બોનસ અને પગાર થતાં બજારમાં હવે દિવાળી સુધી ખરીદીની ભીડ


શનિવાર પછી રવિવારે ખરીદી માટે જાણે કીડિયારૂં ઉભરાયું

ગત વર્ષની નબળી દિવાળીનું સાટું આ વર્ષે વળે તેવી આશા વચ્ચે કપડાં, ઈલેક્ટ્રોનિક્સ અને સ્થાનિક બજારોમાં ઘરાકી ખૂલતાં વેપારી ખુશખુશાલ

અમદાવાદ : અમદાવાદની બજારોમાં મહિનાઓ પછી પગ મુકવાની જગ્યા ન મળે એવી ભીડ દેખાઈ રહી છે. દિવાળી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પગાર અને બોનસ થતાં બજારમાં ખરીદીની ભીડ શરૂ થઈ છે. શનિવારે બપોર પછી બજારોમાં ગ્રાહકો ઉમટી પડયાં હતાં.

રવિવારે તો સવારથી ખરીદીનું કિડિયારૂં ઉભરાયું હતું. ગત વર્ષે દિવાળી નબળી રહી હતી તેનું સાટું આ વર્ષે વળશે તેવી આશા વચ્ચે વેપારી વર્ગ માને છે કે, હવે દિવાળી એટલે કે ગુરૂવાર સુધી ખરીદી જળવાઈ રહેશે. કોરોનાનો ભય ભૂલી ખુશીભરી ખરીદી માટે લોકો બજારોમાં ઉમટતાં વેપારીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.

અગિયારસ અને વાઘબારસ સાથે છે  અને દિપાવલી પર્વમાળાની ઉજવણી શરૂ થઈ રહી છે. એ અગાઉ દિવાળી પહેલાંનો છેલ્લા રવિવારે ખરીદીની એવી ભીડ જામી હતી કે જાણે કીડીયારૂં ઉભરાયું હોય. શનિવારે બપોર પછી બજારોમાં જામેલી ભીડ પરથી જ દિવાળી પહેલાંના છેલ્લા રવિવારે બજારમાં ખરીદીની કેવી ભીડ જામશે તેનું ટ્રેલર મળી ગયુંં હતું. 

વિક-એન્ડ એટલે કે શનિવારે મોડીરાત સુધી શહેરના મુખ્ય બજારો ઉપરાંત પરાં વિસ્તારના બજારોમાં ખરીદીની ભીડ રહેવા પામી હતી. એ પછી રવિવારે બપોરથી બજારોમાં હકડેઠઠ ભીડ જામી હતી. રવિવારની રજા અને ખરીદીની મજાના માહોલ વચ્ચે અમદાવાદીઓએ સાંજનું ભોજન કે નાસ્તો બહાર જ લઈ લેતાં ખાણીપીણી બજારને પણ તડાકો પડયો હતો. હવે દિવાળી સુધી ખાણીપીણી બજારમાં પણ ચમક રહેશ ેતેવી આશા છે.

અમદાવાદીઓ દિવાળીની તૈયારીના ભાગરૂપે નાસ્તા, સુશોભનો, ગૃહઉપયોગી વસ્તુઓ, કપડાં, ઈલેક્ટ્રોનિક્સ સહિતની વસ્તુઓની ખરીદી માટે નીકળવા લાગ્યાં છે. આવતું અઠવાડિયું દિવાળીની ઉજવણીનો ઉત્સાહ બરાબર જામવાનો છે.

આ સંજોગોમાં મોટા ભાગની ખાનગી કંપનીઓ, પેઢીઓએ કર્મચારીઓના પગાર અને બોનસ કરવાની શરૂઆત કરી દીધી છે. આ કારણે શનિવારે બપોર પછી બજારમાં ખરીદીની ચમક જોવા મળી હતી.  રવિવારે તો બજારોમાં જાણે કિડિયારૂં ઉભરાયું તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. વેપારીઓને આશા છે કે, સોમવારે મોટાભાગે પગાર અને બોનસ ચૂકવાઈ જશે. 

આ સંજોગોમાં દિવાળીના દિવસ, ગુરૂવાર સુધી ઘરાકી રહેશે. આમ પણ, ઘણાંખરાં અમદાવાદીઓ છેલ્લી ઘડીની ખરીદી માટે ટેવાયેલાં છે. સામાન્યત: ધનતેરસે ખરીદી થતી નથી. પણ, આ વર્ષે ધનતેરસે પણ ખરીદી ખિલશે તેવી આશા છે. ગુરૂવાર સુધી ખરીદી જળવાઈ રહેશે એટલે ગત વર્ષની નબળી દિવાળીનું સાટું વળી જશે તેવી આશા વેપારી વર્ગ રાખી રહ્યો છે.

શહેરના મુખ્ય બજારો ઉપરાંત પરાં વિસ્તારના બે ડઝન જેટલા બજાર વિસ્તારોમાં પણ રવિવારે પણ આખો દિવસ  પછી મોડી રાત સુધી ધીમી ગતિની ખરીદી માટે ગ્રાહકોની ચહલ પહલ જોવા મળી શકે છે. દિવાળી નજીક  છે ત્યારે ગારમેન્ટ, પગરખા સહિત રોશની, રંગો સહિતની ખરીદી થઈ રહી છે. હજુ આગામી દિવસોમાં બજારમાં રોનક દેખાશે. 

ઓનલાઈન ખરીદીનો ટ્રેન્ડ  વધ્યો છે તેમ છતા અમદાવાદીઓ બજારમાં જઈને ખરીદી કરવાનો આનંદ લૂંટી રહ્યાં છે. અમદાવાદમાં રાજ્યના જુદા જુદા શહેરોમાંથી પરિવારોની ખરીદી આ વર્ષે બરાબર જામતાં બપોર, સાંજનાથી રાતના સમયે શહેરી વિસ્તારના ગ્રાહકોની ભીડ જામે છે. દિવાળીના તહેવારમાં ઘરાકી નિકળતા વેપારીઓમાં ખુશીની લાગણી ફરી વળી છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jTBP5Y
via IFTTT

Comments