આસારામને ઝટકો: સુપ્રીમ કોર્ટે ફરીથી જામીન અરજી ફગાવી


અદાલતે રાજસ્થાન સરકારના જવાબનો આધાર લીધો

સોરી..આસારામનો ગુનો  સામાન્ય નથી : કોર્ટ

નવી દિલ્હી : બળાત્કારના કેસમાં જુદી જુદી મુદતની જેલની સજાનો સામનો કરી રહેલાં અને જાતે બની બેઠેલા કથિત ગોડમેન એવા આસારામની જામીન અરજી સુપ્રીમ કોર્ટે વધુ એકવાર એમ કહેતાં ફગાવી દીધી હતી કે આસારામ દ્વારા આચરવામાં આવેલો ગુનો કોઇ સામાન્ય ગુનો નહોતો.

આસારામે પોતાની જામીન અરજીમાં પોતાની નાદુરસ્ત તબિયતની આયુર્વેદિક સારવાર કરાવવા થોડા મહિનાઓ સુધી પોતાની જેલવાસની સજાને રદ કરવાની દાદ માંગી હતી.

ન્યાયમૂર્તિ સર્વશ્રી ઇન્દિરા બેનરજી, બેલા ત્રિવેદી અને વી. રામસુબ્રમણ્યમની બેન્ચે રાજસ્થાન સરકાર દ્વારા સુપરત કરાયેલા એ જવાબની વિશેષ નોંધ લીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ગુનેગારને જરુરી તમામ પ્રકારની સારવાર પૂરી પાડવામાં આવી છે. આ જવાબની નોંધ લેતાં બેન્ચે આસારામની અરજીને ફગાવી દીધી હતી.

સોરી..આ કોઇ સામાન્ય ગુનો નથી. જેલમાં તમને તમામ પ્રકારની સારવાર મળશે એમ બેન્ચે મૌખિક અવલોકન વ્યક્ત કરતાં જામીન અરજી ફગાવી દીધી હતી. આસારામની જામીન અરજીનો વિરોધ કરતાં રાજસ્થાન સરકાર વતી હાજર રહેલા વકીલ મનિશ સિંઘવીએ કહ્યું હતું કે આસારામને શ્રેષ્ઠ સારવાર જેલમાં જ પૂરી પાડવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આસારામે ગત 4 જૂનના રોજ પોતાની નાદુરસ્ત તબિયતની આયુર્વેદિક સારવાર માટે બે મહિનાના જામીન આપવાની દાદ માંગતી અરજી સુપ્રીમ કોર્ટેમાં કરી હતી. જેથી કોર્ટે આ સંદર્ભે રાજસ્થાન સરકારનો જવાબ મંગાવ્યો હતો.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kJ5kXN
via IFTTT

Comments