જામનગર: સુરતથી નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો શહેરમાં ઘુસાડવાનું નેટવર્ક એસ.ઓ.જી.એ પકડી પાડ્યું


- 12 કિલો નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે સુરતના સપ્લાયર તથા જામનગરના રીસીવર સહિત બે શખ્સોની અટકાયત

જામનગર,તા.31 ઓગષ્ટ 2021 મંગળવાર 

સુરત થી જામનગર શહેરમાં નશીલા પદાર્થ ગાંજાના જથ્થાને ઘૂસાડવાનું નેટવર્ક જામનગરની એસ.ઓ.જી. શાખાએ પકડી પાડ્યું છે, અને ગાંજાનો જથ્થો સપ્લાય કરવા આવેલા સુરતના એક સપ્લાયર તેમજ જામનગરના એક રીસીવર સહિત બે શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી 12 કિલો અને 294 ગ્રામ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો કબજે કરી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.

જામનગરની એસ.ઓ.જી શાખાને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતો હુસેન ઉર્ફે ભીખુ વલીમામદ સુમરાણી નામનો શખ્સ, કે જે જામનગર શહેરમાં ગાંજાના જથ્થાનું વેચાણ કરવા માટે બહાર ગામથી મંગાવી રહ્યો છે, અને સુરત થી એક સપ્લાયર ગાંજાનો જથ્થો લઈને જામનગરમાં નાગનાથ ગેઇટ ચોકડી વિસ્તારમાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે સોમવારે સાંજે એસ.ઓ.જી શાખાની ટુકડીએ વોચ ગોઠવી હતી.

જે દરમિયાન શંકર ટેકરી વિસ્તારમાં રહેતો હુસેન ઉર્ફે ભીખુ વલીમામદ સુમરાણી એક સ્થળે ઉભો હતો. દરમિયાન તેને સુરતના તિરૂપતિ નગર વિસ્તારમાં રહેતો સરીફ ઉર્ફે શાહરૂખ ખલીલ પીંજારા નામનો શખ્સ ગાંજાનો જથ્થો સપ્લાય કરવા માટે આવી પહોંચ્યો હતો, અને ગાંજાની ડિલિવરી કરે તે દરમિયાન એસ.ઓ.જી. શાખાએ બંનેને પકડી પાડયા હતા. જેઓના કબ્જામાંથી 12 કિલો અને 294 ગ્રામ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો અને સ્કૂટર મળી આવ્યા હતા.

આથી પોલીસે બે લાખથી વધુની માલમતા કબજે કરી લઈ બંને શખ્સોની અટકાયત કરી લીધી છે, અને તેઓ સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gMyHHJ
via IFTTT

Comments