અધિકારીઓને સૂચના આપી છતાં હજી અમદાવાદના ખાડા પુરાતા જ નથી


નઘરોળ તંત્રનો વધુ એક જોરદાર નમૂનો

અણઘડ આયોજનથી ગાંધીબ્રિજ ઉપર એક તરફ સમારકામની કામગીરીથી સર્જાતી ટ્રાફિક જામની સ્થિતિ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ નવરાત્રી પર્વ પહેલા શહેરના રસ્તાઓ ઉપર પડેલા તમામ ખાડા પુરવા તંત્રના અધિકારીઓને એક સપ્તાહ પહેલા સુચના આપી હતી.

આ સુચનાનો તંત્રે અમલ ન કરતા શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓને લઈ લોકોમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે.ભરચોમાસામાં ગાંધીબ્રીજના એક તરફની બાજુએ સમારકામની કામગીરી ચાલતી હોવાથી બ્રીજ ઉપર વરસાદી પાણી ભરાઈ જાય છે.

આ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી ના હોવાથી અનેક નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે.ગાંધીબ્રીજ ઉપર ટ્રાફિક જામની સ્થિતિમાં વાહનચાલકો લાંબા સમય સુધી અટવાઈ પડે છે. આ પરિસ્થિતિ અસહ્ય બનતા હવે શહેરીજનો તંત્ર અને સત્તાધીશો ઉપર પસ્તાળ પાડી રહ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ,સરકારની ગાઈડ લાઈન મુજબ,દર વર્ષે 15 જુનથી ચોમાસુ પુરૂ ના થાય ત્યાં સુધી રોડ-રસ્તા કે અન્ય કોઈ પણ કામો હાથ ધરવાના હોતા નથી.આમ છતાં પહેલા સુભાષબ્રીજ બાદમાં નહેરૂબ્રીજના સમારકામ બાદ હવે હાલ ગાંધીબ્રીજની એક તરફ સમારકામની કામગીરી ચાલી રહી છે.

ચોમાસામાં બ્રીજનું સમારકામ ચાલવાના કારણે સામાન્ય અડધા ઈંચ વરસાદમાં પણ બ્રીજ ઉપર વરસાદી પાણી ભરાઈ જાય છે.બ્રીજ ઉપર માત્ર એક તરફનો જ વાહનવ્યવહાર ચાલતો હોવાના કારણે બુધવારે સાંજે સામાન્ય વરસાદમાં અનેક ટુ વ્હીલરના ચાલકો પડી જતા અકસ્માતનો ભોગ બન્યા હોવાનું જાણવા મળે છે.

દરમ્યાન ફોર વ્હીલર ચાલકે આ પરિસ્થિતિમાં નીકળવાનો પ્રયાસ કરતા બ્રીજ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાવા પામી હતી. મ્યુનિસિપલ તંત્રની બેદરકારીના કારણે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં ના આવી હોવાથી વાહનચાલકોમાં તંત્રની બેદરકારી સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

આ પ્રકારની પરિસ્થિતિ વાસણાથી પાલડી વાળા બ્રીજ ઉપર પણ જોવા મળે છે.શહેરના એસ.જી.હાઈવેથી ગોદરેજ ગાર્ડન સુધીના રસ્તા ઉપર છેલ્લા અઢી વર્ષથી રોડની કામગીરી ચાલી રહી છે જે હજુ પુરી થઈ નથી.જયારે ગોદરેજ ચાર રસ્તાથી જી.એસ.ટી. ચાર રસ્તા તરફનો રસ્તો ભારે વરસાદના કારણે ગાબડાવાળો રોડ બની ગયો છે એટલું જ નહીં બંને તરફ ગટરો ઉભરાઈ રહી છે.

સોશિયલ મિડિયા ઉપર બિસ્માર રસ્તાઓને લઈ કોમેન્ટ્સ શરૂ થઈ

વર્ષ-2017માં શહેરના રસ્તાઓ બિસ્માર બનતા જે પ્રમાણે શહેરીજનોએ સોશિયલ મિડીયા ઉપર કોમેન્ટ્સ શરૂ કરી હતી.એ જ પ્રકારની કોમેન્ટો આ વખતે પણ શરૂ થવા પામી છે.એક કોમેન્ટ જે ખુબ વાઈરલ થવા પામી છે તેમાં રોડના ખાડાથી કંટાળીને કંટાળીને તેના માલિકને કહ્યુ, તેડી લો ને...



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zYFuF5
via IFTTT

Comments