ટ્રેનના કોચ શન્ટિંગ સમયે અકસ્માત, 4 જણ ઘાયલ


- વેરાવળ નોન-ઈન્ટરલોક યાર્ડમાં મોકડ્રીલ યોજાઈ

- એનડીઆરએફના ઈન્સ્પેક્ટર સહિત 187 રેલવે અધિકારી-કર્મચારી દોડી ગયા, એમ્બ્યુલન્સ-રાહત ટ્રેન બોલાવાઈ

ભાવનગર : ભાવનગર રેલવે મંડળના વેરાવળ નોન-ઈન્ટરલોક યાર્ડમાં શન્ટિંગ દરમિયાન એક પેસેન્જર કોચ બીજા કોચ સાથે અથડાતા અકસ્માત સર્જાયાની મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં ચાર મુસાફર ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડવામાં અવાયા હતા.

વેરાવળના નોન-ઈન્ટરલોક યાર્ડમાં ટ્રેનનો કોચ શન્ટિંગ દરમિયાન અન્ય કોચ અથડાવવાની ઘટના બની હોવાની વેરાવળ સ્ટેશન પર સવારે ૧૦-૪૭ કલાકે જાણ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં ચાર મુસાફર ઘાયલ થતાં ફરજ પરના સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટે કંટ્રોલ સહિત અન્ય વિભાગોના કર્મચારીઓને તાત્કાલિક જાણ કરી એમ્બ્યુલન્સ અને અકસ્માત રાહત ટ્રેન બોલાવવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને કોચમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર સ્થળ પર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરાઈ હતી.

ભાવનગર મંડળના એડિશનલ ડિવિઝનલ રેલવ મેનેજર સુનિલ બારપત્રેની ઉપસ્થિતિ અને વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી અજીતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળમાં યોજાયેલી આ મોકડ્રીલમાં એનડીઆરએફ ટીમના ઇન્સ્પેક્ટર રાજેશકુમાર મીણાએ અકસ્માત સ્થળે મુસાફરોને કેવી રીતે બચાવવા અને બચાવ દરમિયાન ટીમને કઈ સાવચેતી રાખવી જોઈએ ? તે વિશે વિગતવાર સમજણ આપી હતી. મોકડ્રીલમાં ૯ અધિકારી ૯, ઓપરેટિંગના ૨૨, ટેલિકોમના ૧૨, સિગ્નલના ૮, એન્જિનિયરિંગના ૨૫, ઇલેક્ટ્રિકના ૧૨, મેડીકલના ૧૨, રેલવે પ્રોટેક્શન ફોર્સના ૧૬, કોચિંગ ડેપોના ૩૬, એનડીઆરએફ ટીમના ૨૨, કોમર્સના ૪, લોકોમોટિવ વિભાગના ૪ અને  રેલવે સુરક્ષા વિભાગના ૫ કર્મચારી અને અકસ્માત રાહત ટ્રેનના કર્મચારીઓએ ભાગ લીધો હતો.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39LTYgI
via IFTTT

Comments