કેપ્ટન અમરિન્દરે પણ આ તોડફોડને વખોડી નાંખી
ગુંડાગર્દી કરનારા કોંગ્રેસના કાર્યકરો સામે આકરા પગલાં લેવા સોનિયા ગાંધી સમક્ષ આ નેતાઓએ માંગ કરી
નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલપના ઘરની બહાર થયેલા વિરોધ પ્રદર્શનને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માએ ગુરૂવારે આકરા શબ્દોમાં વખોડી નાંખ્યું હતું અને આ વિરોધ પ્રદર્શનને કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરાયેલી સુનિયોજિત ગુંડાગર્દી સાથે સરખાવ્યું હતું.
આ નેતાઓએ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા કોંગ્રેસના કાર્યકરો સામે આકરાં પગલાં લેવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે કપિલ સિબ્બલે કોંગ્રેસ પક્ષની કામ કરવાની પદ્ધતિની આલોચના કરી હતી અને કોંગ્રેસમાં કોઇ ચૂંટાયેલા પ્રમુખ ન હોવા અંગે જાહેરમાં પોતાની વ્યથા ઠાલવી હતી જેના વિરઓધમાં કેટલાંક કાર્યકરોએ સિબ્બલના ઘર સામે ભારે વિરોધ કરવા સાથે તેમની ગાડીના કાચ પણ તોડી નાંખ્યા હતા.
અમરિન્દર સિંઘે પણ સિબ્બલના ઘર સામે થયેલા વિરોધ પ્રદર્શનની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે સિબ્બલને કોંગ્રેસ હાઇકમાન્ડને પસંદ ન હોય એવો પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો તે બદલ તેમના ઘર ઉપર હુમલો કરાયો હતો.
કોંગ્રેસ માટે આ બધુ સારૂ થઇ રહ્યું નથી એમ કેપ્ટન અમરિન્દરે કહ્યું હતું. રાજ્યસભાના કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદે પણ કોંગ્રેસ કાર્યકરો દ્વારા કરાયેલી સુનિયોજિત ગુંડાગર્દીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. કપિલ સિબ્બલ કોંગ્રેસના એક અત્યંત વફાદાર કાર્યકર છે. તે પક્ષ માટે સંસદની અંદર અને બહાર એમ બંને જગ્યાએ લડતા હોય છે.
પક્ષના કોઇપણ નેતા તરફથી કોઇ સૂચન કરવામાં આવે તો તેને દબાવી દેવાની જગ્યાએ તેને આવકારવું જોઇએ, અને બીજું કે ગુંડાગર્દીની પ્રવૃત્તિ તો સહેજપણ સ્વિકાર્ય ન હોવી જોઇએ એમ કપિલ સિબ્બલની સાથે ગણાતા જી23 પૈકીના એક નેતા આઝાદે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર ટ્વિટ કરીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો.
યાદ રહે કે કોંગ્રેસમાં જી-23 તરીકે ઓળખાતા આ નેતાઓએ ગત વર્ષે પક્ષના પ્રમુખ સોનિયા ગાંધીને એક પત્ર લખીને પક્ષમાં પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોની લોકશાહી ઢબે ચૂંટણી કરાવવાની જાહેરમાં માંગ કરી હતી, અને ત્યારથી જ આ તમામ નેતાઓને સોનિયા ગાંધી બળવાખોર નેતાઓ ગણે છે. અલગ ્લગ મંતવ્ય અને અભિપ્રાયો એ તો લોકશાહીનો એક અખંડ હિસ્સો છે પરંતુ હિંસા અને ગુંડાગર્દી એ કોંગ્રેસના મૂલ્યોથી તદ્દન વિરૂદ્ધ છે એમ જી-23ના અન્ય નેતા આનંદ શર્માએ કહ્યું હતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kUQrmE
via IFTTT
Comments
Post a Comment