ઓટીપી વગર ગેસ સિલિન્ડર બુક નહી થાય અને તે બતાવ્યા વગર ગેસધારકને ગેસના બાટલાની ડિલિવરી પણ નહીં મળે
નવી દિલ્હીઃ એકબાજુએ મોંઘવારી આકાશને આંબી રહી છે ત્યારે બીજી બાજુએ પહેલી તારીખથી બેન્કિંગ સેક્ટર સહિત કેટલાક ક્ષેત્રોના નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે. પહેલી નવેમ્બરથી બદલાનારા નિયમોમાં બેન્કોમાં પૈસા જમા કરાવવાથી ઉપાડવા પર ચાર્જ, રેલવે ટાઇમ ટેબલમાં ફેરફાર અને ગેસ સિલિન્ડરની બુકિંગની પદ્ધતિમાં ફેરફાર જેવી ચીજો સામેલ છે.
પહેલી નવેમ્બરથી અમલી બનેલા નવા નિયમોમાં હવે બેન્કોમાં પોતાના રૃપિયા જમા કરાવવા બદલ અને ઉપાડવા બદલ ચાર્જ ભરવો પડશે. બીઓબી મુજબ આગામી મહિનાથી નિયત મર્યાદા કરતાં વધારે બેન્કિંગ કરવા પર લોકો પર અલગથી વેરો લાગશે.
નવા નિયમ મુજબ બચતખાતામાં ત્રણ વખત નાણા જમા કરાવવા મફત હશે, પરંતુ જો ખાતાધારક એક મહિનાની અંદર ત્રણ વખત કરતાં વધારે વખત નાણા ડિપોઝિટ કરે છે તેણે દર વખતે 40 રૂપિયા ભરવા પડશે.
જો કે તેમા જનધન ખાતાધારકોને રાહત મળી છે. તેમા નાણા ત્રણથી વધારે વખત જમા કરવા પર કોઈ વેરો આપવો નહી પડે. જો કે નાણા ઉપાડવા પર સો રુપિયા આપવા પડશે.
આ ઉપરાંત પહેલી નવેમ્બરથી ગેસ સિલિન્ડર ઘર સુધી પહોંચાડવાની પ્રક્રિયા પૂરેપૂરી બદલાઈ જશે. નવા નિયમ મુજબ ગેસ બુકિંગ પછી ગ્રાહકોના રજિસ્ટર નંબર પર ઓટીપી આવશે. ઓટીપી વગર કોઈપણ પ્રકારની બુકિંગ નહી થાય. આ ઉપરાંત સિલિન્ડર ઘરે પહોંચાડતા ડિલિવરી બોયને ઓટીપી બતાવ્યા પછી જ ગ્રાહક સિલિન્ડર લઈ શકશે.
આમ નવી સિલિન્ડર પોલિસી હેઠળ ખોટું સરનામુ અને મોબાઇલ નંબર આપનારા ગ્રાહકોની મુશ્કેલી વધી શકે છે. આ માટે કંપનીઓએ તેના બધા ગ્રાહકોને તેમનું નામ, સરનામુ અને મોબાઇલ નંબર અપડેટ કરવાની સલાહ આપી છે, જેથી તેને સિલિન્ડર લેવામાં તકલીફ ન પડે. જો કે આ નિયમ કોમર્સિયલ સિલિન્ડર પર લાગુ નહીં પડે.
નવા મહિનાનો પ્રારંભ થવાની સાથે ભારતીય રેલવે દેશભરમાં ટ્રેનોના ટાઇમટેબલમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. વાસ્તવમાં આ ફેરફાર પહેલી ઓક્ટોબરથી અમલી બનવાના હતા, પરંતુ કોઈ કારણના લીધે આ તારીખ લંબાવાઈ પહેલી નવેમ્બર કરી દેવાઈ. આગામી મહિનાના પ્રારંભથી ટ્રેનોમાં નવું ટાઇમટેબલ લાગુ કરવામાં આવશે. આ ફેરફારમાં ૧૩ હજાર પેસેન્જર ટ્રેન અને સાત હજાર માલગાડીનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત દેશમાં ચાલતી 30 રાજધાની ટ્રેનોનો સમય પણ બદલાશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jQ73et
via IFTTT
Comments
Post a Comment