ચીનમાં તીવ્ર હવાથી ૭૧ માળની બિલ્ડિંગ હાલક-ડોલક થઈ : હવે ઊંચી ઈમારતો બનાવાશે નહીં



ચીનમાં તીવ્ર હવાના કારણે શેનજેનમાં ૭૧ માળની ઈમારત ધુ્રજવા માંડી હતી. એના કારણે હવે સરકારે તાત્કાલિક અસરથી તમામ નાના શહેરોમાં હાઈ-રાઈઝ બિલ્ડિંગ બાંધવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. ગગનચૂંબી ઈમારતોને પરવાનગી આપવાના અધિકારીઓ સામે કડક પગલાં ભરાશે એવું પણ ચીને કહ્યું હતું.
ચીનના શેનજેનમાં ૭૧ માળની એક બિલ્ડિંગ તીવ્ર હવા ફૂંકાતા હાલક-ડોલક થવા લાગી હતી. એના કારણે આખી બિલ્ડિંગ ખાલી કરાવાઈ હતી અને તાત્કાલિક અસરથી તમામ ઊંચી ઈમારતોનું ચેકિંગ કરવાનો આદેશ અપાયો હતો. એટલું જ નહીં, હવે પછી ૨૫૦ મીટરથી ઊંચી ઈમારતો ન બાંધવાનો આદેશ પણ જારી થયો છે.
મોટા શહેરોને બાદ કરતાં તમામ નાના શહેરોમાં આ પ્રતિબંધ લાગુ પડશે. નાના શહેરોમાં હાઈ-રાઈઝ બિલ્ડિંગની પરવાનગી આપનારા અધિકારીઓ સામે આકરા પગલાં ભરાશે. ચીનના બાંધકામ વિભાગના કહેવા પ્રમાણે નાના શહેરોમાં જગ્યાની અછત નથી એટલે એવા શહેરોમાં મોટી ઈમારતો બાંધીને જોખમ લેવાનું કોઈ કારણ નથી.
ચીન બાંધકામ માટે જાણીતું છે. અનેક અજાયબી જેવી ઈમારતો ચીનમાં આકાર પામે છે. ગગનચૂંબી ઈમારતો બાંધવાની બાબતમાં પણ ચીન સૌથી આગળ રહે છે, પરંતુ શેનજેનની ૭૧ માળની ઈમારતમાં ઉપર ૫૦ મીટરનો એક લાંબો સ્તંભ હતો, તેના કારણે આખી ઈમારત તીવ્ર હવા ફૂંકાય ત્યારે હલવા લાગતી હતી. એના કારણે ચીને બધી જ મોટી ઈમારતોનું બાંધકામ હાલ પૂરતું અટકાવી દીધું છે.
ચીનમાં અગાઉથી જ ૫૦૦ ફૂટથી ઊંચી ઈમારતો બાંધવા પર પ્રતિબંધ મૂકાઈ ચૂક્યો છે. હવે ૩૦ લાખની વસતિ હશે એ શહેરોમાં વધુમાં વધુ ૧૫૦ મીટર એટલે કે લગભગ ૪૯૦ ફૂટ સુધીની જ ઈમારતો બાંધી શકાશે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nLRCF4
via IFTTT

Comments