ત્રણ લોકસભા અને 29 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં 50-75 ટકા વોટિંગ


નવી દિલ્હીઃ કુલ 13 રાજ્યોમાં યોજાયેલી લોકસભાની ત્રણ અને વિધાનસભાની 29 બેઠકોની પેટાચૂંટણીમાં ૫૦થી 75 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં કૃષિ કાયદાના વિરોધમાં હરિયાણા વિધાનસભામાંથી રાજીનામુ આપનારા અભય ચૌટાલા અને કોંગ્રેસના સ્વ. મુખ્યપ્રધાન વીરભદ્રસિંહના પત્ની પ્રતિભા સિંહનું ભાવિ કેદ થયું છે. 

બધા સ્થળોએ વોટિંગ શાંતિથી થયું હતું અને કોવિડ-૧૯ની તકેદારી સાથે મતદાન કરવામાં આવ્યું હતું. લોકસભા મતવિસ્તાર દાદરા-નગર હવેલીમાં 75.51 ટકા મતદાન થયું હતું. સાંજે સાત વાગે મતદાન બંધ થયું હતું. 

હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા સીટ જ્યાંથી પ્રતિભાસિંહ લડી રહી છે ત્યાં 49.83 ટકા સાથે સૌથી ઓછું મતદાન થયું હતું. તે ભાજપના કુશાલસિંહ ઠાકુરની સામે ઊભી છે. કારગીલ યુદ્ધના હીરો રાજકારણમાં પ્રથમ વખત તેમનું નસીબ અજમાવી રહ્યા છે. 

માર્ચમાં ભાજપના સાંસદ રામસ્વરૃપ શર્મા મૃત્યુ પામતા મંડીની બેઠક ખાલી પડી હતી. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ મતદાતા 104 વર્ષના શ્યામશરણ નેગીએ કિન્નોર જિલ્લામાં કલ્પા મતદાન મથકે તેમનો મત આપ્યો હતો. ફતેહપુર, અરકી અને જુબ્બાલ કોટખાઈ વિધાનસભા મતવિસ્તારમાં મતદાનની ટકાવારી 62.4 ટકા, 61.33 ટકા અને 66.1 ટકા હતી.

હિમાચલ પ્રદેશમા ચૂંટણી મહત્ત્વની એટલા માટે છે કેમકે આગામી વર્ષે ત્યાં વિધાનસભા ચૂંટણી છે. હિમાચલ પ્રદેશમાં ત્રણ બેઠકો ઉપરાંત આસામમાં પાંચ બેઠકો અને પશ્ચિમ બંગાળમાં ચાર બેઠકો, મધ્યપ્રદેશ અને મેઘાલયમાં ત્રણ-ત્રણ બેઠકો માટે, બિહાર, રાજસ્થાન અને કર્ણાટકમાં બે-બે બેઠકો માટે, જ્યારે, આંધ્ર, હરિયાણા, મિઝોરમ, મહારાષ્ટ્ર અને તેલંગણામાં એક-એક બેઠક માટે ચૂંટણી યોજાઈ છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mt825Z
via IFTTT

Comments