વડોદરાઃ દિવાળી અને બેસતા વર્ષ પૂર્વેના છેલ્લા રવિવારે આજે વડોદરાવાસીઓએ બજારોમાં ધૂમ ખરીદી કરી હતી.જેના પગલે આજે મોડી રાત સુધી શહેરના બજારોમાં ઘરાકીની રોનક જોવા મળી હતી.
કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થઈ ગયુ છે અને લોકોમાં પણ જાણે કોરોનાનો ડર ના રહ્યો હોય તેવુ આજે બજારોમાં ભીડ જોઈને લાગી રહ્યુ હતુ.કારણકે મોટાભાગના લોકોએ ભીડમાં પણ માસ્ક પહેરીને ખરીદી કરવાની તસદી લીધી નહોતી.
રવિવારની રજા હોવાથી ખરીદી માટે આજે સવારથી જ લોકોની શહેરના હાર્દ સમા નવાબજાર, મંગળબજાર ,એમજી રોડ, રાવપુરા રોડ, તેમજ વિવિધ શોપિંગ મોલ્સમાં ભીડ જોવા મળી હતી.બજારોમાં પગ મુકવાની જગ્યા ના હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા.કોરોના દેશમાં આવ્યો તે પહેલા જે પ્રકારે દિવાળી પહેલા ખરીદીના દ્રશ્યો જોવા મળતા હતા તે જ પ્રકારની સ્થિતિ આજે દેખાઈ હતી.
ગયા વર્ષે કોરોનાના ડરથી ઘણા લોકોએ બજારોમાં નિકળવાનુ ટાળ્યુ હતુ પણ આ વખતે બજારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ભીડ જોવા મળી રહી છે.વડોદરાના વેપારીઓના સંગઠન વેપાર વિકાસ એસોસિસેશનના કન્વીનર પરેશ પરીખનુ કહેવુ છે કે, બજાર પર ઓનલાઈન શોપિંગની ૨૫ ટકા જેટલી અસર દેખાઈ છે .આમ છતા ગયા વર્ષ કરતા બમણી ખરીદી આ વખતે દિવાળી પૂર્વે થશે તેવો અંદાજ છે.જેનાથી નાના વેપારીઓ ખુશ છે.ખાસ કરીને રેડીમેડ ગારમેન્ટસ, શૂઝ, કટલરી તેમજ ઈલેક્ટ્રોનિક આઈટમોના બજારમાં આ વખતે ધૂમ ખરીદી થઈ રહી છે.આ વખતે પહેલા નવરાત્રી અને એ પછી હવે દિવાળીના તહેવારોમાં વેપારીઓને સારી એવી ઘરાકી મળી છે.ગુરુવારે દિવાળી પહેલા બાકીના ત્રણ દિવસમાં આજે રવિવાર કરતા પણ વધારે ખરીદી થાય તેવો અંદાજ છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y2Mu6N
via IFTTT
Comments
Post a Comment