બિલ્ડર બી-સફલ ગૂ્રપના રાજુ બ્રહ્મભટ્ટ અને અન્યના 22 સ્થળે ITના દરોડા


અશોક અગ્રવાલ, મનીષ શાહ અને હિમાંશુ પટેલ પણ આઇટીની ઝપટમાં : લેન્ડ ડીલર પ્રવીણ બવાળિયા પર પણ દરોડા

ઑફિસરોને 22 અલગ અલગ લૉકેશન પર બોલાવી  દરોડાના સ્થળે રવાના કર્યા

અમદાવાદ : આવકવેરા ખાતાએ આજે બપોરે અગિયાર વાગ્યે અમદાવાદના બિલ્ડર ગુ્રપ બી-સફલના પ્રમોટર રાજેશ બ્રહ્મભટ્ટ અને તેની કંપનીના ડિરેક્ટરો તથા ટોચના અધિકારીઓના ઘર સહિત 22 સ્થળોએ દરોડા પાડયા હતા. બોડકદેવમાં પકવૈાન ચાર રસ્તા નજીક સિંધુભવન રોડ તરફ આવેલી બી-સફલની ઑફિસ પર બપોરે બાર વાગ્યાથી દરોડા શરૂ કરવામાં આવ્યા હતા.

તદુપરાંત પ્રવીણ બવાળિયા નામના લેન્ડ ડીલરના રાજપથ ક્લબની પાછળ આવેલા નિવાસસ્થાને પણ દરોડો પાડવામાં આવ્યો હતો. તેમ જ પ્રવીણ બવાળિયાની ગુરૂકુળ સ્થિત ઑફિસ પર પણ દરોડો પાડવામાં આવ્યો હતો. અશોક અગ્રવાલ બી-સફલના પ્રમોટરનો પાર્ટનર હોવાનું જણાય છે. સિટી એસ્ટેટ મેનેજમેન્ટના નામે તે ઑફિસ ચલાવે છે. દરોડામાં આ ઑફિસ પણ કવર કરવામાં આવી છે.

ડ્રાઈવ-ઇન થિયેટર પાસેના અશોક અગ્રવાલના નિવાસસ્થાન પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા કચેરીએ દરોડાની માહિતી અગાઉથી લીક ન થઈ જાય તે માટે દરેક અધિકારીઓને 22 જુદાં જુદાં લૉકેશન પર બોલાવીને ત્યારબાદ તેમને દરોડાના સ્થળે પહોંચવા જણાવ્યું હતું.

દરોડાની માહિતી જરાય ન લીક થાય તેની તકેદારી રૂપે જ પોલીસ ફોર્સને પણ અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. આ લખાય છે ત્યારે આવકવેરા અધિકારીઓને રક્ષણ આપવા માટે દરોડાના લૉકેશન પર પોલીસ ફોર્સ રવાના કરવામાં આવી રહી છે. 

દરોડા હેઠળ આવરી લેવાયેલા પ્રમોટરો અને ડિરેક્ટરોમાં રાજેશ બળવંત બ્રહ્મભટ્ટ, રૂપેશ બળવંત બ્રહ્મભટ્ટ, મનીષ ગિરીશ શાહ અને હિમાંશુ  પટેલનો સમાવેશ થાય છે. દરેકના રહેઠાણ અને ઑફિસને દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

તદુપરાંત અશોક અગ્રવાલ નામની એક વ્યક્તિને પણ આ દરોડા હેઠળ આવરી લેવામાં આવી છે. આ વ્યક્તિની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. જોકે તેને કોઈ જ મોટા અગ્રવાલ બિલ્ડર ગુ્રપ સાથે નિસબત ન હોવાનું આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે.

રાજેશ બ્રહ્મભટ્ટના કેસમાં પણ ટ્રાન્સફરેબલ ડેલપમેન્ટ રાઈટનું જ કૌભાંડ હોવાના નિર્દેશ મળી રહ્યા છે. રાજેશ બ્રહ્મભટ્ટના કેસમાં પણ ટીડીઆર એટલે કે ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઈટમાં બહુ જ મોટી રકમના રોકડેથી વહેવાર થયા હોવાનું જણાઈ રહ્યું છે. આ વહેવારો રોકડેથી થયા હોવાનો નિર્દેશ પણ મળી રહ્યો છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zK31ta
via IFTTT

Comments