શરીરથી જોડાયેલા બે ભાઈઓ : અજૂબા 'સોહણા-મોહણા' !

- જમા ઉધાર : પાર્થ દવે

અજૂબા 'સોહણા-મોહણા'!

કેટલાંક 'અજૂબા' એવા હોય છે જેનો જવાબ મેળવવામાં વિજ્ઞાન પણ હાંફી જાય છે. ૧૪ જૂન, ૨૦૦૩ના દિલ્હીમાં જન્મેલા બે ભાઈઓ સોહણા-મોહણા એક જ શરીરથી જોડાયેલા છે. તેમના બે ચહેરાં અને ચાર હાથ સામાન્ય બાળકોની જેમ જ કાર્ય કરે છે, પણ બે પગનું નિર્દેશન જુદા-જુદા મગજ કરે છે. તેમનું માથું, છાતી, ફેફસાં અને કરોડરજ્જુ અલગ-અલગ છે, પરંતુ કમરથી નીચે કીડની, લીવર સહિતનાં અંગો એક જ છે! સોહણા-મોહણાનો જન્મ થયો ત્યારે તેમના માતા-પિતાએ આ બાળકોની વધુ સારી રીતે દેખભાળ કરી શકે તેવી સંસ્થાને સોંપવા સૂચવ્યું હતું અને ત્યાર બાદ અમૃતસરમાં આવેલી 'પિંગલવાડા' નામની સંસ્થામાં આ બાળકો મોટા થયા છે.

સોહણા-મોહણાની નર્વસ સિસ્ટમ અલગ-અલગ કાર્ય કરે છે. ભણવામાં સોહણા વધુ હોશિયાર છે. ક્યારેક એકને તાવ આવે તો ક્યારેક બીજાને, ક્યારેક એકને ગરમી લાગે તો બીજાને ઠંડી લાગે છે. તબીબીશાસ્ત્રનંં કહેવું છે કે દર બે લાખ બાળકોના જન્મ બાદ એકબીજાથી જોડાયેલું એક બાળક પેદા થાય છે અને અડધા તો જન્મતાંવેંત ૨૪ કલાકમાં મૃત્યુ પામે છે. જોકે, સોહણા-મોહણા સ્વસ્થ છે. તેમનો જન્મ થયો એ સમયે પણ ડૉક્ટર્સનું કહેવું હતું કે આ બાળકો લાંબુ નહીં જીવી શકે, પણ આજે સોહણા-મોહણા ૧૮ વર્ષના છે અને નોકરીની અલગ-અલગ અરજી પણ કરી નાખી છે! સોહણા-મોહણાએ ઇલેક્ટ્રિક ડિપ્લોમા પૂરું કરીને પંજાબ પાવરવર્કમાં જુનીયર એન્જીનીયરના એક પદ માટે જુદી-જુદી અરજી કરી છે. આ બંને ભાઈઓને નોકરી મળી શકે છે, પણ આવા કેસમાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપવાની જોગવાઈ ન હોવાથી તેના વગર નોકરી મેળવવામાં મુશ્કેલી સર્જાઈ છે. નોકરી મળ્યા બાદ પણ બંને જણ સાથે કામ કરશે કે કેમ અને તેમને પગાર કઈ રીતે આપવામાં આવશે એ અંગે કંપની અવઢવમાં છે.

બ્લૂ હાઈડ્રોજન : યે અચ્છી બાત નહીં! 

દુનિયાભરના સંશોધકો પેટ્રોલ - ડિઝલના વિકલ્પો શોધી રહ્યા છે. એવું બળતણ જે પર્યાવરણની દ્રષ્ટિએ સ્વચ્છ હોય. એટલે કે તેનાથી વાતાવરણ વધુ દુષિત ન થાય. હાઈડ્રોજનને તેવું, એક સુરક્ષિત ઊર્જા સ્ત્રોત ગણવામાં આવે છે. બાઈડન ગવર્મેન્ટ તથા ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી સહિતની કંપનીઓ આ વાતનું સમર્થન કરી ચૂકી છે. પણ થોડા દિવસો પહેલા આવેલા એક રિસર્ચે લોચો માર્યો છે. તે મુજબ હાઈડ્રોજન તો કોલસા કરતાય ખતરનાક છે. કેમ કે, હાઈડ્રોજનમાંથી ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કોલસા કરતાં પણ વધારે થાય છે. ઍકેડમિક જર્નલ એનર્જી સાયન્સ ઍન્ડ એન્જીનિયરિંગમાં છપાયેલા એક અભ્યાસમાં પણ હાઈડ્રોજન ઉત્સર્જન મુક્ત નહીં હોવાની વાત લખી છે.

રૉબર્ટ હોવર્થ અને માર્ક જેકબસનના રિસર્ચ મુજબ હાઈડ્રોજન બળતણનું ઉત્પાદન કરવા માટે સારી એવી ઊર્જા ખર્ચાય છે. પ્રાકૃતિક ગેસમાંથી હાઈડ્રોજન કાઢવાની પ્રક્રિયામાં તેને ગરમ કરવામાં આવે છે અને તેના પર દબાણ વધારવામાં આવે છે ત્યારે કાર્બનનું ઉત્સર્જન થાય છે. આમ તો આ ઉત્સર્જન થોડું હોય છે, પણ એ કાર્બન શોષવાની પ્રક્રિયામાં પણ ઊર્જાનો વપરાશ થાય છે એટલે તેનો જોઈએ તેટલો ફાયદો નથી કેમ કે, બ્લુ અને ગ્રે હાઈડ્રોજનનું કુલ ઉત્સર્જન ડીઝલ, ગેસ અથવા કોલસાથી વધુ છે. અમેરિકાએ જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિલ પાસ કર્યું ત્યારે તેમાં ૮ સ્વચ્છ હાઈડ્રોજન હબ બનાવવા માટે ૮ અબજ ડોલરની ફાળવણી કરવામાં આવી હતી. સંશોધકોની ચેતવણી છે કે, કાર્બન શોષવાની પ્રક્રિયાની એ મર્યાદા છે કે તે અમુક ક્ષમતા સુધી જ ટકી શકે છે અને એ પાછું વાતાવરણમાં ભળી જવાની સંભાવના છે.

મોંઘેરા આંસુઃ મેસીએ વાપરેલા ટિશ્યૂ પેપરની કિંમત ૭.૪૩ કરોડ! 

સેલેબ્રિટીના પેઈન્ટીંગ, કપડાં કે ઘરવખરીની હરાજી થાય એ તો સાંભળ્યું, પણ  આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિઓનેલ મેસીના તો આંસુ કરોડોમાં વેંચાઈ રહ્યા છે! લિઓનેલ મેસી બાર્સેલોનામાંથી વિદાય લઈને પીએસજી (પેરિસ સેન્ટ જર્મેન) ટીમ સાથે જોડાયો છે. લિઓનેલ મેસી અને બાર્સેલોના ક્લબ વચ્ચે નવા કરાર થવાના હતા, પણ કોન્ટ્રાક્ટમાં નાણાંકીય મુશ્કેલી આવતાં મેસી હવે એફસી બાર્સેલોનામાં નહીં રહી શકે.

૨૧ વર્ષ સુધી સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોનાનો ભાગ રહી ચૂકેલા મેસીએ બાર્સેલોનાને અલવિદા કહ્યું ત્યારે તેણે યોજેલી પત્રકાર પરિષદમાં ભાવુક થઈ ગયો હતો. એટલો ભાવુક કે દડ દડ દડ આંસુ પડવા માંડયા. અને હવે મેસીએ પોતાના આંસુ જે ટિશ્યૂ પેપરથી લૂછયા છે તેની કરોડોમાં હરાજી થઈ રહી છે અને તેની બેઝિક પ્રાઈઝ એક મિલિયન ડોલર એટલે કે અંદાજે ૭.૪૩ કરોડ રૂપિયા છે! આંસુ લૂછયા બાદ મેસીએ કચરાપેટીમાં ફેંકી દીધેલા ટિશ્યૂને કોઈ અજાણી વ્યક્તિએ ઉઠાવી લીધું હતું અને હવે એ ટિશ્યૂનું ઓનલાઈન વેંચાણ થઈ રહ્યું છે. એ વ્યક્તિએ દાવો કર્યો છે કે, આ ટિશ્યૂમાં મેસીનું જીનેટિક પણ છે જે ફૂટબોલ ખેલાડીનું ક્લોન (પ્રતિકૃતિ) બનાવવામાં મદદરૂપ થશે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mMGWHF
via IFTTT

Comments