કોંગ્રેસની દુર્દશા માટે સોનિયા, રાહુલ અને પ્રિયંકા જવાબદાર : નટવરસિંહ


કોઇ વરિષ્ઠ નેતાએ રાહુલના નામથી હુમલો કર્યો હોય એવી પ્રથમ ઘટના

પંજાબના કેપ્ટન અમરિન્દરસિંઘ 52 વર્ષના અનુભવી છે તેમને રાહુલે જ હાંકી કાઢ્યાનો આરોપ

નવી દિલ્હી : કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે એવી થઇ છે. પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ હવે પક્ષ પ્રમુખ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી સામે બળવાના સૂરમાં જાહેરમાં ફરિયાદો કરી રહ્યા છે. 

વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આડકતરી રીતે સોનિયા ગાંધી ઉપર નિશાન તાકતા પક્ષ પ્રમુખની લોકશાહી ઢબે ચૂંટણી કરાવવાની માંગ કરી હતી તેનાથી કોંગ્રેસમાં રાજકીય ગતિવિધી તેજ થઇ ગઇ હતી.

કપિલ સિબ્બલ પછી અન્ય એક વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશમંત્રી નટવરસિંહે પણ ખુલ્લઆમ કહ્યું હતું કે કોંગ્રેસની હાલની દુર્દશા માટે ફક્ત ને ફક્ત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જવાબદાર છે.

ટૂંકમાં કોંગ્રેસના હાઇ કમાન્ડ ઉપર પક્ષમાંથી જ થઇ રહેલા હુમલા અટકવાનું નામ લેતા નથી. નટવરસિંહે કહ્યું હતું કે હાલ કોંગ્રેસમાં કશું જ ઠીક ચાલતુ નથી, અને તેના માટે ત્રણ લોકો જવાબદાર છે જે પૈકી એક વ્યક્તિ છે રાહુલ ગાંધી, કેમ કે રાહુલ ગાંધી પાસે હાલ પક્ષનું કોઇપણ પદ કે હોદ્દો નથી તેમ છતાં પક્ષના તમામ નિર્ણયો તેમના દ્વારા જ લેવાય છે.

નટવરસિંઘે વધુમાં કહ્યું હતું કે હવે કોંગ્રેસ કારોબારીની ન કોઇ મિટિંગ મળે છે કે રાષ્ટ્રીય કારોબારીની કોઇ બેઠક બોલાવવામાં આવે છે. સિંઘે રાહુલ ગાંધી ઉપર પ્રહાર લચાલુ રાખતાં કહ્યું હતું કે 52 વર્ષનો અનુભવ ધરાવતા પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘને રાહુલ ગાંધીએ અપમાનિત કરીને કાઢયા હતા.

કોંગ્રેસની ટોચની નેતાગીરી ઉપર સીધો હુમલો કરતાં નટવરિંઘે કહ્યું હતું કે કોંગ્રેસે કેપ્ટન અમરિન્દરસિંઘની જગ્યાએ એ સિદ્ધુને જવાબદારી સોંપી હતી જે કોઇપણ સમયે કોઇપણ નિર્ણય લઇ શકે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે એકવાર સિદ્ધુએ રાજયસભાના સાંસદપદેથી રાજીનામું આપી દીધું હતું અને બાદમાં રાજ્યસભાના ચેરમેન અને ઉપ-રાષ્ટ્રપતિ હમીદ અન્સારી પાસે જઇને પૂછ્યું હતું કે શું તે તેમનું રાજીનામું પરત ખેંચી શકે છે.

જો કે અન્સારીએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે હવે રાજીનામું પાછુ ખેંચી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કોઇ વરિષ્ઠ નેતાએ રાહુલ ગાંધીનું જાહેરમાં નામ લઇને તેમના ઉપર હુમલો કર્યો હોય એવો આ પ્રથમ પ્રસંગ છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uFxVCh
via IFTTT

Comments