- મટકીફોડ સહિત રાસોત્સવ અને કૃષ્ણજન્મોત્સનું આયોજન
- કપડવંજ, મહેમદાવાદ, ઠાસરા, ગળતેશ્વર સહિત ઠેર ઠેર કૃષ્ણજન્મોત્સવ ઉજવાયો : સંતરામ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટયાં
નડિયાદ : ખેડા જિલ્લામાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદના સંતરામ મંદિર, સ્વામીનારાયણ તીર્થસ્થળ વડતાલધામ સહિતનાંં જિલ્લાના મુખ્ય મંદિરો ગોકુળાષ્ટમીને દિવસે કૃષ્ણમય બન્યા હતા અને ભક્તોની ભક્તિભાવનાથી છલકાઈ ઊઠયા હતા. લાખો ભક્તોએ કૃષ્ણજન્મના વધામણાં લઈને ધન્યતા અનુભવી હતી. ધાર્મિક સ્થાનો જેટલો જ ઉત્સાહ અને આનંદ સોસાયટી અને રહેવાસી સંકુલોમાં જોવા મળ્યો હતો.
નડિયાદના મંદિરોમાં પણ કૃષ્ણજન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી જોવા મળી હતી. શહેરના મંદિરો ઉપરાંત સોસાયટીઓમાં પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિવિધ આયોજનો જોવા મળ્યાં હતાં. શહેરના મોટા કુંભનાથ મંદિરમાં તાજેતરમાં જ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ પછી જન્માષ્ટમીની ઉજવણી યોજવામાં આવી હતી. આ પવિત્ર પર્વમાં મોટા પ્રમાણમાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ગોકુળાષ્ટમી નિમિત્તે મંદિરમાં રાસોત્સવ અને કૃષ્ણજન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદ ઉપરાંત જિલ્લામાં કપડવંજ, મહેમદાવાદ, ઠાસરા, ગળતેશ્વર સહિતના તાલુકાઓમાં પણ ઠેરઠેર કૃષ્ણજન્મોત્સવ ઉજવાયો હતો. સેવાલિયામાં વલ્લભ મંડળ દ્વારા મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વામીનારાયણ તીર્થસ્થળ વડતાલધામમાં જન્માષ્ટમીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ ગઈ હતી. આ ઉત્સવને ઉજવવા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાંનિધ્યમાં ભૂમેલ ગુરુકુળના બાળકો રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ રાસ રમ્યા હતા. વડતાલનાં બાળકો દ્વારા નૃત્ય રજૂ કરા.ાં હતાં. જેને સહુ સંતો અને ભક્તોએ વધાવ્યાં હતાં. રાસગરબાની રમઝટમાં સંતો, પાર્ષદો, હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. મંદિરના પટાંગણમાં પ્રતીકાત્મક મટકીફોડનો કાર્યક્રમ ઉજવાયો હતો. સમગ્ર મંદિરપરિસર કૃષ્ણજન્મોત્સવ નિમિત્તે ભક્તિમય બન્યું હતું. આ પર્વ નિમિત્તે દેવોને ૨૫૦ કિલોનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.
મુક્તજીવન સ્વામીબાપા પ્રાગટયધામ ખેડામાં સ્વામીનારાયણ મંદિરને જન્માષ્ટમી નિમિત્તે ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વિવિધ ફૂલાના શણગાર સાથે પારણિયામાં શ્રી હરિકૃષ્ણ સ્વરૂપ ભગવાનને ઝૂલાવવામાં આવ્યા હતા. મહંતશ્રીએ બાળપ્રભુને ભોગ ધરાવ્યા હતા. ભગવાન સ્વામીનારાયણના ગુરુ રામાનંદ સ્વામીનો જન્મ પણ શ્રાવણ વદ આઠમની રાતે ૧૨ કલાકે થયો હતો. આ બન્ને આનંદદાયી પર્વની સાથે ઉજવણી કરાઈ હતી. પારણે બિરાજમાન ભગવાનની આરતી ઊતારવામાં આવી હતી. કઠલાલ નગરમાં આવેલા કુબેરજી મંદિર ખાતે ગોકુળાષ્ટમીના પર્વની ઉજવણી માટે અન્નકુટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનને ૨૦૦થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. રાતે ૧૨ વાગ્યે કેક કાપીને શ્રીકૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Bz9qsF
via IFTTT
Comments
Post a Comment