એશ્લી બાર્ટી સ્વદેશ પરત ફરી : સિઝનની બાકીની ટુર્નામેન્ટમાં ન રમે તેવી શક્યતા

સીડની, તા.૨૮

મહિલા ટેનિસમાં ટોચનું સ્થાન ધરાવતી ઓસ્ટ્રેલિયાની એશ્લી બાર્ટી આવતા સપ્તાહે યોજાનારી ઈન્ડિયન વેલ્સ ૧૦૦૦ ટુર્નામેન્ટમાંથી ખસી ગઈ છે અને તે સ્વદેશ પરત ફરી છે. જેના કારણે હવે તે ડબલ્યુટીએની સિઝનની બાકીની ટુર્નામેન્ટ્સમાં ભાગ લે તેવી શક્યતા ખુબ જ ઓછી જોવા મળી રહી છે. બાર્ટી હવે પછીનો સમય તેના પરિવાર સાથે વિતાવવાની છે. 

વિમ્બલ્ડન ચેમ્પિયન બનેલી એશ્લી બાર્ટીને યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડયો હતો. જે પછી તેણે ઈન્ડિયન વેલ્સમાંથી નામ પાછું ખેંચી લેતા એવી ચર્ચા શરૃ થઈ છે કે, ૨૫ વર્ષીય ટેનિસ સ્ટાર હવે સિઝનની એક પણ મેચ નહીં રમે. 

બાર્ટીના કોચ ક્રેગ ટાયઝેરે ચાલુ મહિને જ જણાવ્યું હતુ કે, એશ્લી નવેમ્બરમાં યોજાનારી ડબલ્યુટીએ ફાઈનલ્સમાં તેના ટાઈટલને જાળવી રાખવા નહીં ઉતરે. નોંધપાત્ર છે કે, ડબલ્યુટીએ  ફાઈનલ્સ ટુર્નામેન્ટને મેક્સિકોના ગ્યુએડાડાજૅલા ખાતે ખસેડવામાં આવી છે. બાર્ટીની મેનેજર નિક્કી મેથીસે કહ્યું કે, એશ માર્ચ મહિના બાદ પહેલી વખત પરિવારને મળવા માટે પાછી ફરી છે. 

એશ્લી બાર્ટીએ ચાલુ સિઝનમાં પાંચ ડબલ્યુટીએ ટાઈટલ જીત્યા છે. તેણે વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ પણ જીત્યું હતુ. તે ડબલ્યુટીએ ફાઈનલ્સની સાથે પ્રાગુઈમાં તારીખ ૧ થી ૬ નવેમ્બર દરમિયાન યોજાનારી બિલી જેન કિંગ કપની ફાઈનલ્સમાં પણ રમવા માટે નિશ્ચિત નથી.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3D93KX9
via IFTTT

Comments