(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોનાના ભાવ ઘટાડા પર રહ્યા હતા. વિશ્વબજાર નરમ હતી. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૪૯૨૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૯૪૦૦ રહ્યા હતા. જોકે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૬૬૦૦૦ના મથાળે શાંત રહ્યા હતા.
મુંબઈ બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૪૭૭૮૩ વાળા રૂ.૪૭૬૦૦ જ્યારે ૯૯.૯૦ના રૂ.૪૭૯૭૫ વાળા રૂ.૪૭૮૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૪૫૦૮ વાળા રૂ.૬૪૫૦૦ રહ્યા હતા. બંને કિંમતી ધાતુઓમાં જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન સરકારે દિવાળી પૂર્વે સોના- ચાંદીની ટેરીફ વેલ્યુમાં વધારો કર્યો છે તથા આના પગલે કિંમતી ધાતુઓની અસરકારક આયાત જકાત વધી ગઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. સોનાની ટેરીફ વેલ્યુ ૧૦ ગ્રામદીઠ ડોલરના સંદર્ભમાં ૫૭૫થી વધી ૫૮૧ ડોલર થઈ છે જ્યારે ચાંદીની ટેરીફ વેલ્યુ કિલોદીઠ ડોલરના સંદર્ભમાં ૭૩૯થી વધી ૭૭૭ ડોલર કરવામાં આવ્યાના નિર્દેશો દિલ્હીથી મળ્યા હતા.
દરમિયાન, કરન્સીમાં બંધ બજારે આજે વિશ્વબજાર પાછળ ડોલરના ભાવ રૂ.૭૪.૮૭ વાળા વધી રૂ.૭૫ની સપાટીને આંબી ગયાના નિર્દેશો હતા. ઈન્ટરનેશનલ મોનીટરી ફંડે ભારતની રિઝર્વ બેન્કને સલાહ આપતા જણાવ્યું છે કે કરન્સી બજારમાં આરબીઆઈ દ્વારા છાશવારે કરાતી મધ્યસ્થી કરવી જોઈએ નહિં.
દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૧૭૮૭થી ૧૭૮૮ ડોલરવાળા ઘટી છેલ્લે સપ્તાહના અંતે ૧૭૮૩થી ૧૭૮૪ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરના ભાવ ઉંચકાતા તથા અમેરિકામાં બોન્ડ અને ટ્રેઝરી યીલ્ડ પણ વધતાં વિશ્વબજારમાં સોનામાં ફંડોની વેચવાલી વધ્યાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું.
દરમિયાન, વિશ્વબજારમાં સોનામાં પીછેહટ છતાં ચાંદી, પ્લેટીનમ તેના પેલેડીયમના ભાવ ઉંચકાયાના નિર્દેશો હતા. ચાંદીના ભાવ ઔંશના ૨૭.૮૭થી ૨૩.૮૮ ડોલરવાળા ૨૩.૯૦થી ૨૩.૯૧ ડોલર રહ્યા હતા જ્યારે પ્લેટીનમના ભાવ ૧૦૧૯થી ૧૦૨૦ ડોલરવાળા વધી છેલ્લે ૧૦૨૨થી ૧૦૨૩ ડોલર બોલાઈ રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૯૭૦થી ૧૯૭૨ ડોલરવાળા ફરી ઉછળી ૨૦૦૦ ડોલરની સપાટી કુદાવી સપ્તાહના અંતે ૨૦૦૪થી ૨૦૦૫ ડોલર રહ્યા હતા.
જોકે કોપરના ભાવ ગબડી વિશ્વબજારમાં છેલ્લે ૧.૫૫થી ૧.૬૦ ટકા માઈનસમાં રહ્યાના સમાચાર હતા. વિશ્વબજારના કરન્સી બજારના જાણકારોના જણાવ્યા મુજબ વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં શુક્રવારે થયેલી વૃધ્ધિ ચાર મહિનાની સૌથી મોટી દૈનિક વૃધ્ધિ રહી છે.
ગોલ્ડમેન સેકના જણાવ્યા મુજબ અમેરિકામાં ફુગાવો વધતાં ફેડરલ રિઝર્વ દ્વારા જુલાઈ- ૨૦૨૨ સુધીમાં વ્યાજના દર વધારવામાં આવશે એવી શક્યતા જણાઈ રહી છે. દરમિયાન, ક્રુડતેલના ભાવ વિશ્વબજારમાં બેરલદીઠ ન્યુયોર્ક ક્રુડના ૮૨.૪૭થી વધી છેલ્લે ૮૩.૫૭ ડોલર રહ્યા હતા.
જ્યારે બ્રેન્ટક્રુડના ભાવ ૮૪.૨૬થી ઘટી ૮૩.૭૨ ડોલર રહ્યા હતા. આના પગલે ન્યુયોર્ક ક્રુડ તથા બ્રેન્ટ ક્રુડના ભાવ વચ્ચેનો તફાવત સંકડાઈ જતાં બજારના ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31gU13f
via IFTTT
Comments
Post a Comment