તળાજા કોર્ટમાં ભરાયેલ વરસાદી પાણી જ્યાં સુધી નહી હટે ત્યાં સુધી કોર્ટ કાર્યવાહીથી વકીલો દુર


- તળાજા બાર એસો.એ ઠરાવ કર્યો

- કર્મચારી, વકીલ, પક્ષકારો, સાક્ષીઓ સહિતનાને આવન-જાવનમાં ભારે મુશ્કેલી

તળાજા : તળાજા ન્યાય મંદિરના પ્રવેશ દ્વાર પર છેલ્લા પાંચ દિવસથી વરસાદી પાણીનો નિકાલ નહી થતા કર્મચારી, પક્ષકારો, વકીલો સહિતનાને પારાવાર મુશ્કેલી ભોગવવી પડતી હોય તળાજા બાર એસો.એ ઠરાવ કરી આ વરસાદી પાણી દુર નહી થાય ત્યાં સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવા નિર્ણય કર્યો હતો.

તળાજા મુકામે ન્યાય કોર્ટના પ્રવેશદ્વાર વાળા ભાગમાં દર ચોમાસામાં જ્યારે વધારે વરસાદ આવે છે ત્યારે મોટા પ્રમાણમાં પાણી ભરાઇ રહે છે. તથા આ પાણીનો વ્યાપ તથા વિસ્તાર ઘણો હોય છે. છેલ્લા ૮ દિવસથી સતત વરસી રહેલ વરસાદના કારણે કોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર વાળા ભાગમાં અંદાજે દોઢથી બે ફુટ સુધીનું પાણી ભરાતા છેલ્લા પાંચ દિવસથી સંપુર્ણ રીતે પાણીનો નીકાલ થયેલ નથી તથા અત્યારે પણ એક ફુટ જેટલું પાણી ૫૦ મીટરના પરીઘથી ફેલાયેલ છે, તેથી કોર્ટ સંકુલમાં આવવા માટે પક્ષકારોને સાક્ષીઓને, ન્યાયાધીશ સાહેબોને ન્યાય કોર્ટના કર્મચારી ગણને તેમજ વકિલોને ન્યાયકોર્ટમાં દાખલ થવામાં ખુબ જ મુશ્કેલી ઉભી થાય છે. જમા થયેલ પાણીમાં વાડી વિસ્તાર કાંઠાના કારણે જીવજંતુ તથા અન્ય ઝેરી જીવડાઓ કોઇ પક્ષકારને કરડે તો વધારે મુશ્કેલી ઉભી થાય તેવા સંજોગો ઉભા થયા છે. ત્યારે જ્યાં સુધી કોર્ટ સંકુલના આગળના ભાગમાં ૫૦ મીટર સુધી અંદાજે ૧ ફુટથી ઉંડા પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી કોર્ટમાં આવતા પક્ષકારોની સલામતી માટે કોર્ટ સંકુલમાં ન તે વધારે ઉચિત છે તેથી તળાજા વકિલ મંડળ જ્યાં સુધી ન્યાય સંકુલમાં ભરાયેલ પાણી દુર ન થાય ત્યાં સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય કરેલ છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CU6hnP
via IFTTT

Comments