ટ્રેડરોને બન્ને તરફી સ્ટોપલોસ ટ્રીગર કરાવી ખુવાર કરવાનો ખેલાઈ રહેલો ખેલ
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ : વૈશ્વિક એનજી ક્રાઈસીસમાં ચાઈના અને યુરોપના દેશો સપડાતાં વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર પડવાના એંધાણ અને એના પરિણામે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થઈ રહેલા વધારાની નેગેટીવ અસર આજે સતત બીજા દિવસે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં જોવાઈ હતી. અલબત ચાઈનામાં કોલસા, ફયુલ-પાવર સહિતની અછતની પરિસ્થિતિએ વિવિધ ઉદ્યોગોમાં ફેકટરીઓ બંધ કરવાની ફરજ પડતાં ભારતીય સ્ટીલ, માઈનીંગ કંપનીઓને ફાયદો થવાના અંદાજોએ આજે ફંડોએ મેટલ-માઈનીંગ, પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં મોટી ખરીદી કરી હતી. પરંતુ પ્રવર્તમાન વૈશ્વિક કટોકટીની પરિસ્થિતિ ભારત માટે હંગામી ફાયદો કરાવનારી નીવડી મધ્યમ થી લાંબાગાળા માટે મંદીની પરિસ્થિતિ ઊભી કરે અને વિવિધ ઉદ્યોગોમાં કાચા માલોની મોટી અછત ઊભી થવાની પરિસ્થિતિમાં ભારતીય ઉદ્યોગો પર મંદીમાં સરી પડવાની શકયતાએ ફંડોએ સાવચેતીમાં ઉછાળે શેરોમાં તેજીનો વેપાર હળવો કરવાનું પસંદ કર્યું હતું. વૈશ્વિક બજારોમાં ગઈકાલે અમેરિકી શેર બજારોમાં ડાઉ જોન્સના ૫૬૯ પોઈન્ટના કડાકા સાથે આજે એશીયાના દેશોના બજારોમાં અપેક્ષિત આરંભિક ધોવાણમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૬૪૦ પોઈન્ટ તૂટી આવ્યા સાથે અન્ય બજારોમાં ધોવાણ થયા બાદ યુરોપના બજારોમાં રિકવરી સાથે અમેરિકી બજારોમાં ફયુચર્સમાં રિકવરી જોવાતાં ભારતીય શેર બજારોમાં ઘટાડે શોર્ટ કવરિંગ થયું હતું. અલબત આજે સતત બીજા દિવસે અફડાતફડી સાથે ડેરિવેટીવ્ઝમાં આવતીકાલે ગુરૂવારે સપ્ટેમ્બર વલણના અંત પૂર્વે અફડાતફડી ચાલુ રહી આજે આરંભિક કડાકા બાદ બજાર પોઝિટીવ ઝોનમાં આવી જઈ અંતે ફરી ધોવાણે નેગેટીવ ઝોનમાં આવી ગયું હતું. સેન્સેક્સ અંતે ૨૫૪.૩૩ પોઈન્ટ ઘટીને ૫૯૪૧૩.૨૭ અને નિફટી સ્પોટ ૩૭.૩૦ પોઈન્ટ ઘટીને ૧૭૭૧૧.૩૦ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ આરંભિક કડાકામાં તૂટીને ૫૯૧૧૧ સુધી આવી વધીને ૫૯૬૭૮ સુધી જઈ અંતે ૨૫૪ પોઈન્ટ ઘટીને ૫૯૪૧૩
ટ્રેડીંગની શરૂઆત આજે વૈશ્વિક બજારો પાછળ નરમાઈએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૫૯૬૬૭.૬૦ સામે ૫૯૨૯૬.૫૪ મથાળે ખુલીને આરંભમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એચડીએફસી લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ સહિતમાં ઓફલોડિંગ અને હિન્દુસ્તાન યુનિલિવર, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશીયન પેઈન્ટસ, લાર્સન એન્ડ ટુબ્રો, મારૂતી સુઝુકી, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, નેસ્લે ઈન્ડિયા, બજાજ ઓટો, ભારતી એરટેલ સહિતમાં વેચવાલીએ એક સમયે ૫૬૫.૧૯ પોઈન્ટ તૂટીને નીચામાં ૫૯૧૧૧.૪૧ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળેથી ફંડોની પાવર, મેટલ-માઈનીંગ શેરો એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ, ટાટા સ્ટીલ સાથે સ્ટેટ બેંક ઓફ ીઈન્ડિયા, સન ફાર્મા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, એચસીએલ ટેકનોલોજી, ટીસીએસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઈટન કંપની, ઈન્ફોસીસ, આઈટીસી સહિતમાં લેવાલી થતાં અને અન્ય શેરોમાં શોર્ટ કવરિંગે ઘટાડો પચાવીને એક સમયે વધીને ૫૯૬૭૮.૬૬ સુધી પહોંચ્યો હતો. જે ફરી ફંડોના હેવીવેઈટ શેરોમાં ઓફલોડિંગે અંતે ૨૫૪.૩૩ પોઈન્ટ ઘટીને ૫૯૪૧૩.૨૭ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ આરંભિક ધોવાણમાં ૧૭૬૦૮ સુધી આવી વધીને ૧૭૭૮૧ સુધી જઈ અંતે ૩૭ પોઈન્ટ ઘટીને ૧૭૭૧૧
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૭૭૪૮.૬૦ સામે ૧૭૬૫૭.૯૫ મથાળે ખુલીને આરંભમાં ફંડોના ઓફલોડિંગમાં એચડીએફસી લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ સહિત ઘટી આવતાં અને હિન્દુસ્તાન યુનિલિવર, અલ્ટ્રાટેક સિમેન્ટસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એશીયન પેઈન્ટસ, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો સહિત ઘટી આવતાં એક સમયે૧૪૦.૪૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૧૭૬૦૮.૧૫ સુધી આવી ગયો હતો. જે ઘટયા મથાળે ફંડોની પાવર, મેટલ-માઈનીંગ શેરો અને ઓઈલ-ગેસ શેરોમાં તેમ જ પસંદગીના ફાર્મા શેરોમાં લેવાલી નીકળતાં એનટીપીસી, કોલ ઈન્ડયિા, પાવર ગ્રીડ કોર્પ, ઓએનજીસી, આઈઓસી, હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, સિપ્લા, સન ફાર્મા, બીપીસીએલ, ગ્રાસીમ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વધી આવતાં નિફટી ઘટાડો પચાવી ઉપરમાં ૧૭૭૮૧.૭૫ સુધી પહોંચી અંતે ફરી નેગેટીવ ઝોનમાં આવી જઈ અંતે ૩૭.૩૦ પોઈન્ટ ઘટીને ૧૭૭૧૧.૩૦ બંધ રહ્યો હતો.
સપ્ટેમ્બર વલણના અંત પૂર્વે નિફટી ફયુચર ૧૭૭૪૮ થી ઘટીને ૧૭૭૧૦ : બેંક નિફટી ફયુચર ૩૮૦૪૪ થી ઘટીને ૩૭૮૭૯
ડેરિવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના આવતીકાલે ગુરૂવારે અંત પૂર્વે આજે અપેક્ષિત મોટી ઉથલપાથલ ચાલુ રહી ટ્રેડરોના બન્ને તરફી સ્ટોપલોસ ટ્રીગર કરાવતી અફડાતફડી બોલાવાઈ હતી. નિફટી સપ્ટેમ્બર ફયુચર ૧૭૭૪૮.૨૦ સામે ૧૭૬૬૯ મથાળે ખુલીને નીચામાં ૧૭૬૧૩.૦૫ થઈ વધીને ૧૭૭૯૪.૦૫ સુધી પહોંચી અંતે ૧૭૭૧૦.૩૫ રહ્યો હતો. બેંક નિફટી સપ્ટેમ્બર ફયુચર ૩૮૦૪૪.૧૫ સામે ૩૭૬૭૫.૬૫ મથાળે ખુલીને નીચામાં ૩૭૩૯૨.૬૫ સુધી આવી વધીને ૩૮૦૪૮.૮૫ સુધી પહોંચી અંતે ૩૭૮૭૯.૪૦ રહ્યો હતો.
ચાઈના પાવર કટોકટીએ પાવર શેરોમાં તેજી : ટાટા પાવર રૂ.૧૨ વધીને રૂ.૧૫૨ : એનટીપીસી રૂ.૯ વધીને રૂ.૧૪૦
ચાઈનામાં પાવર-વીજળીની મોટી અછત સર્જાતાં ભારતમાં ઉદ્યોગોની પાવરની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષા સાથે આજે પાવર ઉત્પાદન કરતી કંપનીઓના શેરોમાં ફંડોની મોટી ખરીદી નીકળી હતી. બીએસઈ પાવર ઈન્ડેક્સ ૧૦૮.૩૧ પોઈન્ટ વધીને ૩૧૮૨.૭૨ બંધ રહ્યો હતો. ટાટા પાવર રૂ.૧૧.૬૦ વધીને રૂ.૧૫૧.૬૫, એનટીપીસી રૂ.૮.૬૦ વધીને રૂ.૧૪૦.૫૫, પાવર ગ્રીડ કોર્પ રૂ.૧૧.૩૫ વધીને રૂ.૧૯૫.૧૦, સીઈએસસી રૂ.૪.૪૦ વધીને રૂ.૮૬.૬૦, ભેલ રૂ.૨.૨૫ વધીને રૂ.૬૨.૮૦, ટોરન્ટ પાવર રૂ.૧૨.૭૫ વધીને રૂ.૫૧૬.૪૫ રહ્યા હતા.
કોલસાની ચાઈનમાં અછતે માઈનીંગ શેરોમાં તેજી : કોલ ઈન્ડિયા રૂ.૧૯૭ બોલાયો : જિન્દાલ સ્ટીલ, સેઈલ, હિન્દાલ્કો વધ્યા
ચાઈનામાં કોલસાની અછત સર્જાતાં સ્ટીલ, મેટલ સહિતની ઘણી ફેકટરીઓ બંધ પડી રહી હોઈ ભારતીય સ્ટીલ, મેટલ કંપનીઓના ઉત્પાદન માંગ વધવાના અંદાજોએ કોલસાની માંગ પણ વધવાના અંદાજોએ આજે કોલ, મેટલ-માઈનીંગ કંપનીઓના શેેરોમાં ફંડોએ તેજી કરી હતી. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૯૩.૬૯ પોઈન્ટ વધીને ૨૦૩૬૬.૩૯ બંધ રહ્યો હતો. કોલ ઈન્ડિયા રૂ.૧૯૭ સ્પર્શી અંતે રૂ.૧૧.૨૦ વધીને રૂ.૧૮૫.૭૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૧.૨૦ વધીને રૂ.૩૮૨.૪૫, સેઈલ રૂ.૪.૧૫ વધીને રૂ.૧૧૪.૫૦, હિન્દાલ્કો રૂ.૧૫.૮૫ વધીને રૂ.૪૯૪.૧૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૯.૨૫ વધીને રૂ.૬૭૯.૯૦, એનએમડીસી રૂ.૨.૪૫ વધીને રૂ.૧૪૨.૯૫, ટાટા સ્ટીલ રૂ.૧૪.૮૫ વધીને રૂ.૧૨૯૫.૫૦ રહ્યા હતા.
બેંકેક્સ ૨૩૩ પોઈન્ટ ઘટયા : કોટક બેંક રૂ.૩૬ ઘટીને રૂ.૨૦૩૦ : એચડીએફસી, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૩૩.૩૦ પોઈન્ટ ઘટીને ૪૩૧૫૪.૮૨ બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૬.૧૫ ઘટીને રૂ.૨૦૩૦.૯૫, એચડીએફસી બેંક રૂ.૨૨.૭૫ ઘટીને રૂ.૧૫૯૩.૨૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૭.૨૫ ઘટીને રૂ.૭૦૯.૭૫, એક્સિસ બેંક રૂ.૭.૫૦ ઘટીને રૂ.૭૮૧.૪૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૯.૪૫ ઘટીને રૂ.૧૧૨૩.૬૫ રહ્યા હતા. એચડીએફસી લિમિટેડ રૂ.૫૭.૩૦ ઘટીને રૂ.૨૭૪૬.૯૦, એચડીએફસી એએમસી રૂ.૧૭૦.૬૦ ઘટીને રૂ.૨૯૦૫.૦૫, જીઆઈસી રી રૂ.૪.૭૦ ઘટીને રૂ.૧૩૭.૯૫, ક્રેડિટ એક્સેસ રૂ.૧૫.૧૦ ઘટીને રૂ.૬૨૪.૩૦, બજાજ હોલ્ડિંગ રૂ.૧૦૮.૫૫ ઘટીને રૂ.૪૬૮૯.૬૦, આઈઆઈએફએલ સિક્યુરિટીઝ રૂ.૨.૩૦ ઘટીને રૂ.૯૯.૫૦, શ્રીરામ સિટી યુનિયન રૂ.૪૩.૪૦ ઘટીને રૂ.૨૦૮૭.૨૫ રહ્યા હતા.
ક્રુડ ઓઈલ ૭૯ ડોલર નજીક મજબૂત : આઈઓસી રૂ.૫ વધીને રૂ.૧૨૭ : ઓએેનજીસી, એચપીસીએલ, બીપીસીએલ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત મજબૂત જળવાઈ રહી બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૭૮.૮૫ ડોલર નજીક રહ્યા હતા. ચાઈનામાં પાવર-ગેસ અછતે એડવાન્ટેજ ભારતીય કંપનીઓને રહેવાના અંદાજોએ આજે ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. આઈઓસી રૂ.૪.૫૦ વધીને રૂ.૧૨૭.૫૦, એચપીસીએલ રૂ.૭.૮૫ વધીને રૂ.૨૯૯.૬૫, ઓએનજીસી રૂ.૨.૫૦ વધીને રૂ.૧૪૪.૭૫, બીપીસીએલ રૂ.૭.૦૫ વધીને રૂ.૪૩૬.૬૦, ગુજરાત ગેસ રૂ.૭.૯૫ વધીને રૂ.૬૨૫.૦૫, અદાણી ટોટલ ગેસ રૂ.૧૩.૩૦ વધીને રૂ.૧૪૧૪.૨૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૨ વધીને રૂ.૫૧૮.૮૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ વધતાં માર્કેટબ્રેેથ પોઝિટીવ : ૧૮૫૪ શેરો પોઝિટીવ : ૩૪૭ શેરોમાં તેજીની સર્કિટ
સેન્સેક્સ, નિફટી બેઝડ અફડાતફડીના અંતે સતત નરમાઈ છતાં સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, મહારથીઓથીઓ, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું ઘટાડે વેલ્યુબાઈંગ વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં ટ્રેડીંગ થયેલી કુલ ૩૪૩૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૫૪ અને ઘટનારની સંખ્યા ૧૪૩૨ રહી હતી. ૩૪૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ સામે ૧૫૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩૪ હજાર કરોડ વધીને રૂ.૨૬૦.૦૧ લાખ કરોડ પહોંચ્યું
સેન્સેક્સ, નિફટી બેઝડ નરમાઈ છતાં આજે સ્મોલ, મિડ કેપ, કેશ માર્કેટ શેરોમાં ફંડોની આજે વ્યાપક લેવાલીના પરિણામે રોકાણકારોની સંપતિ-બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩૪ હજાર કરોડ વધીને રૂ.૨૬૦.૦૧ લાખ કરોડ પહોંચ્યું હતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kUOmY6
via IFTTT
Comments
Post a Comment