દિવાળીના તહેવારોમાં 108 ના ઇમરજન્સી કેસમાં 35 ટકા સુધીના વધારાનું અનુમાન

અમદાવાદ,તા.29 ઓક્ટોબર 2021, શુક્રવાર

દિવાળીના તહેવારમાં ફટાડકા ફોડવાના કારણે આગ, અકસ્માતના કેસોમાં સામાન્ય દિવસો કરતા વધારો જોવા મળતો હોય છે. આ વર્ષે ઇમરજન્સી સેવા ૧૦૮ના અનુમાન પ્રમાણે દિવાળીના દિવસે ૧૬.૬૯ ટકા કેસ વધુ જોવા મળશે.બેસતા વર્ષના દિવસે ૨૭.૩૬ ટકાનો અને ભાઇબીજના દિવસે ૩૪.૭૨ ટકાનો ઇમરજન્સી કેસમાં વધારો થનાર હોવાનું એક અભ્યાસમાં પૂર્વાનુંમાન કરવામાં આવ્યું છે. આ સ્થિતિને ધ્યાને લેતા રાજ્યભરમાં તમામ ૮૦૦ જેટલી ઇમરજન્સી ૧૦૮ની વાનને એલર્ટ રહેવા તાકીદ કરાઇ છે. અમદાવાદમાં ૧૩૦  જેટલી ૧૦૮ની ગાડીઓ તૈનાત રહેશે. ૧૦૮ના સ્ટાફની રજાઓ રદ કરીને તેઓને લોકસેવામાં ખડેપગે રહેવાની સુચના આપી દેવાઇ છે.

ઇમરજન્સી સેવા ૧૦૮ના પૂર્વાનુમાનના આધારે વર્ષ ૨૦૨૧માં  રાજ્યભરમાંથી દિવાળીના દિવસે ૪,૧૩૮ કેસ આવવાની શક્યતા છે. નવા વર્ષના દિવસે ૪,૫૨૫ કેસ અને ભાઇબીજના દિવસે ૪,૭૭૭ કેસ ઇમરજન્સીના આવવાનું અનુમાન છે. હાલમાં સામાન્ય દિવસોમાં રોજના ૩,૫૪૬ કેસ આવતા હોય છે. જેમાં વધારો જોવા મળશે.

દિવાળીના દિવસે વાહન અકસ્માતના કેસમાં ૭૯.૭૯ ટકાનો વધારો રહેશે જે મુજબ ૬૮૫ કેસ નોંધાવાની શક્યતા રહેલી છે. નવા વર્ષમાં ૭૦૯ કેસ અને ભાઇબીજના દિવસે ૯૬૩ કેસ નોંધાશે. દિવાળીની રજાઓ લોકો સહ પરિવાર હરવા-ફરવા જતા હોવાથી વાહન અકસ્માતના કેસ સામાન્ય દિવસ કરતા વધુ નોંધાતા હોય છે. સામાન્ય દિવસોમાં વાહન અકસ્માતના રોજના ૩૮૧ જેટલા કેસ આવતા હોય છે.

પેટમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ભારે તાવ, બેભાન થવું, દાઝી જવાના કેસમાં વધારો જોવા મળશે. જિલ્લાવાર કરાયેલા ફોરકાસ્ટમાં જણાવાયું છેકે અમદાવાદમાં આ વર્ષે દિવાળીના દિવસે ઇમરજન્સીને લગતા ૭૩૦ કેસ નોંધાશે. નવા વર્ષે ૭૮૯ કેસ અને ભાઇબીજના દિવસે ૮૩૦ કેસ નોંધાશે. અમદાવાદમાં અનુક્રમે ૨૧.૬૭ ટકા, ૩૧.૫૦ ટકા અને ૩૮.૩૩ ટકાનો વધારો જોવા મળશે.

ઇમરજન્સી સેવાના અધિકારીઓના જણાવ્યા મુજબ લોકોએ તહેવારના દિવસે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ખાદ્યપદાર્થો ખાવાથી માંડીને ફટાકડા ફોડવા તેમજ બહાર ગામ હરવા-ફરવા જતા સુધી સતર્ક રહેવાની જરૂર છે કે જેથી અકસ્માત સહિતના ઇમરજન્સી કેસો ઘટાડી શકાય.

દિવાળીના દિવસોમાં શું કરવું જોઇએ ?

- દરેકે કોરોનાની રસી લઇ લેવી જોઇએ

- કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવું જોઇએ

- ફટાકડા ફોડતા પહેલા સલામતીને પ્રાધાન્ય આપવું

- કાનની રક્ષા માટે ઓછા અવાજવાળા ફટાકડા ફોડવા જોઇએ

- ઘરની બહાર અને ખુલ્લી જગ્યામાં ફડાકડા ફોડવા

- આખું શરીર ઠંકાય તેવા કોટનના  ટાઇટ કપડા પહેરવા

- ઘરમાં બનાવેલી વાનગીઓ આરોગવી 

- દાઝી જવાના કિસ્સામાં તે ભાગે ઠંડા પાણીથી ૨૦ મિનિટ ધોવો જોઇએ

- ફટાકડા ફોડતી વખતે બુટ-ચંપલ પહેરવા જોઇએ

- સળગેલા તારામંડળ ધાબા પર ફેંકી દેવા જોઇએ

શું ના કરવું જોઇએ ?

- ફેક્ટરી પરિસરમાં ફટાકડા ફોડવા ન જોઇએ

- ફટાડકા ફોડવામાં કાચની બોટલનો ઉપયોગ ન કરવો

- ફટાડકા ફોડતી વખતે સિન્થેટિક કપડા ન પહેરવા જોઇએ

- ફટાકડા ફોડતી વખતે બાળકોને એકલા ન મૂકો

- ફટાકડા ફોડતી વખતે ઝાડ અને વીજ વાયરોથી દુર રહો

- માવા અને કોયાની મીઠાઇ ખાવાનું ટાળો

- અસ્થમાના દર્દીઓએ ઘરની બહાર ન નીકળવું




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3BnADOd
via IFTTT

Comments