કન્નડ અભિનેતા પુનીત રાજકુમારનું ૪૬ વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન


કર્ણાટકના લોકપ્રિય અભિનેતા પુનીત રાજકુમારનું માત્ર ૪૬ વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું હતું. છાતીમાં દુઃખાવાની ફરિયાદ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શોકામાં ગરકાવ થયેલા ચાહકો રસ્તા ઉપર ઉતરી ન આવે તે માટે કર્ણાટકની સરકારે હાઈએલર્ટ જારી કર્યો છે.
કન્નડ ફિલ્મોના લોકપ્રિય અભિનેતા પુનીત રાજકુમારે બપોરે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. એ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બેંગ્લુરુની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી એ દરમિયાન જ હાર્ટ એટેકથી તેમનું નિધન થયું હતું. પુનીત રાજકુમારની વય માત્ર ૪૬ વર્ષની હતી.
તેમને હાર્ટ એટેક આવ્યો છે એ સમાચાર જાણીને હજારોની સંખ્યામાં ચાહકો હોસ્પિટલની બહાર ભેગા થઈ ગયા હતા. અભિનેતાના અવસાનના સમાચાર પછી કર્ણાટકની સરકારે ચાહકો રસ્તા ઉપર ઉતરી ન આવે તે માટે હાઈએલર્ટ જારી કર્યો છે અને લોકોને પણ અપીલ કરી છે.
પુનીત રાજકુમારના નિધનના સમાચાર પછી ભારતીય ફિલ્મ જગતમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. મોટાભાગના અભિનેતાઓ, ફિલ્મમેકર્સે પુનીતના નિધનના સમાચારથી આંચકો અનુભવ્યો હતો. સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સે પુનીતના હાર્ટ એટેકના સમાચાર પછી દુખ વ્યક્ત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પુનીતના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.
પુનીત રાજકુમારે ૩૦ જેટલી કન્નડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. બાળકલાકાર તરીકે એની અભિનય કારકિર્દી શરૃ થઈ હતી. બેટ્ટડા હોઉ  ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ બાળકલાકારનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. ૧૭મી માર્ચ, ૧૯૭૫માં જન્મેલા પુનીત રાજકુમારનો છ માસની વયે પ્રિમદા કનિકે ફિલ્મમાં પહેલો સ્ક્રીન અપિરિઅન્સ થયો હતો. ૨૦૦૨માં લીડ એક્ટર તરીકે તેમની કારકિર્દી શરૃ થઈ હતી. તેમને કન્નડ ભાષાની ફિલ્મોમાં શાનદાર અભિનય કરવા બદલ ચાર-ચાર વખત રાજ્ય સરકારના એવોર્ડ્સ મળ્યા હતા. તેમને ચાર વખત સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ એવોર્ડ્સ અપાયા હતા. એટલું જ નહીં, સાઉથના પાંચ ફિલ્મફેર તેમને એનાયત થયા હતા. તેઓ દક્ષિણ ભારતના ખૂબ જ પ્રતિભાશાળી એક્ટર હતા અને કન્નડ ફિલ્મોમાં ભારે લોકપ્રિય હતા.
તેમના પિતા રાજકુમાર કન્નડ ફિલ્મોના જાણીતા એક્ટર અને લોકપ્રિય સિંગર હતા અને માતા ફિલ્મનિર્માતા હતાં. તેમનાં મોટાભાઈ શિવા રાજકુમાર પણ પોપ્યુલર અભિનેતા છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3EnOBSa
via IFTTT

Comments