નવા સપ્તાહમાં સેન્સેક્સ 60222 થી 58111 વચ્ચે ફંગોળાતા જોવાશે


(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ : ભારતીય શેર બજારોમાં છેલ્લા પોણા બે વર્ષના કોરોના મહામારીના કાળમાં અન્ય ઉદ્યોગ-બિઝનેસોમાં મંદ વૃદ્વિની અસર છતાં શેરોમાં બેફામ તેજીનું ઓલ રાઉન્ડ ઐતિહાસિક તોફાન મચાવનારા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ) સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ અંતે લાંબા સમયથી અપેક્ષિત કરેક શન આપીને શેરોમાં  કડાકા-ભડાકા બોલાવવા લાગ્યા છે. ફંડામેન્ટલથી આગળ નીકળી જઈને કોર્પોરેટ ઈન્ડિયાની ઘણી કંપનીઓના શેરોના ભાવો બેરોકટોક ચગાવી મૂકવામાં આવી ફંડો, ખેલાડીઓએ તેજીનો અતિરેક કરી મૂક્યો હતો. જેને અત્યાર સુધી ફોરેન ફંડોએ પણ ચગાવતાં રહી શેરોના ભાવો અસાધારણ ઊંચાઈએ ચગાવીને અંતે આ ચગેલા પતંગોને રીટેલ રોકાણકારોના પોર્ટફોલિયોમાં પધરાવી દઈને હળવા થઈ ગયા બાદ હવે આ જ ફોરેનના બ્રોકિંગ હાઉસો, ઈન્વેસ્ટમેન્ટ બેંકરો, ફંડોએ હવે ભારતીય શેર બજાર અત્યંત મોંઘુ બની ગયું હોવાનું અને  ઓવરવેલ્યુએશનનો સૂર આલાપવા માંડીને તેજીનો કડૂસલો બોલાવવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ ગત સપ્તાહના આરંભિક દિવસોમાં ડેરિવેટીવ્ઝમાં ઓકટોબર વલણના અંતમાં તેજીના ખેલાડીઓ સાથે મંદીનું સાહસ ખેડનારા અનેક ખેલાડીઓના બે-તરફી તોફાનમાં સ્ટોપ લોસ ટ્રીગર કરાવ ી મૂકનાર ઉથલપાથલ મચાવી કડાકા બાદ છેલ્લા બે દિવસમાં ફંડોએ ઘટાડે પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ શરૂ કર્યું છે. જેથી અત્યારે કડડડભૂસ લાગી રહેલા બજારમાં આગામી સંવત ૨૦૭૭ના અંતિમ સપ્તાહમાં બે-તરફી તોફાન ચાલુ રહેશે અને સપ્તાહના અંતે ઘટાડે ફંડો ફરી લેવાલ બનીને બજારને તેજીના પંથે લઈ જશે એવી અપેક્ષા છે. 

એેચડીએફસી, ટાટા મોટર્સ, સન ફાર્મા, ભારતી એરટેલ, સ્ટેટ બેંકના રિઝલ્ટ, મેન્યુ., સર્વિસિઝ પીએમઆઈના આંક પર નજર

આગામી સપ્તાહમાં સંવત ૨૦૭૭ પૂરું થઈ રહ્યું હોવા સાથે સંવત ૨૦૭૮નો શુભારંભ ૪,નવેમ્બર ૨૦૨૧ના મૂહુર્ત ટ્રેડીંગ સત્ર સાથે થશે. આ પૂર્વે આગામી સપ્તાહમાં કોર્પોરેટ પરિણામોની સીઝનમાં હવે ૧,નવેમ્બર ૨૦૨૧ના રોજ ટાટા મોટર્સ, એચડીએફસી લિમિટેડના રિઝલ્ટ, ૨,નવેમ્બર ૨૦૨૧ના એચપીસીએલ, સન ફાર્મા અને ભારતી એરટેલના પરિણામ તેમ જ ૩,નવેમ્બર ૨૦૨૧ના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને આઈશર મોટર્સના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે. જ્યારે ૧,નવેમ્બર ૨૦૨૧ના ભારતના ઓકટોબર મહિના માટેના માર્કિટ મેન્યુફેકચરીંગ પીએમઆઈના અને ૩,નવેમ્બર ૨૦૨૧ના સર્વિસિઝ પીએમઆઈના જાહેર થનારા આંક પર નજર રહેશે.નવા સપ્તાહમાં આ પરિબળો, ઈવેન્ટસ વચ્ચે સેન્સેક્સ ૬૦૨૨૨ થી ૫૮૧૧૧ વચ્ચે અને નિફટી સ્પોટ ૧૭૯૯૯ થી ૧૭૩૩૩ વચ્ચે ફંગોળાવાની શકયતા રહેશે.

ડાર્ક હોર્સ : Den Networks Ltd.

બીએસઈ(૫૩૩૧૩૭), એનએસઈ(DEN) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, મુકેશ અંબાણીના રિલાયન્સ ગુ્રપ-જીઓ સહિતના ૭૪.૯૦ ટકા પ્રમોટર્સ શેર હોલ્ડિંગની, રૂ.૨૫૦૦ કરોડનું કેશ અને કેશ સમકક્ષ રિઝર્વ ધરાવતી, ડેન નેટવર્ક્સ લિમિટેડ(Den Networks Ltd.) ભારતમાં સૌથી મોટી રાષ્ટ્રીય કેબલ ટેલીવિઝન કંપનીઓ પૈકી એક છે. કંપની એનાલોગ અને ડિજિટલ કેબલ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક થકી ટેલીવિઝન ચેનલોના ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે પ્રવૃત છે અને ઈન્ટરનેટ સર્વિસિઝની પૂરી પાડે છે. ૧૦,જુલાઈ ૨૦૦૭માં ટીવી  ઉદ્યોગની હસ્તી નોન-એક્ઝિક્યુટીવ ડિરેકટર અને ચેરમેન  સમીર મનચંદા દ્વારા ડેન ડિજિટલ એન્ટરટેઈન્મેન્ટ નેટવર્કસ પ્રાઈવેટ લિમિટેડ તરીકે શરૂ થયેલી  કંપની ત્યાર બાદ વર્ષ ૨૦૦૯-૧૦માં પબ્લિક લિમિટેડ બની ૨૪,નવેમ્બર ૨૦૦૯માં શેરોનું બીએસઈ, એનએસઈ પર લિસ્ટિંગ થયું હતું. ડેન નેટવર્કસ લિમિટેડમાં વર્ષ ૨૦૧૮માં રિલાયન્સ ગુ્રપ દ્વારા ૫૮.૯૨ ટકા હોલ્ડિંગ હસ્તગત કરીને કંપનીને પોતાના હસ્તક લીધી હતી. 

કંપની ડેન કેબલ હેઠળ દેશની રાજધાની દિલ્હીના વિસ્તારો અને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, હરિયાણા, મધ્ય પ્રદેશ, પશ્ચિમ  બંગાળ, જારખંડ, બિહાર, ઉત્તરાખંડ અને  કેરળ સહિત ૧૩ રાજયોમાં કેબલ ટેલીવિઝન સર્વિસિઝ પૂરી પાડે છે. ડેન કેબલ ૧૩  રાજયોમાં ૫૦૦થી વધુ  શહેરો, ગામોમાં ૧૩૦ લાખથી વધુ  સબસ્ક્રાઈબરો ધરાવે છે. કંપનીની ડિજિટલ  કેબલ ઓફરિંગ તેના  ફિચર રિચ યુઝર ઈન્ટરફેસ અને કટીંગ એજ વેલ્યુ એડેડ સર્વિસિઝના પોર્ટફોલિયો સાથે  ભારતમાં શ્રેષ્ઠ પૈકી એક છે.  ડિજિટલ કેબલ ઓફરિંગમાં ૪૫૦થી વધુ અગ્રણી ચેનલો, ૪૫ સુધી એચડી ટીવી ચેનલો મલ્ટિ જેનરે ડિજિટલ મ્યુઝિક સર્વિસ બ્લોગ અને ઈન્ટરેક્ટિવ ગેમ્સનો સમાવેશ છે. કંપની એક થી ત્રણ પોતાની બ્રાન્ડની ટેલીવિઝન ચેનલો પણ ઓપરેટ કરે છે. આ ચેનલો ફિલ્મ્સ મ્યુઝિક ડિવોશનલ  પ્રોગ્રામો અથવા લોકલ ઈવેન્ટસ અને સમાચારો પ્રસારિત કરે છે. કંપની તેના નેટવર્ક પર ૪૦૦૦થી વધુ ફિલ્મો ટેલીકાસ્ટ  કરવાના  હકો ધરાવે છે. આ સાથે કંપની ડેન બ્રોડબેન્ડ હેઠળ સંપૂર્ણ ભારત માટે આઈએસપી  લાઈસન્સ સાથે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સર્વિસિઝ પૂરી પાડી રહી છે. કંપનીએ ટૂંકાગાળામાં જ નવી દિલ્હી,  એનસીઆર, કાનપુર, જોધપુર, ઝાંસી અને  ઘણા અન્ય શહેરોમાં મોટી સંખ્યામાં બ્રોડબેન્ડ સબસ્ક્રાઈબરો મેળવ્યા છે. ડેન બ્રોડબેન્ડ  ૪૧ શહેરો, ગામોમાં ફિક્સ્ડ બ્રોડબેન્ડ સર્વિસિઝ ઓફર કરે છે.  જ્યારે ડેન ટીવી પ્લસ હેઠળ કંપની ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ૧૩૦થી વધુ ટીવી ચેનલોનું લાઈવ સ્ટ્રીમિંગ, ૨૫૦૦થી વધુ મુવીઝ અને રેકોર્ડેડ વિડીયો પ્રચલિત શોઝ અને સીરિયલો, લાઈફસ્ટાઈલ કન્ટેન્ટ સહિત ઓફર કરે છે.

રિઝર્વ-કેશ અને કેશ સમકક્ષ રૂ.૨૫૦૦ કરોડ( શેર દીઠ રૂ.૫૨.૩૮ મૂલ્ય) :

કંપની ૩૦,સપ્ટેમ્બર ૨૦૨૧ મુજબ રૂ.૨૫૦૦ કરોડનું કેશ અને કેશ સમકક્ષ રિઝર્વ ધરાવે છે. જેનું શેર દીઠ મૂલ્ય જ રૂ.૫૨.૩૮ થાય છે. કંપનીના શેરનો ભાવ છેલ્લા પાંચ વર્ષમાં સર્વોચ્ચ રૂ.૧૩૩.૫૫ અને છેલ્લા બાવન  સપ્તાહમાં રૂ.૭૯.૨૫  જોવાયેલો એ શેર અત્યારે બીએસઈ, એનએસઈ પર રૂ.૪૪.૬૫ના ભાવે મળી રહ્યો છે.

શેર હોલ્ડિંગ પેટર્ન :

મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ-જિઓ ગુ્રપ હસ્તક મહત્તમ મળીને ૭૪.૯૦ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, ફોરેેન પોર્ટફોલિયોે ઈન્વેસ્ટરો હસ્તક ૦.૭૬  ટકા, કોર્પોરેટ બોડીઝ હસ્તક ૫.૦૩ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેરમૂડીધારકો પાસે ૧૦.૩૪ ટકા શેરો છે.

બુક વેલ્યુ :

માર્ચ ૨૦૧૮ના રૂ.૪૫.૫૬ ટકા, માર્ચ ૨૦૧૯ના રૂ.૫૫.૦૪ ટકા, માર્ચ ૨૦૨૦ના રૂ.૫૬.૦૮, માર્ચ ૨૦૨૧ના રૂ.૫૯.૫૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૨ના રૂ.૬૩.૮૫

નાણાકીય પરિણામ :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ :

ચોખ્ખી આવક રૂ.૧૨૯૧.૪૫ કરોડથી વધીને રૂ.૧૩૦૭.૪૦ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૫૭.૫૧  કરોડની તુલનાએ વધીને રૂ.૧૯૬.૫૨ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧.૪૭ થી વધીને રૂ.૪.૧૫ હાંસલ કરી હતી.

(૨) પ્રથમ  ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૧ થી જૂન ૨૦૨૧ :

ચોખ્ખી આવક રૂ.૩૦૧.૩૧ કરોડની તુલનાએ વધીને રૂ.૩૦૨.૯૭ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૫૮.૩૨ કરોડથી ઘટીને રૂ.૪૦.૮૯ કરોડ નોંધાવી શેર દીઠ રૂ.૧.૨૩ થી ઘટીને ૮૬ પૈસા હાંસલ કરી હતી.

(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૧ થી સપ્ટેમ્બર ૨૦૨૧ :

ચોખ્ખી આવક રૂ.૩૩૭.૬૭ કરોડની તુલનાએ ઘટીને રૂ.૩૨૫ કરોડ મેળવીને ચોખ્ખો  નફો રૂ.૩૬.૭૭ કરોડથી વધીને રૂ.૩૭.૬૭  કરોડ નોંધાવી શેર દીઠ આવક ૭૭ પૈસા થી વધીને ૮૩ પૈસા હાંસલ કરી છે.

(૪) પ્રથમ અર્ધવાર્ષિક એપ્રિલ ૨૦૨૧ થી સપ્ટેમ્બર ૨૦૨૧ :

ચોખ્ખી આવક રૂ.૬૩૮.૯૮ કરોડની તુલનાએ ઘટીને રૂ.૬૨૭.૯૭ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૯૫.૦૯ કરોડની તુલનાએ ઘટીને રૂ.૭૮.૫૬ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૨ થી ઘટીને રૂ.૧.૬૯ હાંસલ કરી છે. 

(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૪૭૫કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૨૦૫.૬૨કરોડ અપેેક્ષિત થકી શેર દીઠ આવક રૂ.૪.૩૦ અપેક્ષિત છે. 

(૬) વેલ્યુએશન : B  :

મીડિયા અને એન્ટરટેઈન્મેન્ટ ઉદ્યોગના સરેરાશ૨૮.૫૦ના પી/ઈ સામે કંપનીને ૧૪નો પી/ઈ આપીએ તો પણ શેર રૂ.૬૦ને આંબી શકે  માટે વેલ્યુએશન સિંગલ B  કંપની રૂ.૨૫૦૦ કરોડનું કેશ, કેશ સમકક્ષ રિઝર્વ ધરાવતી હોઈ જેનું કંપનીની ઈક્વિટી મુજબ શેર દીઠ મૂલ્ય રૂ.૫૨.૩૮ થાય છે. 

આમ (૧) મુકેશ અંબાણીના રિલાયન્સ ગુ્રપના ૭૪.૯૦ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી (૨) દેશમાં ઝડપી વિસ્તાર સાથે ૧૩ રાજયોમાં ૫૦૦થી વધુ શહેરો, ગામોમાં ૧૩૦ લાખથી વધુ કેબલ ટીવી સબસ્ક્રાઈબરો ધરાવતી અને ૪૧ શહેરો-ગામોમાં ફિક્સ્ડ બ્રોડબેન્ડ સર્વિસિઝ પૂરી પાડતી, ડેન ટીવી પ્લસ હેઠળ ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ૧૩૦થી વધુ ટીવી ચેનલોનું લાઈવ સ્ટ્રીમિંગ સહિત ઓફર કરતી (૩) ૩૦,સપ્ટેમ્બર ૨૦૨૧ મુજબ રૂ.૨૫૦૦ કરોડનું કેશ અને  કેશ સમકક્ષ રિઝર્વ રોકાણ ધરાવતી, જે મુજબ શેર દીઠ રૂ.૫૨.૩૮ મૂલ્ય ધરાવતી  (૪) પ્રથમ અર્ધવાર્ષિક એપ્રિલ ૨૦૨૧ થી સપ્ટેમ્બર ૨૦૨૧માં ચોખ્ખો નફો રૂ.૯૫.૦૯ કરોડની તુલનાએ ઘટીને રૂ.૭૮.૫૬ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૨ થી ઘટીને રૂ.૧.૬૯ હાંસલ કરનાર (૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨માં અપેક્ષિત ચોખ્ખા નફા રૂ.૨૦૫.૬૨કરોડ અપેેક્ષિત થકી શેર દીઠ આવક રૂ.૪.૩૦ અપેક્ષિત અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૬૩.૮૫ સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર અત્યારે એનએસઈ, બીએસઈ પર રૂ.૪૪.૬૫ ભાવે ૧૦.૩૮ના પી/ઇએ ઉપલબ્ધ છે.

ડાર્ક હોર્સ તરીકે કરાયેલી શેરોની ભલામણ સમીક્ષામાં પેનાસોનિક એનજીૅ ઈન્ડિયા Sell-વેચવાની ભલામણ

sell: પેનાસોનિક એનજીૅ ઈન્ડિયા કંપની લિ.ના શેરની અહીંથી ૧૭,ઓકટોબર ૨૦૨૧ના રૂ.૩૦૪.૩૦ ભાવે ખરીદવા ભલામણ કરાઈ હતી. જે શેરનો ભાવ ૩૦,ઓકટોબર ૨૦૨૧ના રૂ.૩૨૨.૦૫ રહ્યો છે. જે શેરને અહીંથી વેચવાની ભલામણ કરવામાં આવે છે. જેમાં શેર દીઠ રૂ.૧૮.૨૦ નફો મળી રહ્યો છે. જો આ શેરમાં રૂ.એક લાખનું રોકાણ કરીને ૩૨૯ શેરો ખરીદવામાં આવ્યા હોય તો શેર દીઠ રૂ.૧૮.૨૦ નફા મુજબ રૂ.૫૯૮૭.૮૦નું વળતર-નફો મળ્યો ગણી શકાય.

મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107)

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે :  ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી :  (૧)લેખક ઉપરોકત કંપનીઓના  શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્ત્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતરૂ હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, B, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. (૬) ફીડબેક ઈ-મેઈલ : arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે  પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CxTbwy
via IFTTT

Comments