વડોદરા: દરેક ચૂંટણી હાર્યા પરંતુ નર્મદા પરિક્રમાને સાવરીયા મહારાજે જીવનની પરિક્રમા બનાવી નર્મદા પુત્રનું બિરુદ મેળવ્યું


- સાત વાર પગપાળા, 318 વખત વાહનથી, અને 1118 વખત ઉત્તર વાહિનીની નર્મદા પરિક્રમા કરનાર સાવરીયા મહારાજ છોટે ગાંધી તરીકે પણ ઓળખાય છે.

વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર

ભારતીય ધર્મ સંસ્કૃતિમાં પરિક્રમાનું અદકેરૂ મહત્વ છે. એને તપ સાધનાનો ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે.

સહુથી જાણીતી પરિક્રમા ગણપતિ દાદાએ માતા પાર્વતી અને દેવાધિદેવ શંકરની કરીને પૃથ્વીની પરિક્રમા કર્યા બરોબરનું પુણ્ય અને મોરનું વેગીલું વાહન ધરાવતા મોટાભાઈ કાર્તિકેયને ઉંદરના મંદ ગતિ વાહનનો ઉપયોગ કરવા છતાં પાછા પાડયા હતા. આપણે દેવાલયમાં દર્શન કર્યા પછી પરિક્રમા કરીએ છે. વડ કે પીપળના પવિત્ર વૃક્ષોની પરિક્રમા કરીએ છે. વ્રજ ચોરાસી કોષની પરિક્રમાનું કે ગિરિરાજ પર્વતની પરિક્રમાનું આગવું મહત્વ છે.

તેવી જ રીતે નદીઓમાં લગભગ માતા નર્મદાની પવિત્ર પરિક્રમાનું આગવું મહત્વ છે અને અમર કંટકથી સાગર મિલન સ્થળ અને ત્યાંથી બીજા કાંઠે ફરીથી અમર કંટક સુધીની નર્મદા પરિક્રમા ખૂબ કસોટી કરનારી, વિકટ અને થકવી દેનારી છે. પવિત્ર નર્મદાની પરિક્રમા જીવનમાં એકવાર પણ થઈ જાય તો જીવન ધન્ય થઈ જાય એવી અતૂટ શ્રદ્ધા છે અને દર વર્ષે હજારો નર્મદામાંના ચાહકો અને પુજકો આ પરિક્રમા માતૃ ભક્તિના ભાવ સાથે અનેક કષ્ટો વેઠીને કરે છે.

આમ, માતા રેવાની પરિક્રમા જીવનને તારનારી, અતિ પવિત્ર અને કસોટી કરનારી છે. એકવારમાં જ નવ નેજા પાણી આવી જાય એવી આ પરિક્રમા બેડો પાર કરનારી છે.

ત્યારે માતા નર્મદાને જેમણે પોતાનું સમસ્ત જીવન સમર્પિત કર્યું છે તેવા સાંવરિયા મહારાજે એક બે વાર નહીં પરંતુ સેંકડો વાર અને વિવિધ રીતે માં ની પરિક્રમા કરવાનું અભૂતપૂર્વ તપ કર્યું છે.

74 વર્ષની વયના આ નર્મદા સાધકે કુલ 325 વાર વિવિધ રીતે પરિક્રમાનું તપ કર્યું છે. તેમણે 318 વાર વાહનમાં અને 7 વાર પગપાળા નર્મદા પરિક્રમા કરવાનું ભક્તિ પરાક્રમ કર્યું છે.

જાણે કે વિધાત્રીએ તેમની ભાગ્ય રેખામાં કેવળ વારંવાર નર્મદા પરિક્રમાનો દુર્લભ યોગ નું આલેખન કર્યું છે. એટલું જ નહીં આ દરમિયાન જ તેમણે અમર અશ્વસ્થામા અને માતા નર્મદાના સદેહ દર્શનની અલભ્ય અનુભૂતિ કરી છે.

આટલું પૂરતું ના હોય તેમ તેમણે દરવર્ષે ચોક્કસ દિવસોમાં નર્મદા જિલ્લાના રામપુરા માંગરોળ થી યોજાતી અતિ પવિત્ર ઉત્તરવાહીની નર્મદા મૈયાની 1118 વાર પરિક્રમા કરી છે.

આમ, મૂળ મોરબીના સાંવરિયા મહારાજ આજીવન પરિક્રમાવાસી બની રહ્યાં છે.

તેઓ કહે છે કે દશ વર્ષની કુમળી વયે પૂજ્ય ગુરુદેવ બાજરિયા બાપુની આજ્ઞા થી પ્રથમ નર્મદા પરિક્રમા કરી અને તે સિલસિલો હજુ પણ અટક્યો નથી.

શબદના સોદાગર ઝવેરચંદ મેઘાણીજીની જેમ સાવરિયા મહારાજનો જન્મ પણ મોરબી જેલ ખાતાના ક્વાર્ટરમાં થયો હતો. તેઓનું મૂળ નામ કેશવજી કુંવરજી પટેલ હતું હવે તે નામ પણ ભુલાઈ ગયું છે અને સાવરીયા મહારાજ, નર્મદા પુત્ર અને છોટે ગાંધીથી ઓળખાઇ ગયા છે.

નર્મદા પરિક્રમાની સાથે તેઓ રાજનીતિમાં પણ સક્રિય રહ્યાં છે. તેઓ જે તે સમયે મુખ્ય વિરોધ પક્ષ ગણાતા સ્વતંત્ર પક્ષ, બે બળદની જોડી તારા વાળાએ તોડી જેનું સૂત્ર હતું,તેવા રાજકીય પક્ષના સક્રિય સભ્ય હતા.

જો કે તેમણે નર્મદા પરિક્રમાના ભોગે ક્યારેય રાજનીતિ કરી નથી. તેઓ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવ્યા પછી પણ પ્રચાર માટે રોકાયા વગર પરિક્રમા કરવા નીકળી પડતાં.પરિણામે દરેક વખતે તેમને હાર સહન કરવી પડતી.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WwitLz
via IFTTT

Comments