પૂર્વ અમદાવાદમાં 30 ટકાથી વધુ રબરના લધુ ઉદ્યોગો બંધ થવાના આરે

અમદાવાદ,તા.30 સપ્ટેમ્બર 2021, ગુરૂવાર

કોરોનાકાળ અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિમાં રબર ઉદ્યોગને માઠી અસર પહોંચી છે. છેલ્લા ચાર માસથી કાચા માલમાં થયેલા ભાવવધારાના કારણે રબરના લધુ ઉદ્યોગો મરણપથારીએ આવી ગયા છે. પૂર્વ અમદાવાદમાં ૭૦૦ થી વધુ રબરના કારખાના આવેલા છે જ્યાં સાતેક હજાર કારીગરો રોજગારી મેળવી રહ્યા છે. કાચામાલમાં ભાવ વધારાની સ્થિતિ હજુ છ મહિના રહી તો ૩૦ ટકાથી વધુ લધુ ઉદ્યોગો બંધ થઇ જવાની ભીતિ સેવાઇ રહી છે. આ સ્થિતિમાં રોજગારીનો મોટો પ્રશ્ન સર્જાશે. હાલમાં કામદારો અનિયમિત પગાર, ઓછું કામ સહિતની હાલાકી ભોગવી રહ્યા છે. બીજી બાજુ ધંધો ચોપટ થઇ જતા કારખાનેદારોની આર્થિક હાલત પણ કફોડી બની જવા પામી છે.

પૂર્વ અમદાવાદમાં અમરાઇવાડી, વટવા , નારોલ, રખિયાલ, બાપુનગર, નરોડા, ઓઢવ, કઠવાડા સહિતના વિસ્તારોમાં રબરના આશરે ૭૦૦થી વધુ  લધુ ઉદ્યોગો આવેલા છે. આ કારખાનાઓમાં હાલમાં  ભારે મંદીનો માહોલ છવાયેલો છે. 

આ અંગે રબર મેન્યુફેક્ચર્સ વેલ્ફેર એશોશિએશનના પ્રમુખ રાજેન્દ્ર શાહના જણાવ્યા મુજબ કાચામાલના ભાવમાં ૭ થી ૮ ગણો ભાવ વધારો થયો છે. દરિયાઇ માર્ગે આવતા કન્ટેનરના ભાડા કે જે પહેલા ૪૦૦ ડોલર હતા તેના હાલમાં વધીને ૪,૨૦૦ ડોલર થઇ ગયા છે. ચીનમાં ચાલી રહેલી આંતરિક ઉથલપાથલના લીધે રબરના કાચામાલની તંગી સર્જાઇ છે. આ સ્થિતિમાં ભારતીય રબર ઉદ્યોગ માટે કપરા દિવસો આવ્યા છે.

ઉપપ્રમુખ પિયુશ શાહના જણાવ્યા મુજબ સરકારે જીએસટીમાં રાહત આપવી જોઇએ. હાલમાં દર મહિને જીએસટી ભરવું પડી રહ્યું છે. સરકારે દર ત્રણ મહિને જીએસટી લેવું જોઇએ તો  આ ઉદ્યોગને થોડી રાહત મળી શકે તેમ છે. વેપારીઓના પૈસા ૯૦ અથવા ૧૨૦ દિવસે આવતા હોય છે આ સ્થિતિમાં પગાર, લાઇટબીલ, ભાડુ ઉપરાંત જીએસટીના ખર્ચા કાઢવા મુશ્કેલ બની ગયા છે. બીજી બાજુ સ્પર્ધાત્મક વાતાવરણને લીધે પણ લધુ ઉદ્યોગો ધંધો ગુમાવી રહ્યા છે.

રબરના કાચા માલ, કાચુ રબર,રબર કેમિકલ્સ, રબર મિનરલ્સના અસહ્ય ભાવ વધારાના કારણે લઘુ ઉદ્યોગો મુશ્કેલીમાં આવી ગયા છે. સામે પક્ષે લઘુ ઉદ્યોગોને તૈયાર માલમાં ભાવ વધારો મળી રહ્યો નથી. કાચા માલના ભાવ વધ્યા પરંતુ તૈયાર માલના ભાવ યથાવત જ રહ્યા હોવાથી બજારમાં મુશ્કેલી ઉભી થઇ ગઇ છે.

ભારતમાં કુદરતી રબર સિવાય સિન્થેટિક રબર અને તેના કેમિકલ્સ મોટાભાગે આયાત કરવા પડી રહ્યા છે. શિપિંગ રેટ વધ્યા, ચીનમાં પ્રદુષણ, કોલસાની અછતને લઇને પાવર સપ્લાયનો પ્રશ્ન સર્જાતા કાચા માલની ભારે તંગી સર્જાઇ છે જેના કારણે આયાતમાં ઘટાડો નોંધાયો છે.ટેક્સટાઇલ્સ, ફાર્માસીટીકલ્સ અને પ્લાસ્ટિક સહિતના ઉદ્યોગોમાં રબરનો મોટાપાયે ઉપયોગ થતો હોય છે. ગુજરાતમાં વાપી, સુરત, અંકલેશ્વર, રાજકોટ, જામનગર, મહેસાણા, વડોદરામાં રબર ઉદ્યોગ આવેલા છે રાજ્યમાં ૨૫ હજારથી વધુ કારીગરો આ ઉદ્યોગ થકી રોજી મેળવી રહ્યા છે.

રબર-કેમિકલ્સના કાચા માલમાં 300 ટકા સુધીનો વધારો થયો

રબર મેન્યુફેક્ચર્સ વેલ્ફેર એશોશિએશનના સેક્રેટરી પરીન શેઠના મતે કાચા માલમાં ૨૫ થી લઇને ૩૦૦ ટકા સુધીનો તોતિંગ ભાવ વધારો થયો છે. સિલિકોન રબરમાં ૩૦૦ ટકા, નાઇટ્રાઇલ રબર, નિયોપ્રીન રબર, ઇપીડીએમ રબરમાં ૧૦૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

કેમિકલ્સમાં કાર્બનમાં ૩૦ ટકા, ડીસીપી ૯૮માં ૪૦ ટકા, ટીએમટીમાં ૩૦ ટકા, એમબીટીમાં ૩૦ ટકા, સલ્ફરમાં ૨૫ ટકા, એનએ-૨૨માં ૫૦ ટકા અને એમજીઓમાં ૬૦ ટકા સુધીનો ભારે ભાવ વધારો થયો છે. ભારત સરકારે આયાત ડયુંટી ઘટાડવી જોઇએ. લોકલ ઉત્પાદકોના ભાવમાં નિયંત્રણો મુકવા જોઇએ.





from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wt7t1P
via IFTTT

Comments