વડોદરા: પરિક્રમા દરમિયાન નર્મદા મૈયા અને ચિરંજીવ અશ્વસ્થામાના દર્શનની અનુભૂતિ થાય છે: સાવરીયા મહારાજ

વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર

સાવરીયા મહારાજ બચપણથી જ સાવ અલગારી જીવ.ભક્તિભાવના સંસ્કારો જાણે કે પૂર્વ જન્મથી જ અંકુરિત થયેલા હતા. એમણે 8 વર્ષની કુમળી વયે ગીતા કંઠસ્ત કરી લીધી હતી. પરિક્રમાનું એવું ઘેલું કે કોઈ કહે ચાલો માં નર્મદા તમને બોલાવે છે એટલે બધા દુન્યવી કામો પડતાં મૂકી તેમની સાથે જોડાઈ જાય.

જાણે કે પરમાત્માએ એમને નર્મદા પરિક્રમા માટે જ ધરતી પર મોકલ્યા છે. એમની આ અઢળક પરિક્રમા પ્રીતિને લીધે એમને ઓળખનાર બધાંજ એમને નર્મદા પુત્ર તરીકે ઓળખે છે. દેખાવે મહાત્મા ગાંધી જેવા દેખાતા હોવાથી તેઓ છોટે ગાંધી તરીકે પણ ઓળખાય છે.

નિસ્પૃહ એટલા કે માત્ર બે જોડ ભગવા વસ્ત્ર રાખે તેમાં ખિસ્સા રાખતા જ નથી છતાં ક્યારેય માતાએ એમની પરિક્રમા અટકવા દીધી નથી.

તેઓ કહે છે કે કુક્ષી તાલુકાના દેહલ ગામે નર્મદાએ મૈયા સ્વરૂપે એમને સાક્ષાત દર્શન આપ્યા હતાં.

તો 1996માં અમર કંટક દેવ ગંગામાં ભારતના પૂર્વ નાણાં મંત્રી સદગત એચ.એમ.પટેલની યાદમાં ભાગવત કથા યોજાઈ હતી. ઉત્તર કાશીના મહાત્માઓને વિધિવત્ પૂજન માટે તાજા બીલીપત્રોની રોજ જરૂર પડતી.ત્યારે એક અજાણ્યો ભાવિક રોજ બિલી પત્રોની ભારી આપી જાતો. તેમને મતે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ અમરત્વની ભગવાન કૃષ્ણ દ્વારા સજા પામેલા દ્રોણ પુત્ર અશ્વસ્થામા સ્વયં હતા. અમર કંટકથી શુલપાનેશ્વર સુધીના નર્મદા કાંઠે હજુ પણ આ મહાભારતકાલીન મહારથી ફરી રહ્યાં છે એવી પ્રબળ લોક શ્રદ્ધા છે.

બાજરીયા બાપુના આ શિષ્યને નર્મદા માતાએ સતત પરિક્રમા કરવાની ઝંખના અને અદ્ભુત બળ આપ્યું છે. બાકી હણહણતા અશ્વ જેવા યુવાનો પણ એક પરિક્રમા પૂરી કરતાં હાંફી જાય છે ત્યારે 74 વર્ષની વયે યુવાનીના જોમ અને જુસ્સા, તરવરાટથી પરિક્રમા કરતા સાવરિયા મહારાજ મૈયાની કૃપા વગર અવિરત પરિક્રમા કરી જ ના શકે. એવું કહી શકાય કે માં નર્મદા જાતે જ તેમનો થાક હરી લઈને તેમને સતત પરિક્રમા રત રાખે છે. જેની પર માં ની કરુણા વરસે એ શું ના કરી શકે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zBqbTi
via IFTTT

Comments