાસણા એપીએમસીથી વસ્ત્રાપુર , એસ જી હાઇવે, જીવરાજ પાર્ક - પાલડી- લાલ દરવાજા, વાસણા - સુભાષબ્રીજ જેવા રૂટ માટે શટલ રિક્ષાચાલકો પાસેથી રૂ.2500ની માંગણી કરવામાં આવી રહી છે.
તો શહેરના પૂર્વ વિસ્તારમા ંસીટીએમ, નરોડા થી નારોલ સર્કલ, ગીતા મંદિરથી દાણીલીમડા અને વિશાલાથી નારોલના રૂટ પર પણ રૂ. બે હજારનું બોનસ લેવામાં આવી રહ્યું છે. સૌથી નવાઇની વાત એ છે કે ટ્રાફિક પોલીસના જે તે વિસ્તારમાં મુકેલા મળતિયાઓએ રૂ. પાંચ હજારના બોનસની માંગણી કરી હતી. પણ રીક્ષાચાલકો માંડ માંડ રજૂઆત કરીને રૂ.2500ની રકમ લાવ્યા છે.
જુહાપુરામાં રહેતા એક રિક્ષા ચાલકે કહ્યું કે તે છેલ્લાં પાંચ વર્ષથી સરખેજ- લાલ દરવાજા રૂટ પર શટલ રિક્ષા ચલાવે છે. જેમાં તેમને દિવસ દરમિયાન ધારે એટલા ફેરા કરવાની છુટ મળી છે. આ માટે પ્રતિમાસ તે રૂ. 1500 સુધી હપતા ચુકવે છે. બે વર્ષથી કોવિડના કારણે ધંધો ન હોવાને કારણે ગત દિવાળીએ પોલીસે બોનસ માંગ્યુ નહોતુ. પરંતુ, આ વર્ષે અઢી હજાર રૂપિયા બોનસ માંગ્યું છે. જો અમે નહી આપીએ તો રિક્ષા જપ્ત કરવાની ધમકી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પત્રકાર પરિષદમાં ટ્રાફિક વિભાગના જેસીપી મંયકસિંહ ચાવડાએ એવો દાવો કર્યો હતો કે શટલ રિક્ષાઓ શહેરમાં ચાલે છે. તે પોલીસના ધ્યાનમાં નથી અને જ્યાં ચાલતી હોય ત્યાં રિક્ષા જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. આમ, ઉચ્ચ પોલીસ અિધકારીના દાવાની સામે હકીકત અલગ છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CCw7gk
via IFTTT
Comments
Post a Comment