અરૂણાચલ પ્રદેશના પૂર્વ કામેંગ જિલ્લાની કામેંગ નદીમાં અચાનક હજારો માછલીઓ મૃત્યુ પામી હતી. સરહદી નદીમાં ચીને કંઈક રહસ્યમય ગતિવિધિ કરી હોવાની આશંકા સ્થાનિક લોકોએ વ્યક્ત કરી હતી. પાણીની તપાસમાં જણાયું હતું કે નદીમાં ટીડીએસનું પ્રમાણે રાતોરાત વધી ગયું હતું.
અરૂણાચલ પ્રદેશની કામેંગ નદી પ્રદૂષિત થઈ ગઈ હતી. ચીને એ સરહદી નદીમાં કંઈક ભેદી તત્વો ભેળવ્યા હોવાથી હજારો માછલીઓ ટપોટપ મરી ગઈ હતી. અરૃણાચલ પ્રદેશના મત્સ્ય ઉછેર વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. એમાં જણાયું હતું કે નદીના પાણીમાં રાતોરાત ટોટલ ડિઝોલ્વ્ડ સબ્સટેઈન્સ (ટીડીએસ)નું પ્રમાણ વધી ગયું હતું. એ પાછળના ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે.
નદીના પાણીનો રંગ અચાનક બદલી ગયો હતો. નદીનું પાણી કાળું થઈ ગયું હતું. એમાં કોઈ પ્રદૂષિત પ્રવાહી ભેળવ્યું હોવાની શક્યતા નકારી શકાતી નથી. અથવા તો ચીને સરહદી વિસ્તારમાં થતાં બાંધકામનો કચરો નદીમાં વહાવ્યો હોય તો પણ એનાથી નદી કાળી થઈ ગઈ હોવાની શક્યતા છે.
નદીમાં ટીડીએસ વધ્યા પાછળ પણ પ્રદૂષણ જવાબદાર હોય શકે છે. કેમિકલયુક્ત પ્રવાહી કે ઘન પદાર્થ જો નદીમાં ભેળવ્યો હોય તો એનાથી નદીના પાણીમાં ટીડીએસનું સ્તર વધી શકે છે. સ્થાનિક લોકો તો દૃઢપણે માને છે કે આ પાછળ ચીન જ જવાબદાર છે. સ્થાનિક નાગરિકોએ કહ્યું હતું કે ચીન સરહદે જે બાંધકામો કરે છે તેના કારણે નદી પ્રદૂષિત થઈ રહી છે. ચીન જાણી-જોઈને ભારતમાં આવતી એ નદીમાં પ્રદૂષણ ભેળવે છે.
તપાસમાં જણાયું હતું એ પ્રમાણે નદીના પાણીમાં લીટરે ટીડીએસનું પ્રમાણ ૬૮૦૦ મિલીગ્રામ જેટલું હતું. સામાન્ય રીતે એ પ્રમાણ ૩૦૦થી ૧૨૦૦ મિલીમીટર જેટલું નોંધાતું હતું.
જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી નોટિસ બહાર પાડીને લોકોને માછલી ન પકડવાની સલાહ આપી હતી. આ નદીની માછલી થોડા સમય માટે ખોરાકમાં ન લેવાની સૂચના પણ સરકારે આપી હતી. મત્સ્ય ઉછેર કેન્દ્રના અધિકારીઓ માછલીના નમૂનાનું પરીક્ષણ કરી રહ્યા છે. એમાં કંઈ ઝેરી પદાર્થ હાજર છે કે કેમ તેની તપાસ થઈ રહી છે.
ધારાસભ્ય ટપૂક તાકુએ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે આ નદીના પાણીની તપાસ કેન્દ્રીય નિષ્ણાતોની સમિતિ દ્વારા કરવી જરૃરી બની ગઈ છે. જો કંઈક ઝેરી પદાર્થ ભળ્યો હશે તો હજારો લોકોને જીવનું જોખમ આવી પડશે એવી ચિંતા પણ ધારાસભ્યએ વ્યક્ત કરી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nM52kw
via IFTTT
Comments
Post a Comment