સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની મતદાર યાદીમાં છબરડાંની ફરિયાદો

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની ચૂંટણી માટેની મતદાર યાદી બહાર પાડી દેવાઈ છે.જોકે આ યાદી બહાર પડયાના ૨૪ કલાકની અંદર જ તેેમાં છબરડા હોવાની ફરિયાદો શરુ થઈ ગઈ છે.

મળતી વિગતો પ્રમાણે સોશિયલ વર્ક ફકેલ્ટીના પૂર્વ વિદ્યાર્થી તેમજ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીમાંથી ભૂતકાળમાં ચૂંટણી લડીને સેનેટ સભ્ય પણ રહી ચુકેલા દિપક શાહનુ કહેવુ છે કે, મારુ નામ મતદાર યાદીમાંથી ગાયબ છે.દિપક શાહે આ અંગે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તેમજ રજિસ્ટ્રારને ઈ-મેલ પાઠવીને ફરિયાદ કરી છે.

તેમનુ કહેવુ છે કે, હું પોતે સેનેટની ચૂંટણી ત્રણ વખત લડી ચુકયો છું.દરેક વખતે મારુ નામ મતદાર યાદીમાં હતુ.રજિસ્ટ્રેશન કરાવવા માટે કયા પ્રકારના દસ્તાવેજોની જરુર હોય છે અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની મને  ખબર છે.આમ છતા મારુ નામ યાદીમાંથી ગાયબ છે.મારુ નામ કેમ બાકાત રખાયુ છે તે અંગે યુનિવર્સિટી દ્વારા મને કોઈ કારણ પણ આપવામાંઆવ્યુ નથી.

ઉપરાંત સોશિયલ વર્ક ફેકલ્ટીની મતદાર યાદીમાં ૧૭ જેટલા મતદારો એવા છે જેમના નામ એક કરતા વધારે વખત યાદીમાં નોંધાયેલા દર્શાવવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, દિપક શાહને સોશિયલ વર્ક ફેકલ્ટીના સંભવિત ઉમેદવાર પણ માનવામાં આવે છે ત્યારે મતદાર તરીકે તેમનુ નામ નહીં હોવાથી તેઓ ચૂંટણી પણ નહીં લડી શકે.

બીજી તરફ બીજી ફેકલ્ટીઓની મતદાર યાદીમાં પણ સંખ્યાબંધ મતદારોના નામ એક થી વધારે વખત દર્શાવાયા હોવાની ફરિયાદો ઉભી થવા માંડી છે.જેના પગલે સ્ક્રુટિની કમિટિની કાર્યવાહી અને મતદાર યાદી તૈયાર કરવાની પધ્ધતિ પર પણ આગામી દિવસોમાં સવાલો ઉભા થઈ શકે છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3GA8pnv
via IFTTT

Comments